Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > ડૉલર સામે રૂપિયો ઑલટાઇમ તળિયે, શૅરબજારમાં સુધારાની હૅટ-ટ્રિક

ડૉલર સામે રૂપિયો ઑલટાઇમ તળિયે, શૅરબજારમાં સુધારાની હૅટ-ટ્રિક

Published : 19 March, 2026 10:11 AM | IST | Mumbai
Anil Patel

રિલાયન્સ જિયોનો પ્યૉર OFS IPO લાવવાની હિલચાલ, ૧૩ બૅન્કર્સની ઇશ્યુ મૅનેજર તરીકે પસંદગી : ડૉલર સામે રૂપિયો ૯૨.૬૪ના ઑલટાઇમ વર્સ્ટ લેવલે ગયો : ઇનોવિઝનનો ઇશ્યુ પૂરો થયા બાદ પ્રીમિયમ ગાયબ, ડિસ્કાઉન્ટ વધીને ૪૦ રૂપિયા : MMTC તથા JBM ઑટો જંગી વૉલ્યુમે ઉપલી સર

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


કી હાઇલાઇટ્સ

  1. MMTC તથા JBM ઑટો જંગી વૉલ્યુમે ઉપલી સર્કિટમાં
  2. નોમુરાનો બુલિશ વ્યુ ઇન્ડિયન હોટેલ્સને ફળ્યો
  3. ડિફેન્સ શૅરમાં સુધારો આગળ વધ્યો, ઍક્સિસકૅડસમાં ઉપલી સર્કિટ

ડોનલ્ડ ટ્રમ્પ કહે છે કે યુદ્ધ જલદી પૂરું થશે, ઈરાન કહે છે કે પૂરેપૂરો ઇન્તકામ લઈશું. ઈરાનના ભૂતપૂર્વ ટૉપ સિક્યૉરિટી ઑફિસર અલી લારિજાનીને પતાવ્યા પછી ઇઝરાયલ ફૉર્મમાં આવ્યું છે, ઈરાનની મોટા ભાગની લીડરશિપ અને અટૅકિંગ પાવર ખતમ કરી દીધો હોવાનો દાવો કર્યો છે ત્યાં તો હત્યાનો બદલો લેવા ઈરાને ઑપરેશન ટ્રુ પ્રૉમિસ ૪ લૉન્ચ કરીને તેલ અવિવમાં ૧૦૦થી વધુ જગ્યાએ હવાઈ હુમલો કર્યો હોવાના સમાચાર વહેતા થયા છે. ઇન શૉર્ટ, ઈરાન જરાય ઢીલું પડતું નથી અને ટ્રમ્પ ધમકી આપવામાં બિલકુલ મોળા પડ્યા નથી એ અત્યાર સુધીનો સાર છે. અમેરિકા ખાતે ક્રૂડની સ્ટૉકપાઇલ વધી હોવાના અહેવાલ છતાં બ્રેન્ટ ક્રૂડ ૧૦૦ ડૉલરથી નીચે ગયું નથી. હાલ રેટ ૧૦૩ ડૉલર નજીક દેખાય છે. બિટકૉઇન ૭૪,૧૦૧ ડૉલર આસપાસ ટકેલો છે. સોનું ૫૦૦૦ ડૉલરની નીચે રમ્યા કરે છે. ચાંદી ૮૦ ડૉલર આજુબાજુ છે. એશિયન બજારોમાં સુધારાની ચાલ ચાલી રહી છે. ગઈ કાલે તમામ અગ્રણી બજાર વધ્યાં છે. સાઉથ કોરિયા પોણાપાંચ ટકાની તેજીમાં ૫૯૨૫ બંધ થયું છે. જપાન અઢી ટકા, સિંગાપોર દોઢ ટકા, તાઇવાન દોઢ ટકા, થાઇલૅન્ડ અને હૉન્ગકૉન્ગ અડધો ટકો, ચાઇના સાધારણ પ્લસ હતું. યુરોપ રનિંગમાં અડધો-પોણો ટકો ઉપર ચાલતું હતું. પાકિસ્તાની શૅરબજાર ટર્નિંગમાં ૩ ટકા કે ૪૫૬૨ પૉઇન્ટ ઊછળીને ૧,૫૪, ૫૭૮ દેખાયું છે. ડૉલર સામે રૂપિયો ૯૨.૬૨ના વર્સ્ટ લેવલે ગયો છે.

વિશ્વ બજારોની હૂંફમાં ઘરઆંગણે પણ માર્કેટ સતત ત્રીજા દિવસે વધ્યું છે. સેન્સેક્સ આગલા બંધથી ૨૯૭ પૉઇન્ટ ઉપર ૭૬,૩૬૭ ખૂલી અંતે ૬૩૩ પૉઇન્ટ વધીને ૭૬,૭૦૪ તથા નિફ્ટી ૧૯૭ પૉઇન્ટની આગેકૂચમાં ૨૩,૭૭૮ બંધ આવ્યો છે. આરંભથી અંત સુધી પૉઝિટિવ ઝોનમાં રહેલા બજારમાં શૅરઆંક નીચામાં ૭૬,૧૮૮ તથા ઉપરમાં ૭૭,૦૦૧ થયો હતો. સેન્સેક્સ નિફ્ટીની પોણા ટકા જેવી મજબૂતી સામે ગઈ કાલે IT ઇન્ડેક્સ ૨.૮ ટકા કે ૭૮૫ પૉઇન્ટની તેજીમાં બંધ થયો છે. બ્રોકરેજ ફર્મ CLSA, જેફરીઝ, નોમુરા ઇત્યાદિ તરફથી આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સને કારણે IT સામે કશું જોખમ નહીં હોવાની હૈયાધારણ અપાઈ છે એ તેજીનું કારણ ગણાવાય છે. સવાલ એ છે કે AIથી ITને કશું જોખમ નથી તો પછી અત્યાર સુધી આ બધા શા માટે ચૂપ હતા? IT ઇન્ડેક્સ હાલની તારીખે પણ ૨૦૨૬ના અઢી મહિનામાં ૨૧ ટકા નીચે ચાલે છે. રિયલ્ટી ઇન્ડેક્સ પોણાત્રણ ટકા, કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ ૧.૯ ટકા, ટેલિકૉમ અઢી ટકા, ઑટો ઇન્ડેક્સ ૧.૮ ટકા, ઑઇલ-ગૅસ પોણો ટકા વધ્યો છે. બૅન્ક નિફ્ટી પોણો ટકા કે ૪૫૦ પૉઇન્ટ તો પીએસયુ બૅન્ક નિફ્ટી પોણો ટકો અપ હતો. નિફ્ટી મીડિયા ૩.૪ ટકા વધ્યો છે. મેટલ બેન્ચમાર્ક આગલા દિવસના પોણાત્રણ ટકાના જમ્પ બાદ ગઈ કાલે ૩૬ પૉઇન્ટ ઘટ્યો છે. સ્ટ્રૉન્ગ માર્કેટ-બ્રેડ્થમાં NSE ખાતે વધેલા ૨૫૩૮ શૅરની સામે ૭૦૭ શૅર ડાઉન હતા. માર્કેટ કૅપ ૫.૫૦ લાખ કરોડના ઉમેરામાં હવે ૪૩૮.૮૭ લાખ કરોડ થયું છે.



આગલા દિવસે ઇન્ફી સવાપાંચ વર્ષના તળિયે ૧૨૧૫ થઈ હતી. માર્કેટકૅપ ૪.૯૯ લાખ કરોડ હતું એ ગઈ કાલે વધીને ૫.૧૪ લાખ કરોડ રૂપિયા થયું છે.


