Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > નવા વર્ષે બજાર અવઢવમાં, નિફ્ટી ૧૭ પૉઇન્ટ પ્લસ અને સેન્સેક્સ થયો ૩૨ પૉઇન્ટ ડાઉન

નવા વર્ષે બજાર અવઢવમાં, નિફ્ટી ૧૭ પૉઇન્ટ પ્લસ અને સેન્સેક્સ થયો ૩૨ પૉઇન્ટ ડાઉન

Published : 02 January, 2026 09:05 AM | IST | Mumbai
Anil Patel

રિલાયન્સ ઉપરાંત ટાઇટન, લાર્સન, બજાજ ઑટો, હિન્દાલ્કો, શ્રીરામ ફાઇનૅન્સની નવા ટૉપ સાથે નવા વર્ષની શરૂઆત : મેટલ અને ઑટો ઇન્ડેક્સમાં નવી લાઇફ ટાઇમ હાઈ સાથે સુધારો : અદાણીના શૅર ડિમાન્ડમાં, અદાણી એનર્જી ૧૩ મહિનાની ટોચે, અદાણી પાવર ચાર ટકા, અદાણી ટોટલ પોણા

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


કી હાઇલાઇટ્સ

  1. એક્સ-સ્પ્લિટની પૂર્વસંધ્યાએ MCXમાં ૧૫૦ રૂપિયાની નરમાઈ
  2. કૉન્ડોમ બનાવતી ક્યુપિડ અને આનોન્દિતા મહિનામાં ૫૦ ટકા પ્લસના ઉછાળા સાથે સતત નવી સપાટીએ
  3. ITCનો ધબડકો બજારને ૩૧૮ પૉઇન્ટ તથા રોકાણકારોને ૪૮૯૨૫ કરોડ રૂપિયા નડ્યો

૨૦૨૫ના વર્ષમાં ૯-૧૦ ટકા વધેલું બજાર હવે ૨૦૨૬ના નવા વર્ષમાં કેટલું વધશે એની ગેસિંગ ગેમ ચાલુ થઈ ગઈ છે. આશાવાદીઓ કે સદાય તેજીના ઘોડા પર સવાર રહેલા વિશ્લેષકો કહે છે કે સેન્સેક્સ કમસે કમ એક લાખ થઈ જશે. ફિબોનાસી પૅટર્નના ભક્તો માને છે કે શૅરઆંક નવા વર્ષમાં નીચામાં ૭૬,૧૧૬ અને ઉપરમાં ૯૪,૩૨૫ની રેન્જ બતાવશે. કેટલાક ચાર્ટવાળા જણાવે છે કે બજાર ૯૦,૮૫૦ થઈ પાછું પડશે અને એ વટાવે તો ૯૨,૬૦૦ ઉપર તેજી અટકી જશે. તેમને નીચામાં ૭૯,૬૦૦ અને ત્યાર પછી ૭૭,૮૫૦ રૉક બૉટમ સપોર્ટ લેવલ દેખાય છે. સેન્સેક્સ લાખનો થાય કે સવા લાખનો, તમારા-મારા જેવા નાના રોકાણકારોનો એક જ સવાલ છે કે આપણો પોર્ટફોલિયો વધશે ખરો? કેટલો વધશે? જવાબ છે, ખબર નથી. મૂડી બસ ઘટે નહીં તો સારું. બાય ધ વે, કોટક સિક્યૉરિટીવાળા ૨૦૨૬માં નિફ્ટી ૨૪ ટકા વધીને ૩૨૦૩૨ થવાની વાત લાવ્યા છે. વર્ષાંતે તેઓ આમ કેમ ન થયું એની મીમાંસા કરી ૨૦૨૭ના લેવલે આપશે એ વાત પણ એટલી જ નક્કી છે, લખી રાખજો.

