અમદાવાદમાં પ્રકૃતિ અને વન્યજીવન અંગે જાગૃકતા ફેલાવવા માટે એક અનોખું વન્યજીવન ફોટોગ્રાફી પ્રદર્શન (Wildlife photography exhibition) યોજાઈ રહ્યું છે. ‘પ્રકૃતિ પરિચય’ નામના ગ્રુપના લગભગ 41 વન્યજીવન ફોટોગ્રાફરો આ પ્રદર્શન માટે એક જ મંચ પર હાજર રહ્યા છે. આ પ્રદર્શનનો મુખ્ય હેતુ વન્યજીવન ફોટોગ્રાફી દ્વારા પ્રકૃતિ શિક્ષણ અને પ્રકૃતિ સંરક્ષણ અંગે લોકોમાં સમજ અને જાગૃતિ વધારવાનો છે. આ વન્યજીવન ફોટોગ્રાફી પ્રદર્શન 2, 3 અને 4 જાન્યુઆરી 2026 દરમિયાન યોજાશે. પ્રદર્શનનો સમય બપોરે 12 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધીનો રહેશે. CEPT યુનિવર્સિટી કૅમ્પસમાં આવેલું હાથીસિંહ વિઝ્યુઅલ આર્ટ સેન્ટર ખાતે આ યોજાશે, જ્યાં શહેરના પ્રકૃતિપ્રેમીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજરી આપવાની સંભાવના છે.
પ્રદર્શન દરમિયાન ગુજરાત તથા સમગ્ર ભારતના વિવિધ વિસ્તારોમાં જોવા મળતા અનેક પ્રકારના પક્ષીઓ, પ્રાણીઓ અને સરિસૃપોની અદ્ભુત રજૂ કરવામાં આવ્યા છે. આ તસવીરો માત્ર દૃશ્યસૌંદર્ય પૂરતી સીમિત નથી, પરંતુ તેમાં જીવજંતુઓની શરીરની રચના, રંગો, તેમની વર્તણૂક, રહેણાંક વિસ્તાર અને કુદરતી લેન્ડસ્કેપ વિશે પણ વિગતવાર માહિતી મળે છે. ફોટોગ્રાફ્સ દ્વારા પ્રેક્ષકોને વન્યજીવનને નજીકથી સમજવાનો અવસર મળે છે.
આ પ્રદર્શન ખાસ કરીને વિદ્યાર્થીઓ, યુવાનો અને કુદરતપ્રેમીઓ માટે ઉપયોગી સાબિત થશે, કારણ કે અહીં પ્રકૃતિ સંરક્ષણનું મહત્તવ સરળ અને અસરકારક રીતે રજૂ કરવામાં આવ્યું છે. આયોજકોનું માનવું છે કે વન્યજીવન ફોટોગ્રાફી એક શક્તિશાળી માધ્યમ છે, જેના દ્વારા લોકોમાં કુદરત પ્રત્યે સંવેદનશીલતા વધારી શકાય છે. આ ત્રણ દિવસીય પ્રદર્શન તમામ માટે ખુલ્લું છે અને આયોજકો દ્વારા નાગરિકોને આ અનોખી પહેલની મુલાકાત લેવા અપીલ કરવામાં આવી છે. પ્રકૃતિ અને વન્યજીવનમાં રસ ધરાવતા લોકો માટે આ પ્રદર્શન એક શીખવા અને અનુભવાનો મહત્તવપૂર્ણ અવસર બનશે.