IT ઇન્ડેક્સ ૭૭માંથી ૭૧ શૅરના સથવારે પોણાત્રણ ટકા અપ

એકધારી ખરાબીમાં મંગળવારે ૨૭,૪૨૮નું ૩૫ મહિનાનું બૉટમ બનાવનારો IT ઇન્ડેક્સ બુધવારે તગડો જમ્પ મારી ઉપરમાં ૨૯,૦૭૪ બતાવી ૨.૮ ટકા કે ૭૮૫ પૉઇન્ટની તેજીમાં ૨૮,૬૨૭ બંધ થયો છે. IT ઇન્ડેક્સના ૭૭માંથી ૭૧ શૅર પ્લસ થયા છે. નિફ્ટી IT પણ ૧૦માંથી ૧૦ શૅરની મજબૂતીમાં ૨.૮ ટકા વધ્યો છે. ફ્રન્ટલાઇનમાં IT અગ્રણી ઇન્ફોસિસે વાર્ષિક પરિણામ ૨૩ એપ્રિલે આપવાનું નક્કી કર્યું છે. શૅર ગઈ કાલે ૧૨૯૦ થઈ ૨.૮ ટકાના જોશમાં ૧૨૬૭ બંધ આપી બજારને ૧૦૬ પૉઇન્ટ ફળ્યો છે. TCS ૨.૧ ટકા વધીને ૨૪૪૧ થતાં એમાં બીજા ૪૨ પૉઇન્ટનો ઉમેરો થયો છે. HCL ટેક્નો અઢી ટકા અને ટેક મહિન્દ્ર ૩.૩ ટકા વધીને બજારને ૫૪ પૉઇન્ટ લાભદાયી નીવડી છે. વિપ્રો ૧.૭ ટકા ઊંચકાઈ ૧૯૪ હતી. લાટિમ ૨.૮ ટકા કે ૧૧૫ રૂપિયા પ્લસ થઈ છે. સાઇડ શૅરમાં નેટવર્ક પીપલ ૧૫ ટકા, માઇન્ડ ટેક ૯.૭ ટકા, સાસ્કેન ૧૩.૩ ટકા, ન્યુકલીઅસ ૮.૨ ટકા, ઇન્ફોબીન્સ ૭ ટકા નજીક ઇન્ટલેક્ટ ડિઝાઇન ૪.૭ ટકા, ક્વિક હીલ સાડાસાત ટકા, તાતા ટેક્નૉલૉજીઝ ૪.૬ ટકા, તાતા એલેક્સી ૨.૬ ટકા, સિગ્નિટી ટેક્નો ૫.૮ ટકા, સુબેક્સ ૬.૧ ટકા, માસ્ટેક ૫.૭ ટકા, કોફોર્જ ૫.૪ ટકા, TVS ઇલેક્ટ્રૉનિકસ ૪.૭ ટકા, KPIT ટેક્નૉલૉજીઝ સાડાપાંચ ટકા, ઓરેકલ ૪.૬ ટકા, પર્સિસ્ટન્ટ ૩.૮ ટકા, ન્યુજેન ૩.૩ ટકા, ઓનવર્ડ ટેક્નૉલૉજીઝ ૮.૪ ટકા મજબૂત હતી. ૬૩ મૂન્સ બે ટકા સુધી ૫૫૭ રહી છે. ટેલિકૉમ ઇન્ડેક્સ ૧૮માંથી ૧૭ શૅરના સથવારે અઢી ટકા રણક્યો છે. સ્ટરલાઇટ ટેક્નો પોણાદસ ટકા, રાઉટ મોબાઇલ ૭.૭ ટકા, સુયોગ સાત ટકા, ઑપ્ટિપસ સાડાછ ટકા, MTNL સાડાપાંચ ટકા નજીક ઊંચકાઈ હતી.


