કલા ગુર્જરી સંસ્થા દ્વારા દુર્ગાદેવી, સરાફ ગુર્જર ગીત-શાસ્ત્રીય ગાન સ્પર્ધા- ૨૦૨૪નું આયોજન થયેલ છે. સંસ્થાનાં કાર્યાલય દશરથલાલ જોશી પુસ્તકાલય ભવન, ડી.જે. સ્ટેશન રોડ, વિલેપાર્લે, મુંબઈ ખાતે યોજાનારી આ સ્પર્ધાનો સેમિ ફાઈનલ રાઉન્ડ તા. ૪/૮/૨૪ના તથા ફાઇનલ રાઉન્ડ ૧૧/૮/૨૪ના દિવસે આયોજિત છે. ગાયનશૈલી શાસ્ત્રીય અને સુગમ રાખવામાં આવી છે. આ સ્પર્ધા જુદા જુદા ચાર વિભાગમાં યોજાશે, જેમાં કિશોર વિભાગ (૫થી ૧૫ વર્ષ), યુવા વિભાગ (૧૬થી ૪૦ વર્ષ), વયસ્ક વિભાગ (૪૧થી ૫૯ વર્ષ) તથા સિનિયર સિટીઝન વિભાગ (૬૦થી ઉપરના). આ સાથે જ આ સ્પર્ધામાં ભાગ લેવા માંગતા લોકોએ તા. ૩૧/૭ સુધી સંસ્થાના ફોન નં. ૯૫૯૪૨ ૬૧૯૬૦નો સંપર્ક કરવા ગુર્જર ગાન પેટા સમિતિના અધ્યક્ષ ડો. દિવ્યકાંત આચાર્ય, સંસ્થાના પ્રમુખ હેમાંગ થગલા, ઉપપ્રમુખ ગોપાલભાઈ ત્રિવેદી તથા મંત્રી પ્રણવ ભગતની યાદીમાં જણાવાયું છે.
આ સાથે જ આ સંસ્થા દ્વારા કચ્છ કલા મહોત્સવનું આયોજન પણ કરવામાં આવ્યું છે. કચ્છ કલા મહોત્સવનું આયોજન રવિવાર, ૨૮મી જુલાઈએ સાંજે પાંચ વાગ્યે અને નાણાવટી હૉસ્પિટલ ઑડિટોરિયમ, એસ.વી. રોડ, વિલે પાર્લે- પશ્ચિમમાં કરાયું છે. આ પ્રસંગે પૂર્વી કલાકેન્દ્ર ગ્રુપ ભુજ - કોરિયોગ્રાફર શૈલેશ સિંઘલ, પંચાલ ગ્રુપ મંડળ થાન, સુરેન્દ્રનગર- કોરિયોગ્રાફર યોગેશ પારડિયા ભાગ લેશે. સ કાર્યક્રમમાં કચ્છના રબારી અને ગઢવી કુટુંબની દીકરીઓ લોકનૃત્ય રજૂ કરવાની છે. પ્રવેશ નિઃશુલ્ક છે. વધુ માહિતી માટે મો. નં. ૯૫૯૪૨૬૧૯૬૦ ઉપર સંપર્ક કરવો.