૨૦૨૫ના વર્ષાંતને ૫૪૫ પૉઇન્ટની સલામી આપ્યાનો હાંફ ચડ્યો હોય એવા મૂડમાં સેન્સેક્સ ગઈ કાલે, નવા કૅલેન્ડર વર્ષના પ્રથમ દિવસે ૩૫ પૉઇન્ટના મામૂલી સુધારામાં ૮૫,૨૫૫ ખૂલી છેવટે ૩૨ પૉઇન્ટ ઘટીને ૮૫,૧૮૮ તથા નિફ્ટી ૧૭ પૉઇન્ટ વધીને ૨૬,૧૪૬ બંધ થયો છે. વધ-ઘટની રેન્જ ઘણી નાની હતી. શૅરઆંક ઉપરમાં ૮૫,૪૫૨ અને નીચામાં ૮૫,૧૦૧ થયો હતો. માર્કેટ બ્રેડ્થ થોડી સારી રહી છે. NSEમાં વધેલા ૧૬૮૩ શૅરની સામે ૧૪૪૮ જાતો ઘટી છે. માર્કેટકૅપ ૧.૦૫ લાખ કરોડ વધીને ૪૭૬.૮૪ લાખ કરોડ રૂપિયા જોવાયું છે. જૂજ અપવાદ સિવાય બન્ને બજારનાં તમામ ઇન્ડાઇસિસ વધ્યાં છે. ટેલિકૉમ બેન્ચમાર્ક ૧.૭ ટકા, પાવર ઇન્ડેક્સ ૧.૧ ટકા, યુટિલિટીઝ દોઢ ટકો, આઇટી અડધો ટકો, રિયલ્ટી પોણો ટકો પ્લસ હતો. મેટલ ઇન્ડેક્સ તેમ જ ઑટો ઇન્ડેક્સ ઑલટાઇમ હાઈ બનાવી અનુક્રમે પોણો ટકો તથા એક ટકો વધ્યા છે. નિફ્ટી ડિફેન્સ તેમ જ નિફ્ટી ફાર્મા અડધા ટકા આસપાસ નરમ હતા. FMCG બેન્ચમાર્ક ITCના ભાર હેઠળ સર્વાધિક ૩ ટકા તૂટ્યો છે. વ્યાપક પરંતુ ધીમા ઘટાડાને લઈને બૅન્ક નિફ્ટી તથા પીએસયુ બૅન્ક નિફ્ટી સાધારણ સુધર્યા છે. બૅન્કિંગ ઉદ્યોગના ૪૧માંથી ૨૯ શૅર પ્લસ હતા. CSB બૅન્ક ૪૯૦ ઉપર નવી ટોપ બનાવી ૬ ટકાની મજબૂતીમાં ૪૮૬ થઈ છે. બૅન્ક ઑફ મહારાષ્ટ્રમાં ૬૪ નજીક નવું શિખર બની ભાવ અઢી ટકા વધી ૬૩.૫૮ હતો. ઇન્ડસઇન્ડ બૅન્ક ત્રણ ટકા, કરુર વૈશ્ય દોઢ ટકો, બૅન્ક ઑફ ઇન્ડિયા સવાબે ટકા, DCB બૅન્ક બે ટકા વધી હતી. ફિનો પેમેન્ટ બૅન્ક બે ટકા ઘટી છે.



એશિયા તથા યુરોપનાં બજારો રજામાં હતાં. પાકિસ્તાની શૅરબજારે નવા વર્ષમાં બુલ રનની ઇનિંગ્સ આગળ વધારી છે. કરાચી શૅરબજારનો આંક ૧,૭૪,૦૫૪ના આગલા બંધ સામે ગઈ કાલે ૧,૭૬,૬૫૮ની નવી લાઇફ ટાઇમ હાઈ બનાવી રનિંગમાં ૨૩૩૦ પૉઇન્ટની આગેકૂચમાં ૧,૭૬,૩૮૪ ચાલતો હતો. બિટકૉઇન નજીવી વધ-ઘટે અથડાતો રહીને ૮૭,૬૯૭ ડૉલર દેખાયો છે. બ્રેન્ટ ક્રૂડ ૬૧ ડૉલરની અંદર ઊતરી ગયું છે. કૉમેક્સ સિલ્વર સવાનવ ટકા જેવા ગાબડામાં ૭૦ ડૉલર ઉપર, પ્લૅટિનમ સાડાપાંચ ટકા તૂટી ૨૦૬૦ ડૉલર, હાજર સોનું અડધો ટકો ઘટી ૪૩૧૯ ડૉલર તથા કૉમેક્સ ગોલ્ડ એક ટકો ઘટી ૪૩૪૧ ડૉલર જોવા મળ્યું છે. લંડન કૉપર એક ટકો અને કૉમેક્સ કૉપર પોણાબે ટકા ડાઉન હતી. ટિન સવાત્રણ ટકા કે ૧૩૯૮ ડૉલર ગગડીને ૪૦,૫૫૬ ડૉલર થયું હતું.


