ફાર્બસ ગુજરાતી સભા દ્વારા 'વ્યાપન પ્રકલ્પ'નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ વિદ્વાન વક્તાઓ દ્વારા સમકાલીન ભારતીય સાહિત્ય : આચમન, આસ્વાદ, વિમર્શ પર ચર્ચા કરવામાં આવનાર છે. ફાર્બસ ગુજરાતી સભાના પૂર્વપ્રમુખ તેમ જ વિશ્વસાહિત્યના આજીવન ભાવક અને ગુજરાતી સાહિત્ય તથા સમાજની અનેકાનેક સંસ્થાઓના સમુદાર સંવર્ધક બળવંતભાઈ પારેખની જન્મશતાબ્દિના પ્રસંગે ૨૯, ૩૦, ૩૧ માર્ચ, ૨૦૨૪ના રોજ કનૈયાલાલ મુનશી સ્થાપિત ભારતીય વિદ્યાભવનના અંધેરીના પરિસરમાં આ કાર્યક્રમ યોજાનાર છે.
પૂર્વસંધ્યા એટલે કે ૨૯ માર્ચ, શુક્રવારે સાંજે ૪.૩૦ થી ૫.૩૦ના રોજ સમૂહમાધ્યમોની ભાષાની નેમઃ સંમોહન, સંગઠન કે સંવેદન? આ વિષય પર ગોષ્ઠિનું આયોજન કરવામાં આવ્યું છે. ૫.૩૦ થી ૭.૩૦ કલાકે ઉડિયા ભાષાનાં વિખ્યાત સર્જક શ્રીમતી પ્રતિભા રાય સાથે એક સાહિત્ય ગોષ્ઠિનું આયોજન છે.
ઉદ્ઘાટન બેઠક 30 માર્ચ શનિવાર, સવારે ૧૦.૦૦થી ૧૧.૩૦ થશે. તેમાં ઉદ્ઘાટન વક્તાઓ હશે મધુકર પારેખ. ૨.૦૦થી ૩.૩૦ દરમિયાન બહુભાષી ગોળમેજી સંગોષ્ઠી થશે. ૩.૩૦થી ૫.૩૦ દરમિયાન વીવિધ ગુજરાતી કવિઓ કાવ્યપાઠ કરશે. ૬.૦૦થી ૭.૩૦ સુધી અતુલ ડોડિયા 'મારી ચિત્રકળા : કેટલાક પડાવ, કેટલાક પડકાર' વિશે વાત કરશે.
૩૧ માર્ચ રવિવારે ૧૦.૦૦થી ૧૦.૩૦ દરમિયાન સરિતા જોષીનું વક્તવ્ય છે. જેમાં તે 'મારાં મનગમતાં નાટકોનાં પાત્રો અને એમની ભાષા' વિશે વાત કરશે. ૧૦.૩૦થી ૧૧.૪૫ દરમિયાન આપણી રંગભૂમિનું આજનું અર્ધશતક - એક અંતરખોજ અંગે ગોષ્ઠિ ગુજરાતીમાં થશે. તે ઉપરાંત ૨.૩૦થી ૩.૪૫ દરમિયાન બહુભાષી ગોળમેજી સંગોષ્ઠિ થશે.
સાંજે ૪.૦૦થી ૫.૩૦ દરમિયાન બહુભાષી કાવ્યસંમેલન યોજાશે. સાંજે ૫.૪૫થી ૬.૩૦ સુધી કવિ ગુલઝારનો કાવ્યપાઠ અને તેમનું અભિવાદન કરવામાં આવશે. સાંજે ૬.૩૦થી ૭.૩૦ દરમિયાન બળવંત પારેખ સ્મૃતિ વ્યાખ્યાન માળાનો પ્રારંભ થશે જેમાં ગુલઝારજી मन-बसे कुछ भारतीय कवियों की रचनाओं पर मेरी अपनी बातें અંતર્ગત પોતાની વાત મૂકશે.