પંખીઓ આકાશમાં જતાં હોય છે ત્યારે આપણને તેઓ ઊડતાં હોય એવું લાગે છે પણ હકીકતમાં તેઓ ઊડતાં નથી હોતાં. આકાશમાં હવાનાં પગથિયાં હોય છે અને પંખીઓ એ પગથિયાં ચડીને આકાશમાં પહોંચતાં હોય છે. પંખીઓ આકાશમાં પહોંચે એટલે હવા જમીન બની જાય અને, સાપ જેમ જમીન પર સરકતા હોય છે એમ, પંખીઓ હવા પર સાપની જેમ સરકતાં હોય છે. હવાનાં એ પગથિયાં કે હવાની જમીન આપણને દેખાતાં નથી પણ પંખીઓને દેખાતાં હોય છે એટલે જ તેઓ ઉપર ચડતાં અને સરકતાં હોય છે. કોઈ દીવાલ બનાવવા માટે આપણે એક ઉપર એક ઈંટો ગોઠવીએ છીએ અને એમ દીવાલ બનતી જાય છે. એમ જ આકાશમાં હવાની ઈંટો ગોઠવાતી જાય અને પગથિયાં બનતાં જાય અને પંખીઓ એ ચડીને આકાશમાં પહોંચતાં જાય. પછી એ ઈંટો જમીન બની જાય અને પંખીઓ આકાશમાં સરકવાં લાગે. સૃષ્ટિમાં આ એક જ આકાશ છે એવું નથી બીજાં પણ આકાશો છે.
એમાંનું એક આકાશ એટલે કલ્પનાનું આકાશ જ્યાં વિચારોરૂપે કલ્પના રહે છે જે કવિઓ અને લેખકોને દેખાય છે. કવિ-લેખકોનું મન શબ્દોની ઈંટો વડે એ આકાશ સુધી પહોંચવાનાં પગથિયાં બનાવે છે અને પછી એ જ પગથિયાંની જમીન પણ બનાવે છે એમ આપણને સાહિત્યિક કૃતિઓ મળે છે. શબ્દોની ઈંટોના માલિક એવાં વાર્તાકારો બાદલ પંચાલ અને પ્રેરણાબેન લિમડીએ શબ્દોની એ ઈંટો દ્વારા કલ્પનાના આકાશમાં સરસ મજાનું વાર્તાલય બનાવીને એમાં વાર્તારાણીની પ્રાણપ્રતિષ્ઠા કરી છે. બાલભારતી 'વાર્તાવંત' ખાતે, આ મહિનાની ૨૩ તારીખે શનિવારે સાંજે સાત વાગે આકાશમાં એ વાર્તાલયની દર્શનસભાનું આયોજન થયું છે. વાર્તાલયવાસી વાર્તારાણીનાં દર્શન તો તેઓ કરાવશે જ પણ વાર્તારાણીનાં દર્શન કરાવ્યા બાદ શબ્દોની ઈંટો દ્વારા તેઓ પ્રથમ વાર્તાલયની બાંધણી સુધી અને પછી વાર્તારાણી સુધી કેવી રીતે પહોંચ્યાં એનાં પણ દર્શન કરાવશે. એ દર્શન કરવા સહુ વાર્તાભક્તોને ભાવભર્યું આમંત્રણ છે. ....
હેમંત કારિયા વાર્તાના ઉત્સવ જેવા આ કાર્યક્રમમાં વાર્તારસિકોની ઉપસ્થિતિ એ ઉત્સવના મહત્વના અંગ સમાન છે. વાર્તારસિકો માટે આ અનેરો અવસર છે. એક વાર્તા પછી મધ્યાંતરમાં થતા કોફીકરણમાં કોફી પીતા પીતા રજૂ થયેલી અને રજૂ થનારી વાર્તા વિશે વાતો કરવાની જે મજા છે એ મજા તો સ્વર્ગમાં પણ નથી. તો બાલભારતી કાંદિવલી પશ્ચિમ, એસ. વી. રોડ ખાતે મળીએ શનિવાર તારીખ ૨૩-૦૩-૨૦૨૪ સાંજે સાત વાગે. વધુ માહિતી માટે સંપર્ક : હેમંત કારિયા. ૯૮૨૧૧૯૬૯૭૩ હેમાંગ તન્ના. ૯૮૨૦૮૧૯૮૨૪