રિલાયન્સ ૧૭ મહિનાનું નવું શિખર દેખાડી સાધારણ સુધારામાં

રિલાયન્સ ૧૫૯૩ની ૧૫ જુલાઈ ’૨૪ પછીની ટૉપ હાંસલ કરી ૦.૪ ટકા સુધરીને ૧૫૭૫ બંધ થઈ છે. ૨૦૨૪ની ૮ જુલાઈએ અહીં ૧૬૦૯ નજીકની ઑલટાઇમ હાઈ બની હતી. જિયો ફાઇનૅન્સ નજીવી વધી છે. છેલ્લા કેટલાક દિવસથી સુસ્ત ચાલમાં નરમાઈતરફી રહેલી એટર્નલ ગઈ કાલે સરેરાશ કરતાં ૪૦ ટકા કામકાજે બે ટકા વધી ૨૮૪ બંધમાં સેન્સેક્સ નિફ્ટી ખાતે વધવામાં અગ્રક્રમે હતી. હરીફ સ્વિગી એક ટકો વધી ૩૯૦ થઈ છે. શ્રીરામ ફાઇનૅન્સ તેજીની આગેકૂચમાં ૧૦૨૫ની નવી સર્વોચ્ચ સપાટી બનાવી ૨.૪ ટકા વધી નિફ્ટી ખાતે ૧૦૨૦ બંધ આવી છે. મારુતિ સુઝુકીનું ડિસેમ્બરનું વેચાણ ૨૨ ટકા વધ્યું છે. શૅર નીચામાં ૧૬૬૧૨ થયા બાદ નજીવા સુધારે ૧૬,૭૩૦ રહ્યો છે. વેચાણના આંકડા વચ્ચે બજાજ ઑટો ૯૫૮૪ની વર્ષની ટૉપ બતાવી ૨.૩ ટકા વધી ૯૫૬૦ થયો છે. અશોક લેલૅન્ડ ૧૮૫ ઉપર નવી લાઇફ ટાઇમ હાઈ નોંધાવી ૩ ટકા વધી ૧૮૫ નજીક હતી. TVS મોટર્સ ૩૭૯૮ની વિક્રમી સપાટીએ જઈ બે ટકા વધી ૩૭૯૬ રહી છે.


તાજેતરની પીછેહઠ બાદ આઇટીમાં ગઈ કાલે ધીમો સુધારો જોવાયો છે. ઇન્ફોસિસ પોણો ટકો, વિપ્રો દોઢ ટકો, TCS ૦.૭ ટકા, HCL ટેક્નો પોણો ટકો તથા ટેક મહિન્દ્ર એક ટકા અપ હતી. NTPC પાંખા વૉલ્યુમે બે ટકા વધીને ૩૩૬ બંધ હતી. લાર્સન ૪૧૪૮ની ઑલટાઇમ ટૉપ દેખાડી ૧.૪ ટકા વધીને ૪૧૩૯ થ છે. અલ્ટ્રાટેક એક ટકો તો ભારતી ઍરટેલ નહીંવત્ પ્લસ હતા. ઇન્ડિગો એક ટકાના સુધારામાં ૫૧૦૯ હતી. હરીફ સ્પાઇસ જેટ અડધો ટકો સુધરી છે.

