ઑફિશ્યલ મિલેનિયા મીમ કૉઇનના ભાવમાં ૫૨.૧૭ ટકાનો ઘટાડો થતાં ભાવ ૪.૨૨ ડૉલર પર પહોંચ્યો હતો
મીમકોઇન્સ
ડોનલ્ડ ટ્રમ્પે અમેરિકન પ્રમુખ તરીકે શપથ લીધા એની પૂર્વે રચવામાં આવેલા એમના નામના તથા એમનાં પત્ની મિલેનિયાના નામના મીમ કૉઇનનો પતંગ મંગળવારે ભરદોરમાં કપાઈ ગયો હતો. એટલું જ નહીં, ટ્રમ્પના આગમનના ઉત્સાહમાં વધેલા અન્ય ક્રિપ્ટો કૉઇનના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. ઑફિશ્યલ ટ્રમ્પ નામનો મીમ કૉઇન મંગળવારે સાંજે પૂરા થયેલા ૨૪ કલાકના ગાળામાં ૨૩.૬૮ ટકા ઘટીને ૩૯.૭૭ ડૉલર થયો હતો, જ્યારે ઑફિશ્યલ મિલેનિયા મીમ કૉઇનના ભાવમાં ૫૨.૧૭ ટકાનો ઘટાડો થતાં ભાવ ૪.૨૨ ડૉલર પર પહોંચ્યો હતો. નોંધનીય છે કે સોમવારે આ બન્ને મીમ કૉઇનમાં મોટી વૃદ્ધિ થઈ હતી.
બીજી બાજું, બિટકૉઇન ૪.૫૦ ટકાના ઘટાડા સાથે ૧,૦૨,૯૬૬ ડૉલર ટ્રેડ થવા લાગ્યો હતો તથા ઇથેરિયમ ૨.૧૧ ટકા ઘટીને ૩૨૭૯ ડૉલરના સ્તરે પહોંચ્યો હતો. એક્સઆરપીમાં પણ ૬.૭૧ ટકાનો ઘટાડો થયો હતો. અન્ય ઘટેલા કૉઇનમાં સોલાના (૭.૨૮ ટકા), કાર્ડાનો (૭.૮૩ ટકા), ચેઇનલિંક (૨.૩૬ ટકા), ટ્રોન (૨.૨૮ ટકા) અને અવાલાંશ (૫.૭૧ ટકા) સામેલ હતા. વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટનું કૅપિટલાઇઝેશન ૨.૬૮ ટકા ઘટીને ૩.૫૯ ટ્રિલ્યન ડૉલર થયું હતું.