પ્રમોટર્સના OFS પાછળ સ્વાન ડિફેન્સ મંદીની સર્કિટમાં બંધ

તાતા ગ્રુપની ઇન્ડિયન હોટેલ્સમાં બ્રોકરેજ ફર્મ નોમુરાએ ૮૩૦ની અપગ્રેડેડ ટાર્ગેટ પ્રાઇસ સામે બાયનું રેટિંગ જાળવી રાખ્યું છે. શૅર ઉપરમાં ૬૪૨ બતાવી ૨.૯ ટકા વધીને ૬૩૯ બંધ થયો છે. પિઅર ગ્રુપમાં ગઈ કાલે સરકારી હોટેલ્સ કંપની ITDC ઉપરમાં ૪૫૪ બતાવી ૩ ટકા વધીને ૪૪૦ રહી છે. શેલે હોટેલ્સ ૭૫૩ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ ૭૪૫ હતી.  જિંદલ હોટેલ્સ ૧૧.૮ ટકાના ઉછાળે ૬૭ થઈ છે. ફિનિક્સ ટાઉનશિપ ૫.૪ ટકાના બાઉન્સ બૅકમાં ૮૮ થઈ હતી. અડવાણી હોટેલ્સ સવા ટકો, વેલોર એસ્ટેટ ૪ ટકા, તાજ જીવીકે ૩ ટકા સિંકલર હોટેલ ૪.૫ ટકા પ્લસ હતી. સયાજી હોટેલ્સ પુણે નીચામાં ૭૩૦ બતાવી ૭.૩ ટકા ગગડી ૭૪૬ રહી છે. ITC હોટેલ્સ ૧૬૧ નજીક જઈને સવાપાંચ ટકા વધીને ૧૫૮ હતી.

સ્વાન ડિફેન્સ ૯૪.૯ ટકા હિસ્સો ધરાવતી પ્રમોટર્સ હેઝલ ઇન્ફ્રા તરફથી શૅરદીઠ ૧૯૦૦ની ફ્લોર પ્રાઇસથી ૨૬.૩૯ લાખ શૅર કે પાંચ ટકા હોલ્ડિંગ ઑફર ફોર સેલ મારફત વેચવા મૂકતાં સ્વાન ડિફેન્સનો શૅર પાંચ ટકાની નીચલી સર્કિટમાં ૨૨૮૦ની અંદર જઈ ત્યાં જ બંધ થયો છે. પિઅર ગ્રુપમાં કોચિન શિપયાર્ડ ઉપરમાં ૧૪૧૪ બતાવી ૩.૮ ટકા વધી ૧૪૧૨ તો માઝગાવ ડોક ૨૫૬૫ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ ૪ ટકા ઊછળીને ૨૪૫૬ રહી છે. ગાર્ડન રિચ ૨૪૦૬ નજીક જઈને દોઢ ટકો વધીને ૨૩૯૨ હતી. દરમ્યાન ડિફેન્સ ઇન્ડેક્સ આગલા દિવસના બે ટકા જેવા વધારા બાદ ગઈ કાલે ઉપરમાં ૮૧૩૮ થઈ એક ટકો વધીને ૮૦૯૨ હતો. એના ૧૮માંથી ૧૩ શૅર પ્લસ હતા. આઇડિયા ફોર્જ ૧૧. ૬ ટકાની મંગળવારની તેજી બાદ ગઈ કાલે પોણાબે ટકા વધી હતી. ઍક્સિસ કેડસ પાંચ ટકાની વધુ એક ઉપલી સર્કિટમાં ૧૪૫૬ વટાવી ત્યાં જ રહી છે. સિગ્મા ઍડ્વાન્સ્ડ પાંચ ટકા, અવાન્ટેલ ૪.૧ ટકા, એક્વીસ ૩.૭ ટકા, તનેજા ઍરોસ્પેસ ૫.૪ ટકા રસેલટેક અઢી ટકા, ડીસીએક્સ ૨.૩ ટકા વધી છે. 