મેઇન બેન્ચમાર્ક ખાતે ખરાબીમાં ITC મોખરે હતી અને એ-ગ્રુપમાં સેકન્ડ વર્સ્ટ પર્ફોર્મર બની છે. તો ગૉડફ્રે ફિલિપ્સ ૧૭ ટકા કે ૪૭૨ રૂપિયાના ધુમાડામાં ડૉ. રેડ્ડીઝ લૅબ ૧.૪ ટકા, ONGC એક ટકા, ભારત ઇલેક્ટ્રિક અડધો ટકો, સિપ્લા પોણો ટકો, તાતા કન્ઝ્‍યુમર સવા ટકો ઘટી છે. હેવીવેઇટ HDFC બૅન્ક નામપૂરતી તથા ICICI બૅન્ક ૦.૪ ટકા ઢીલી હતી. કોટક બૅન્ક અડધો ટકો વધી છે. સ્ટેટ બૅન્ક નહીંવત્ સુધરી હતી. ઍક્સિસ બૅન્ક સામાન્ય વધી ૧૨૭૩ રહી છે. ટાઇટન ૪૦૬૯ નજીક નવી વિક્રમી સપાટી હાંસલ કરીને નજીવા ઘટાડે ૪૦૪૩ બંધ આવી છે.

ITCના ભારમાં FCMG ઇન્ડેક્સમાં ૫૭૨ પૉઇન્ટની ખરાબી

ગયા મહિને મહિન્દ્રાનું કુલ વેચાણ ૨૫ ટકા વધી ૮૬,૦૯૦ વાહનોનું થયું છે. શૅર ઉપરમાં ૩૭૭૪ બતાવી ૧.૪ ટકા વધી ૩૭૬૨ બંધ થયો છે. VST ટિલર્સનું વેચાણ ૩૦ ટકા વધતાં શૅર ઉપરમાં ૬૩૭૧ની ટોચે જઈ પ્રૉફિટ બુકિંગમાં ૬૧૭૮ થઈ સાધારણ ઘટી ૬૨૪૩ હતો. એસ્કોર્ટ્સનાં ટ્રૅક્ટર્સનું વેચાણ ડિસેમ્બરમાં ૩૮.૫ ટકા વધ્યું છે. ભાવ બમણા વૉલ્યુમે ઉપરમાં ૩૮૪૬ બતાવી ૨.૭ ટકા વધી ૩૮૧૯ થયો છે. SML મહિન્દ્રનું વેચાણ ૬૭ ટકા વધતાં ભાવ ૪૧૭૪ વટાવી ત્રણ ટકા અને ૧૧૮ રૂપિયા ઊંચકાઈ ૪૦૯૪ થયો છે. આઇશરનું વેચાણ ૨૪.૭ ટકા વધ્યું છે. ભાવ અડધો ટકો વધી ૭૩૪૫ હતો.

મેટલ શૅરોમાં વધ-ઘટે સુધારો આગળ વધ્યો છે. મેટલ ઇન્ડેક્સ ૩૭૧૬૩ની ઑલટાઇમ હાઈ બતાવી ૦.૮ ટકા વધી ૩૭,૧૧૫ બંધ થયો છે. અહીં ૧૩માંથી ૧૦ શૅર પ્લસ હતા. હિન્દાલ્કો ૮૯૬ની વિક્રમી સપાટી બનાવી એક ટકો વધી ૮૯૫ થયો છે. અન્ય મેટલ શૅરમાં હિન્દુ કૉપર પોણો ટકો, લૉઇડ્સ મેટલ અઢી ટકા, જિન્દલ સ્ટીલ સવા ટકો, તાતા સ્ટીલ એક ટકો સુધરી છે. નાલ્કો નામપૂરતી જ્યારે વેદાન્તા સામાન્ય ઘટી હતી. હિન્દુસ્તાન ઝિન્ક ૫૦ પૈસા ઘટીને ૬૧૨ નજીક બંધ થઈ છે.

FMCG ઇન્ડેક્સ ૯૪માંથી ૫૫ શૅરના ઘટાડામાં ૬૦૩ પૉઇન્ટ કે ત્રણ ટકા ગગ‍ડ્યો છે. એમાં ITCનો ફાળો ૫૭૨ પૉઇન્ટ હતો. ગૉડફ્રે ફિલિપ્સ ૧૭ ટકા ખરડાઈ ટૉપ લૂઝર બની હતી. ઓરિયેન્ટ ટેક્નૉલૉજીઝમાં ૧૦ શૅરદીઠ એક બોનસની રેકૉર્ડ ડેટ પાંચમી જાન્યુઆરી છે. શૅર ગઈ કાલે બમણા વૉલ્યુમે નીચામાં ૪૨૩ થઈ ૪.૨ ટકા ગગડી ૪૩૪ હતો. એવન ટેક્નૉલૉજીઝ સતત પાંચ ઉપલી સર્કિટ બાદ ગઈ કાલે પાંચ ટકાની મંદીની સર્કિટમાં ૪૮૨ થઈ ત્યાં જ બંધ થઈ છે. લુબ્રિકન્ટ્સ કંપની પનામા પેટ્રોકેમ ૪૪ ગણા કામકાજે ઉપરમાં ૩૭૩ થઈ ૮.૫ ટકા ઊછળી ૩૧૦ થઈ છે. ૧૭ ડિસેમ્બરે એમાં ૨૬૪ની અંદરનું બૉટમ બન્યું હતું. ઇન્ડસ ટાવર ૪ ગણા કામકાજે ૪૪૦ની સવા વર્ષની ટૉપ બનાવી ૪.૧ ટકા વધી ૪૩૫ રહી છે. બ્લુડાર્ટની સબસિડિયરી બ્લુડાર્ટ એવિયેશન સામે ૪૨૧ કરોડની ટૅક્સ ડિમાન્ડ ઘટાડીને GST ઑથોરિટીએ ૬૫ લાખ કરી નાખતાં બ્લુડાર્ટનો શૅર ઉપરમાં ૬૦૪૩ વટાવી ૨.૮ ટકા કે ૧૫૫ રૂપિયા વધીને ૫૬૭૬ બંધ થયો છે. નિફ્ટી મેટલ ઇન્ડેક્સ ૧૧,૨૬૨ની નવી વિક્રમી સપાટી દેખાડી પોણો ટકો વધી ૧૧૨૫૬ રહ્યો છે.

જયપુરની મેગ્નાનિમસ ટ્રેડમાં શૅરદીઠ ૨૩ બોનસનો રસપ્રદ કિસ્સો

કાલબાદેવી રોડ પરની કન્ઝ્‍યુમર ડ્યુરેબલ્સ કંપની CWD લિમિટેડ એક શૅરદીઠ ચાર બોનસમાં શુક્રવારે બોનસ બાદ થવાની છે. શૅર ગઈ કાલે ૨૦૦૦ની ઇન્ટ્રા-ડે હાઈ બનાવી ત્રણ ટકા વધી ૧૯૭૦ બંધ થયો છે. આ કંપની ૨૦૨૧ના ઑક્ટોબરના પ્રથમ સપ્તાહે ૧૦ના શૅરદીઠ ૧૮૦ના ભાવથી ૧૮ કરોડનો BSE SME IPO લાવી હતી. ૨૦૨૨ની ૩૧ ‍ઑક્ટોબરે ભાવ ૨૪૨૫ના બેસ્ટ લેવલે ગયો હતો. બોરીવલી-ઈસ્ટની પ્રૉફિટ કૅપિટલ સર્વિસિસ શૅરદીઠ એક બોનસમાં આજે શુક્રવારે એક્સ-બોનસ થશે. ભાવ ગઈ કાલે ૪.૮ ટકા વધી ૮.૬૬ બંધ હતો. ફેસવૅલ્યુ એકની છે. ગયા મહિને ૩ ડિસેમ્બરે શૅર ૧૫.૨૮ના શિખરે હતો. એક અનોખી ઘટનામાં BSE લિસ્ટેડ જયપુરની મેગ્નાનિમસ ટ્રેડ ઍન્ડ ફાઇનૅન્સ એક શૅરદીઠ ૨૩ બોનસ શૅરમાં શુક્રવારે એક્સ-બોનસ થવાની છે.

