
˝સર્વિસ ઑફ હ્યુમાનીટી ઈઝ ધ બેસ્ટ વર્ક ઑફ લાઈફ” એવો સિદ્ધાંત ધરાવતી મુબઈ સ્થિત સંસ્થા પ્રિયદર્શની એકેડમી છેલ્લા ચાર દાયકાથી સામાજિક-શૈક્ષણિક અને સાંસ્કૃતિક ઉત્થાનના કાર્ય કરી રહી છે. સંસ્થાના ફાઉન્ડર ચેરમેન અને સાચા કર્મયોગી શ્રી. નાનીક રૂપાણી અને મહારાષ્ટ્રના ઈન્ફોર્મેશન અને ટેકનોલોજીના મંત્રીશ્રી આશિષ શેલારના અધ્યક્ષ સ્થાને મંગળવારે,તા-25 માર્ચ-2025 રોજ સાંજે 5.00 વાગે, ઈંડીયન મરચંટ ચેમ્બરમાં એક સાહિત્યિક એવોર્ડ સમારંભ યોજાઈ ગયો.
હિન્દી, મરાઠી, ગુજરાતી અને સિંધી એમ ચાર ભાષામાં સાહિત્યમાં વિશિષ્ટ યોગદાન આપનાર કોઈ પણ એક સર્જકને પ્રતિ વર્ષ આ લિટરરી એવોર્ડ આપવામાં આવે છે. આ વર્ષનો ”શ્રીમતી. ચંદાબેન મોહનભાઈ પટેલ ગુજરાતી લિટરરી એવોર્ડ-2025˝, સ્ત્રીસંવેદનાના જાણીતાં લેખિકા ડૉ. કલ્પના દવેને અર્પણ કરવામાં આવ્યો છે. આ પુરસ્કારમાં રોકડ રકમ રૂ.25000 અને સ્મૃતિ ચિહ્ન આપવામાં આવે છે. ”નવલકથાકાર હરીન્દ્ર દવે˝ એ વિષય પર સંશોધન કરીને પીએચ.ડી.ની ડીગ્રી મેળવનાર તથા ચાર દાયકા સુધી અધ્યાપન કરાવનાર ડો.કલ્પના દવેએ તેમની અઢી દાયકાની શબ્દયાત્રામાં જીવનચરિત્ર, નવલકથા, લઘુનવલ, ટૂંકી વાર્તા, સાહિત્યક સંશોધન, અનુવાદ, સંપાદન જેવા વિવિધ સ્વરૂપોમાં કામ કર્યું છે.
જન્મભૂમિ તેમજ મુંબઈ સમાચારમાં કટારલેખિકા તરીકે, ગ્રંથસમીક્ષા અને કલમ કિતાબમાં વિવેચન કર્યું છે. જીવનના મેઘધનુષી રંગોને વાસ્તવિક ભૂમિ પર દર્શાવીને લખનારાં ડૉ.કલ્પના દવેનાં કુલ ૪૪ પુસ્તકો પ્રકાશિત થયાં છે. એમનાં 'મારું આકાશ કયાં?”, ˝આપણું સિયાચીન” અને ”ઈશ્વરદત્ત દિવ્યાંગની આંતરયાત્રા˝ પુસ્તકો મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત થયાં છે. હાલમાં તેઓ મુંબઈ સમાચારમાં દર રવિવારે ˝આકાશ મારી પાંખમાં˝ કૉલમ લખી રહ્યાં છે.