ઍપ્સિસ ઍરોકેમનું દમદાર લિસ્ટિંગ, ૪૬ ટકાનું રિટર્ન

ડિફેન્સ કંપની ઍપ્સિસ ઍરોકોમ ૧૦ના શૅરદીઠ ૧૧૦ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટમાં ૯થી શરૂ થઈ છેલ્લે બોલાતા ૨૬ના પ્રીમિયમ સામે ગઈ કાલે NSE ખાતે ૧૫૩ ખૂલી ઉપરમાં ૧૬૦ અને નીચામાં ૧૪૭ થઈ ૧૬૦ બંધ રહેતાં ૪૬ ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. નવી દિલ્હીની ઇનોવિઝનનો ૧૦ના શૅરદીઠ ૫૧૯ની ઇશ્યુ પ્રાઇસ સામે કુલ ૩૧૯ કરોડનો ઇશ્યુ બીજા ટ્રાયલે કુલ સાડાત્રણ ગણા નજીકના રિસ્પૉન્સ સાથે ૧૭મીએ પાર પડી ગયો છે. ઇશ્યુમાં ૬૫ ટકા રીટેલ પોર્શન હતો એ માત્ર ૬૦ ટકા ભરાયો છે. હવે લિસ્ટિંગ શુક્રવારે કેવું થાય છે એ જોવું રહ્યું. કંગાળ પ્રતિસાદ વચ્ચે આ ભરણામાં ૭૩થી શરૂ થઈ ૬૬ રૂપિયાનું પ્રીમિયમ ૧૧મીએ બોલાયું હતું. ભરણું નિયત મુદતમાં ન ભરાતાં ૧૨મીએ રેટ ઝીરો થઈ ગયો હતો. ઇશ્યુની પ્રાઇસ ઘટાડી મુદત લંબવાઈ હતી એ દિવસે ફરી ૭નું પ્રીમિયમ શરૂ થઈ ઇશ્યુ પૂરો થતાં જ પ્રીમિયમની જગાએ ગ્રેમાર્કેટમાં ૨૮ રૂપિયાનું ડિસ્કાઉન્ટ બોલાવા માંડ્યું હતું. હાલમાં ૪૦નું ડિસ્કાઉન્ટ ચાલે છે. ગુજરાતના હાલોલની રાજપૂતાના સ્ટેનલેસનું લિસ્ટિંગ પણ શુક્રવારે થવાનું નક્કી થયું છે. પ્રીમિયમ ૩.૭૫ ચાલે છે.

મેઇન બોર્ડમાં અમદાવાદી GSP ક્રૉપ સાયન્સિસનો ૧૦ના શૅરદીઠ ૩૨૦ની અપરબૅન્ડમાં કુલ ૪૦૦ કરોડનો ઇશ્યુ ગઈ કાલે રીટેલમાં ૪૨ ટકા સહિત કુલ ૧.૭ ગણા પ્રતિસાદમાં પૂરો થયો છે. પ્રીમિયમ શરૂ થયું નથી. SME કંપની નોવસ લૉયલ્ટીનો ૧૦ના શૅરદીઠ ૧૪૬ના ભાવનો કુલ ૯૦ ટકા જેવો ભરાયો છે. પ્રીમિયમ શરૂ થયું નથી. તાજેતરમાં લિસ્ટેડ થયેલી પુણેની સેડમેક મેક્ટ્રૉનિક્સ ગઈ કાલે ઉપરમાં ૧૫૮૪ થઈ બે ટકા વધીને ૧૫૩૩ બંધ થઈ છે.