ફેસવૅલ્યુ ૧૦ની છે, બુકવેલ્યુ ૩૪૦ છે. માર્ચ ૨૦૨૫ના અંતે પ્રમોટર્સ હોલ્ડિંગ ૭૧.૪ ટકા હતુ એ ઘટીને જૂન ક્વૉર્ટરમાં ૨૧.૮ ટકા થયું અને સપ્ટેમ્બર ક્વૉર્ટરના અંતે ફરીથી એ ૭૧.૪ ટકા થઈ ગયું છે. ઇક્વિટી વર્ષોથી ૯૫ લાખ રૂપિયાની છે. કંપનીએ ગયા વર્ષે ૧૦૪૨ લાખની આવક પર ૪૬૯ લાખ નફો કર્યો છે. જ્યારે અગાઉના વર્ષે આવક ૧૦૪ લાખ હતી, પણ અન્ય આવક ૩૬.૧૩ થઈને કુલ આવક ૩૭૧૭ લાખ થઈ હતી. નેટ નફો ૧૮૨૮ લાખ થયો હતો. શૅરમાં છેલ્લે ૨૦૨૪ની ૮ ઑગસ્ટે એક શૅરના કામકાજમાં ભાવ પાંચ ટકા વધી ૫.૬૪ બંધ થયો હતો, ત્યાર પછી સોદા પડ્યા નથી.

MCX ૧૦ના શૅરના બે રૂપિયામાં વિભાજનમાં આજે એક્સ-સ્પ્લિટ થવાની છે શૅર ગઈ કાલે ઉપરમાં ૧૧,૧૭૪ થઈ ૧.૩ ટકા ઘટી ૧૦,૯૮૮ રહ્યા છે. હાલમાં ૧૦ના શૅરની બુકવૅલ્યુ ૪૦૯ ઉપર છે. મેઇડન બોનસ ક્યારે આવે છે એ જોવું રહ્યું. બાંદરા હિલ ખાતેની અગાઉ TRC ફાઇનૅન્સ સર્વિસિસ તરીકે ઓળખાતી અવસર ફાઇનૅન્સ એક શૅરદીઠ બેના પ્રમાણમાં શૅરદીઠ ૧૦ના ભાવે રાઇટ ઇશ્યુમાં ગઈ કાલે એક્સ-રાઇટ થઈ છે. કંપનીનો શૅર GMS હેઠળ રિસ્ટ્રિક્ટેડ ટ્રેડિંગ લિસ્ટમાં છે. છેલ્લે ૨૯ ડિસેમ્બરે ભાવ પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૨૯.૪૦ બંધ રહ્યો હતો, ત્યાર પછી ટ્રેડિંગ નથી.

સરકારે સિગારેટ, ગુટકા, પાનમસાલા મોંઘાં કર્યાં, ટબૅકો શૅરના ભાવ ગગડ્યા

સરકારે ટબૅકો પરની ઍડિશનલ એક્સાઇઝ ડ્યુટી તેમ જ પાનમસાલા પર નવો સેસ ૧ ફેબ્રુઆરીથી લાગુ કરવાની જાહેરાત કરી છે. આને પગલે ગઈ કાલે ITC લિમિટેડ ૩૬૨ની ૨૦૨૩ની ૩૦ જાન્યુઆરી પછીની બૉટમ બનાવી ૯.૭ ટકા ગગડી ૩૬૪ બંધ આપી બજારને ૩૧૮ પૉઇન્ટ નડી છે. માર્કેટકૅપની રીતે ૪૮,૯૨૫ કરોડ ડૂલ થયા છે. અન્ય સિગારેટ કંપની ગૉડફ્રે ફિલિપ્સ ૩૦ ગણા કામકાજે ૨૨૩૦ની ઇન્ટ્રા-ડે બૉટમ બનાવી ૧૭ ટકા કે ૪૭૨ રૂપિયા તૂટીને ઇન્ટ્રા-ડે બૉટમ બનાવી ૧૭ ટકા કે ૪૭૨ રૂપિયા તૂટીને ૨૨૯૦ હતી. NTC ઇન્ડસ્ટ્રીઝ નીચામાં ૧૫૩ થઈ પોણાબે ટકા ગગડી ૧૬૦ થઈ છે. VST ઇન્ડસ્ટ્રીઝ ૨૩૮ની ઇન્ટ્રા-ડે નીચી સપાટી દેખાડી એક ટકો ઘટી ૨૫૪ રહી છે. સિન્નર બીડીઉદ્યોગ ૭૦૦ના લેવલે ફ્લૅટ હતો.

પિકાડેલી ઍગ્રો ઇન્ડસ્ટ્રીઝનો દૈનિક બે લાખ લીટરની ક્ષમતા ધરાવતો નવો ઇથનૉલ પ્લાન્ટ વેપારી ધોરણે કાર્યરત થતાં શૅર ૭૩ ગણા કામકાજે ઉપરમાં ૬૫૫ થઈ ૬.૮ ટકા ઊછળી ૬૦૪ બંધ થયો છે. આશરે ૮૮,૦૦૦ કરોડના ઍડ્જસ્ટેડ ગ્રોસ રેવન્યુ પેટેના દેવાના મામલે સરકારના રિલીફ પૅકેજમા પાંચ વર્ષનું મોરેટોરિયમ અપાયું છે. દેવાની આ ચુકવણી હવે કંપનીએ ૨૦૩૧-’૩૨થી શરૂ કરવાની છે. ૧૦ વર્ષમાં દેવું પૂરું કરવાનું છે. રિલીફ પૅકેજના પ્રાથમિક રિસ્પૉન્સમાં શૅર બુધવારે ૧૧ ટકા તૂટીને પોણાઅગિયાર બંધ થયા પછી ગઈ કાલે ઉપરમાં ૧૧.૯૨ થઈ આઠ ટકા વધી ૧૧.૬૨ બંધ આવ્યો છે.

અદાણી ટોટલ ગઈ કાલે ૧૪ ગણા વૉલ્યુમે ૬૨૦ વટાવી ૪.૮ ટકાની મજબૂતીમાં ૧૫૯૪ થઈ છે. અદાણી ગ્રુપના અન્ય શૅરમાં અદાણી પાવર સાડાસાત ગણા કામકાજે ઉપરમાં ૧૫૩ થઈ ચાર ટકા વધી ૧૪૯, અદાણી એનર્જી ૧૦૬૧ની ટોચે જઈ ૧.૮ ટકા વધી ૧૦૪૮, અદાણી ગ્રીન ૧૦૪૫ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ એક ટકો વધી ૧૦૨૫, NDTV ઉપરમાં ૧૦૧ વટાવી ત્રણ ટકા વધી ૯૯ જેવી બંધ હતી. અદાણી એન્ટર પોણો ટકો પ્લસ તો અદાણી પોર્ટ્સ ૦.૮ ટકા વધી ૧૪૮૧ હતી. કૉન્ડોમ બનાવતી ક્યુપિડ લિમિટેડ ૫૨૬ના શિખરે જઈ ૧.૪ ટકાની આગેકૂચમાં ૫૨૫ થઈ છે તો આનોન્દિતા મેડિકેર બે ટકાની ઉપલી સર્કિટમાં ૧૦૩૭ની સર્વોચ્ચ સપાટી નોંધાવી ૧૦૩૩ રહી છે. મહિનામાં ક્યુપિડ ૫૦ ટકા તથા આનોન્દિતા ૫૭ ટકા વધી ચૂકી છે.

Whatsapp-channel Whatsapp-channel

02 January, 2026 09:05 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK