કલાનાં ક્ષેત્રે નવી પ્રતિભાઓ સમયાંતરે આવતી જ રહે છે. શાસ્ત્રીય નૃત્ય ક્ષેત્રે પણ તેજસ્વી પ્રતિભાઓ કલાજગતને મળતી રહે છે. આવી પ્રતિભાઓનાં નૃત્યનો તથા એમને તથા એમના ગુરુને સન્માનવાનો એક જાહેર કાર્યક્રમ તક્ષશિલા નૃત્ય કલામંદિરે ૧૦ નવેમ્બર રવિવારે સવારે ૯.૩૦ વાગ્યે લતા મંગેશકર નાટ્યગૃહ, મીરા રોડમાં યોજ્યો છે. તક્ષશિલા નૃત્ય કલામંદિરની સ્થાપના શ્રીમતી કાશ્મીરા ત્રિવેદીએ 1988 માં કરી હતી. આ સંસ્થાના ઉપક્રમે એમણે વર્ષોથી કેટલીય નવી તથા જાણીતી પ્રતિભાઓને લોકો સમક્ષ રજૂ કરી છે.
ડૉ. રાધા કુમાર, સંજય પંડ્યા અને કાશ્મીરા ત્રિવેદી
તેઓ પોતે ભરતનાટ્યમનાં વરિષ્ઠ નૃત્યાંગના અને કોરિયોગ્રાફર છે. એમણે અનેક બેલેનૃત્ય કોરિયોગ્રાફ કર્યા છે અને ભરતનાટ્યમ, કથ્થક તથા ઓડીસી નૃત્યને 'ત્રિભંગિમા' એવા નામે એક સાથે મંચ પર રજૂ કર્યા છે. જાણીતા સિતારવાદક પ્રોફેસર ડોક્ટર રાધાકુમાર , કવિ સંજય પંડ્યા , કુચીપુડી નૃત્યમર્મજ્ઞ વિક્રમકુમાર બથીના તથા સંસ્કારભારતી (ગુજરાત)ના જગદીશ જોશી વિશેષ અતિથિ તરીકે હાજરી આપશે. શાસ્ત્રીય નૃત્યની નવી પ્રતિભાઓનું તરંગ પદ્મ એવોર્ડથી તથા ગુરુનું તરંગ વિદ્વાન એવોર્ડથી વિશેષ અતિથિઓના હસ્તે સન્માન કરવામાં આવશે.
વિક્રમકુમાર બથીના તેમ જ જગદીશ જોશી
ભારતીય શાસ્ત્રીય નૃત્ય કલાના વિવિધ રંગોને માણવા તથા નવી પ્રતિભાઓને પોંખવા સહુની હાજરી અનિવાર્ય છે અને તક્ષશિલા નૃત્ય અકાદમી રસિકજનને જાહેર આમંત્રણ પાઠવે છે.