21મી ફેબ્રુઆરીને આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે, તેના ઉપક્રમે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન - તાપી દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકો માટે સેમિનારનું બી.આર.સી. ભવન ખાતે બે દિવસીય ભાષા સજ્જતા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.
આજે પ્રથમ દિવસે ઉદ્ઘાટન કાર્યક્રમ પ્રસંગે તાપી જિલ્લાના શિક્ષણાધિકારી શ્રી ધારાબહેન પટેલ, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય શ્રી યોગેશભાઈ કે. પટેલ, આર.પી. ચૌહાણ આર્ટસ અને કૉમર્સ કૉલેજના આચાર્ય શ્રી ખરવાસિયા સાહેબ, વગેરેએ ઉપસ્થિત રહીને પ્રાસંગિક ઉદ્બોધનમાં માતૃભાષાનું મહત્ત્વ સમજાવ્યું હતું. વર્ષમાં માત્ર એક દિવસ જ નહીં, પરંતુ વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા હરહમેશ માતૃભાષાના સંવર્ધન કરવું જોઈએ એમ જણાવ્યું હતું.
ભાષા સજ્જતા સેમિનારમાં તજજ્ઞ તરીકે શ્રી નૈષધભાઈ મકવાણા (પૂર્વ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી) અને શ્રી રાજેશકુમાર ધામેલિયા ઉપસ્થિત રહ્યા હતા. આજે શ્રી રાજેશકુમાર ધામેલિયાએ ગુજરાતી-અંગ્રેજીનો તુલનાત્મક અભ્યાસ, સાચી જોડણી સહેલાઈથી શીખવાની પ્રયુક્તિઓ, અનુસ્વારની સરળ સમજ વગેરે મુદ્દાઓ પર સંવાદરૂપે વિશદ છણાવટ કરી હતી. વિવિધ ઉદાહરણો અને વાર્તા દ્વારા ગમ્મત સાથે જ્ઞાન પીરસ્યું હતું. શ્રી નૈષધભાઈ મકવાણાએ કવિતા લેખનના કૌશલ્ય અંગે સરળ સમજૂતી આપી હતી. આવતી કાલે લેખન કૌશલ્ય અંગે વિસ્તૃત માહિતી આપશે.
કાર્યક્રમનું સુંદર સંચાલન શ્રી અરવિંદભાઈએ કર્યું હતું અને સમગ્ર કાર્યક્રમનું સંકલન શ્રી જે.ડી.પટેલ સાહેબે કર્યું હતું.