HDFC બૅન્ક અને પિડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝ છેલ્લા દાયકાના બેસ્ટ શૅર, આ શૅરોએ દર વર્ષે અનુક્રમે સરેરાશ, ૧૪,૪૫ ટકા અને ૧૮ ટકા વળતર આપ્યું છે
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
ભારતમાં લિસ્ટેડ ૬૫૦૦+ કંપનીના શૅરમાંથી માત્ર બે શૅરોએ ૨૦૧૫થી દર વર્ષે પૉઝિટિવ રિટર્ન આપ્યું છે. HDFC બૅન્કના શૅરોએ દર વર્ષે સરેરાશ ૧૪.૪૫ ટકા વળતર આપ્યું છે જે ૨૦૧૭માં પંચાવન ટકા સુધી પહોંચ્યું હતું, જ્યારે પિડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝના શૅરોએ દર વર્ષે સરેરાશ ૧૮ ટકા વળતર આપ્યું છે જે ૨૦૧૭માં ૫૩ ટકા સુધી પહોંચ્યું હતું.
આગામી ૧૨ મહિનામાં એટલે કે ૨૦૨૬માં HDFC બૅન્ક આશરે ૧૫ ટકા વળતર આપશે એવો અંદાજ છે. HDFC બૅન્કના શૅર વેચવાનું કોઈ ઍનલિસ્ટ કહેતો નથી.
ADVERTISEMENT
પિડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝ માટે ચિત્ર કંઈક અંશે વધુ સંતુલિત છે. લગભગ ૬૮ ટકા ઍનલિસ્ટ વધુ શૅર ખરીદવાની ભલામણ કરે છે અને આગામી ૧૨ મહિનામાં આશરે ૧૨ ટકા વળતરની અપેક્ષા છે.
પિડિલાઇટનું ૧૨ મહિનાનું ફૉર્વર્ડ મૂલ્યાંકન આશરે ૫૬ ગણું છે જ્યારે એની પાંચ વર્ષની સરેરાશ આશરે ૬૪ ગણી છે. આનો અર્થ એ છે કે શૅર એના ઐતિહાસિક મૂલ્યાંકનથી નીચે ટ્રેડ થઈ રહ્યો છે.
HDFC બૅન્કની વાત કરીએ તો એનું ૧૨ મહિનાનું ફૉર્વર્ડ પ્રાઇસ-ટુ-બુક આશરે ૨.૬ ગણું છે, જ્યારે બે વર્ષની સરેરાશ આશરે ૨.૮ ગણી છે. આનો અર્થ એ છે કે અહીં મૂલ્યાંકન પણ કંઈક અંશે આરામદાયક લાગે છે.
HDFC બૅન્ક માટે મજબૂત ઍસેટ ક્વૉલિટી, નાણાકીય વર્ષ ૨૦૨૬-’૨૭માં ૧૦ ટકાથી વધુ લોન-વૃદ્ધિ અને વ્યાજદરમાં ઘટાડાને કારણે ચોખ્ખા વ્યાજ-માર્જિનમાં સુધારો એ આગળ જતાં મુખ્ય પરિબળો માનવામાં આવે છે. ઑપરેટિંગ સ્તરે પણ પરિસ્થિતિમાં સુધારો થવાની અપેક્ષા છે.
પિડિલાઇટ માટે મજબૂત મૅનેજમેન્ટ માર્ગદર્શન, નવા સેગમેન્ટમાં પ્રવેશ અને સૌમ્ય ઇનપુટ ખર્ચ એ સકારાત્મક પરિબળો છે. જોકે કેટલાક ઍનલિસ્ટોએ આ કંપનીના સેક્ટરમાં ઉચ્ચતમ સ્પર્ધા અને ૬૦ ગણા મૂલ્યાંકનને કારણે સેલ-રેટિંગ પણ આપ્યું છે. કોઈ પણ નિરાશા શૅરમાં તીવ્ર કરેક્શન તરફ દોરી શકે છે.


