Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



'ઝરૂખો 'માં ' બે નવલકથા ' વિષય પર ગોષ્ઠિ

01 July, 2024 01:02 IST | Mumbai

'ઝરૂખો 'માં ' બે નવલકથા '  વિષય પર ગોષ્ઠિ

'કરણ ઘેલો ' થી લઈને આજ સુધી નવલકથા લેખનક્ષેત્રે ઘણા પડાવ આવ્યા છે. કનૈયાલાલ મુનશી, ર.વ.દેસાઈના યુગ પછી સારંગ બારોટ, ચન્દ્રકાન્ત બક્ષી, વિઠ્ઠલ પંડ્યા, રઘુવીર ચૌધરી, દિનકર જોષી, વર્ષા અડાલજા, હરકિસન મહેતા, ભગવતીકુમાર શર્મા, ઈલા આરબ મહેતા, વીનેશ અંતાણી, ધ્રુવ ભટ્ટ , રજનીકુમાર પંડ્યા પોતાની નવલકથાઓ દ્વારા વાચકોના હૃદયમાં વર્ષોથી સ્થાયી છે. બિન્દુ ભટ્ટ, કાનજી પટેલ, ધીરેન્દ્ર મહેતા કે અશોકપુરી ગોસ્વામીએ નવલકથા ક્ષેત્રે કળાત્મકતા દેખાડી છે તો તાજેતરનાં વર્ષોમાં કાજલ ઓઝા વૈદ્ય વાચકોમાં પ્રિય થયાં છે. આજની નવલકથામાં મુંબઈના બે નવલકથાકાર શું આલેખે છે એ સમજવાનો સાહિત્યિક સાંજ 'ઝરૂખો માં પ્રયત્ન થશે.

૬ જુલાઈ શનિવારે સાંજે ૭.૨૦ વાગ્યે ' બે નવલકથા ' વિષય પર ગોષ્ઠિ થશે. સાડા ત્રણ દાયકા સુધી પત્રકારત્વ સાથે જોડાયેલા લેખક અનિલ રાવલ એમની નવલકથા ' ઑપરેશન તબાહી ' ની સર્જનપ્રક્રિયા વિશે વાત કરી વાચિકમ પણ કરશે. જાણીતા કવિ વાર્તાકાર સંદીપ ભાટિયા 'ઑપરેશન તબાહી' નવલકથા વિશે વાત કરશે. અનિલ રાવલે પોઈઝન માઈન્ડ્સ , થેન્ક યુ મિલોર્ડ, તીરંદાજ અને ત્રિકાળ જેવી નવલકથાઓ આપી છે. લેખિકા મમતા પટેલ પણ પોતાની સર્જનપ્રક્રિયાની વાત કરશે.એમની બે નવલકથાઓ આવી છે, 'ધખતો સૂરજ' તથા 'ને સંધ્યા ખીલી ઊઠી'. એમનો એક વાર્તાસંગ્રહ પણ પ્રકાશિત થયો છે.' ધખતો સૂરજ ' નવલકથા વિશે જાણીતા વાર્તાકાર તથા વિવેચક કિશોર પટેલ વાત કરશે. સંજય પંડ્યાના સંચાલનમાં આ કાર્યક્રમ સાઈબાબા મંદિર બીજે માળે, સાઈબાબા નગર, બોરીવલી પશ્ચિમના સરનામે યોજાયો છે. સર્વ સાહિત્યરસિકો આ કાર્યક્રમમાં હાજરી આપી શકે છે.કાર્યક્રમના અંત ભાગમાં શ્રોતાઓ પ્રશ્નો પણ પૂછી શકશે.


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK