અમેરિકાના નૉર્ફોક શહેરમાં રહેતાં મૅરી કોરોનીઓસે તાજેતરમાં તેમનો ૧૦૦મો જન્મદિવસ મનાવ્યો ત્યારે તેઓ જિમમાં હતાં
મૅરી કોરોનીઓ
શતાયુ થવાનું સૌભાગ્ય બધાને નથી મળતું. જોકે જે વ્યક્તિ જીવનની સદી મારી શકે છે તે કંઈક નોખી જરૂર હોય છે. અમેરિકાના નૉર્ફોક શહેરમાં રહેતાં મૅરી કોરોનીઓસે તાજેતરમાં તેમનો ૧૦૦મો જન્મદિવસ મનાવ્યો ત્યારે તેઓ જિમમાં હતાં. આ દાદી પહેલેથી ફિટનેસપ્રેમી રહ્યાં છે. તેઓ જિમમાં વર્કઆઉટ જાતે કરે છે એ તો ઠીક, પણ અનેક લોકો માટે જિમ-ટ્રેઇનરનું કામ પણ કરે છે. શરીરના મધ્ય ભાગની ક્ષમતાને વધારવા માટે તેઓ કોર-સ્ટ્રેન્ગ્થ કઈ રીતે વધારાય એનું ગાઇડન્સ પણ આપે છે. જિમમાં ડમ્બેલ્સ, મશીન્સ, ક્રૉસ-ટ્રેઇનર્સ અને ફિટનેસફ્રીક લોકોને તે પોતાનો બીજો પરિવાર માને છે. મૅરીદાદી માટે જિમ માત્ર એક્સરસાઇઝ કરવાની જગ્યા નથી, એ તેમનું બીજું ઘર છે. જિમમાં આવીને મૅરીના શરીરમાં અજીબ સ્ફૂર્તિનો સંચાર થઈ જાય છે.
તે જે જિમમાં જાય છે ત્યાંના લોકો તેમને જિમની મેયરના હુલામણા નામે બોલાવે છે. ઉંમરની સાથે લોકોની વર્કઆઉટ કરવાની ક્ષમતા અને ધગશ ઘટી જાય, પણ મૅરીદાદીના કેસમાં ઊલટું છે. તે પોતાના શરીરને અવ્વલ કન્ડિશનમાં રાખવા માટે બે કોચ પાસેથી સેશન્સ લે છે. રેઝિસ્ટન્સ બૅન્ડ, જિમ મશીન અને હળવા વેઇટ્સનું રિપીટેટિવ વર્કઆઉટ તેઓ કરે છે.