નિફ્ટીમાં જિયો ફાઇનૅન્શ્યલ તો સેન્સેક્સમાં એટર્નલ ટૉપ ગેઇનર

સારા બજારમાં ગઈ કાલે સિપ્લા ૧૨૬૪ની ૮ જાન્યુઆરી ૨૦૨૫ પછીની બૉટમ બનાવી એક ટકાના ઘટાડે ૧૨૬૮ નિફ્ટી ખાતે બંધ થયો છે. નિફ્ટી ૫૦૦ ખાતે મહાનગર ગૅસ, તાતા કેમિકલ્સ, ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ તથા કન્સાઇ નેરોલેક નવા ઐતિહાસિક તળિયે ગયા છે. નિફ્ટી ખાતે જિયો ફાઇનૅન્શ્યલ વૉલ્યુમ સાથે ઉપરમાં ૨૫૦ થઈ ૪.૫ ટકા વધી ૨૪૮ના બંધમાં બેસ્ટ ગેઇનર બની છે. મોતીલાલ ઓસવાલવાળા ૩૨૦ની ટાર્ગેટ પ્રાઇસથી બુલિશ બન્યા છે. સેન્સેક્સમાં એટર્નલ ૩.૪ ટકાની આગેકૂચમાં ૨૪૨ બંધ આપીને મોખરે હતી. ઇન્ફી, ટેક મહિન્દ્ર, TCS અને HCL ટેક્નોનું બાઉન્સ બૅક સેન્સેક્સને કુલ ૨૦૩ પૉઇન્ટ લાભદાયી નીવડ્યું છે. રિલાયન્સ પોણા ટકાના સુધારામાં ૧૪૦૬ થઈ છે. બન્ને મેઇન બેન્ચમાર્ક ખાતે નોંધપાત્ર વધેલા અન્ય શૅરમાં મહિન્દ્ર પોણાત્રણ ટકા, અદાણી પોર્ટ્સ અઢી ટકા, ઍક્સિસ બૅન્ક બે ટકા, લાર્સન ૧.૬ ટકા, ઇન્ડિગો તથા બજાજ ફાઇનૅન્સ દોઢ ટકા, ટાઇટન અને ભારતી ઍરટેલ દોઢ-દોઢ ટકા, અલ્ટ્રાટેક સવા ટકો, તાતા મોટર્સ પૅસેન્જર પોણાબે ટકા, આઇશર ૧.૭ ટકા, બજાજ ઑટો ૧.૮ ટકા, SBI લાઇફ દોઢ ટકા, અદાણી એન્ટર ૧.૬ ટકા, શ્રીરામ ફાઇનૅન્સ ૧.૭ ટકા, ગ્રાસિમ દોઢ ટકા, વિપ્રો પોણાબે ટકા વધી હતી.

કોલ ઇન્ડિયા દોઢ ટકાના ઘટાડે નિફ્ટી ખાતે તો NTPC સવા ટકાની નરમાઈમાં સેન્સેક્સ ખાતે ટૉપ લૂઝર બની છે. હિન્દુ યુનિલીવર એક ટકા તથા સનફાર્મા પોણો ટકો માઇનસ હતી. MMTC ૪૦ ગણા જંગી વૉલ્યુમે ૨૦ ટકાની તેજીની સર્કિટમાં ૬૪ નજીક બંધ આપીને એ ગ્રુપમાં ઝળકી છે. JBM ઑટો ૧૪૨ ગણા વૉલ્યુમમાં ૧૯ ટકા ઊછળી ૫૮૫ વટાવી ગઈ છે. ઓલેક્ટ્રા ગ્રીનટેક ૧૭ ટકા કે ૧૫૫ રૂપિયા, દૂદલા ડેરી સાડાતેર ટકા કે ૧૩૬ રૂપિયા તથા ફાઇડેન્ટ પોણા અગિયાર ટકાની તેજીમાં બંધ રહી છે. ચેન્નઈ પેટ્રો પોણાપાંચ ટકા, એમઆરપીએલ ૪ ટકા, ITI લિમિટેડ સાડાત્રણ ટકા, કાવરી સીડ્સ ૪ ટકા બગડી હતી. 

Whatsapp-channel Whatsapp-channel

19 March, 2026 10:11 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK