બિલ ગેટ્સે તાજેતરમાં સમર સીઝનમાં વાંચવા જેવાં ચાર પુસ્તકોનાં નામ જણાવ્યાં હતાં. સાથે જ એક ટીવી-સિરીઝ જોવાની પણ ભલામણ કરી હતી.
બિલ ગેટ્સે આપી સમર સીઝનમાં ૪ પુસ્તકો વાંચવાની સલાહ
માઇક્રોસૉફ્ટના કો-ફાઉન્ડર અને ફિલાન્થ્રોપિસ્ટ બિલ ગેટ્સને પુસ્તકો વાંચવાનો બહુ શોખ છે. તેઓ સોશ્યલ મીડિયા પર તેમના ફૉલોઅર્સ સાથે ગમતાં પુસ્તકોના ફોટોઝ પણ શૅર કરતા રહે છે. બિલ ગેટ્સે તાજેતરમાં સમર સીઝનમાં વાંચવા જેવાં ચાર પુસ્તકોનાં નામ જણાવ્યાં હતાં. સાથે જ એક ટીવી-સિરીઝ જોવાની પણ ભલામણ કરી હતી. ઇન્સ્ટાગ્રામ પર તેમણે લખ્યું હતું કે આ પુસ્તકો અને ટીવી-સિરીઝ બીજા લોકોની સેવા કરવાના વિચાર પર આધારિત છે. બિલ ગેટ્સ પહેલા ફોટોમાં ક્રિસ્ટિન હેનાનું પુસ્તક ‘ધ વિમેન’ વાંચતા જોવા મળે છે. આ ઐતિહાસિક નૉન-ફિક્શન બુકમાં વિયેટનામ યુદ્ધમાં સેવા આપનારી US આર્મીની નર્સની વાર્તા છે. બીજું પુસ્તક ડેવિડ બ્રુક્સ લિખિત ‘હાઉ ટુ નો અ પર્સન’ છે જેમાં એક સારા શ્રોતા બનીને લોકો સાથે કનેક્શન કેવી રીતે બનાવવું એ જણાવવામાં આવ્યું છે.
બિલ ગેટ્સે ખાન ઍકૅડેમીના CEO સાલ ખાનનું પુસ્તક ‘બ્રેવ ન્યુ વર્ડ્સ’ વાંચવાની પણ ભલામણ કરી છે જેમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ શિક્ષણ-જગતમાં કેવું પરિવર્તન લાવી રહ્યું છે એની વાત કરવામાં આવી છે. ચોથું પુસ્તક ક્રિસ ઍન્ડરસનનું ‘ઇન્ફેક્શસ જનરોસિટી’ છે જે દરેક માટે સોનેરી સૂચનો જેવી છે. બિલ ગેટ્સે જે ટીવી-સિરીઝ જોવાનું કહ્યું છે એનું નામ ‘સ્લો હૉર્સિસ’ છે જે ઍપલ ટીવી+ પર અવેલેબલ છે. આ સ્પાય-થ્રિલર સિરીઝમાં MI5 સીક્રેટ સર્વિસ એજન્ટ્સની વાત છે જેઓ કોઈ પણ ભોગે દેશની સેવા કરવામાં માને છે.

