અયોધ્યામાં ૧૧૦૦ કરોડના ખર્ચે રામમંદિર બનશે: ટ્રસ્ટ
પ્રતીકાત્મક તસવીર
અયોધ્યામાં મુખ્ય બાંધકામ સહિત રામ મંદિર સંકુલના નિર્માણકાર્ય પાછળ આશરે ૧૧૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થશે તથા આ બાંધકામ સાડાત્રણ વર્ષની અંદર સંપન્ન થશે, એમ આ પ્રોજેક્ટની દેખરેખ રાખી રહેલા ટ્રસ્ટના ટ્રેઝરરે સોમવારે જણાવ્યું હતું.
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના ટ્રેઝરર સ્વામી ગોવિંદ દેવ ગિરિજીએ જણાવ્યું હતું કે બાંધકામના નિષ્ણાતો અને એન્જિનિયરો મંદિરની સ્થાપનાનો પ્લાન તૈયાર કરી રહ્યા છે.
ADVERTISEMENT
પત્રકાર-પરિષદને સંબોધતાં તેમણે જણાવ્યું હતું કે મુખ્ય મંદિરનું નિર્માણ અંદાજે ૩૦૦ કરોડથી ૪૦૦ કરોડ રૂપિયા, જ્યારે સમગ્ર પરિસરનું નિર્માણ લગભગ ૧૧૦૦ કરોડ રૂપિયાના ખર્ચે થશે.
મંદિરનું નિર્માણ શરૂ થઈ ગયું છે અને દિલ્હી, મદ્રાસ, ગૌહાટી, બૉમ્બે સ્થિત આઇઆઇટી ગૌહાટી, સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, રૂરકી અને એલઍન્ડટી અને તાતા ગ્રુપના સ્પેશ્યલ એન્જિનિયરો સંકુલની મજબૂત સ્થાપના માટેનો પ્લાન તૈયાર કરી રહ્યા છે, એમ ગિરિ મહારાજે જણાવ્યું હતું.
મહારાજના જણાવ્યા અનુસાર કેન્દ્ર દ્વારા રચાયેલા ટ્રસ્ટને અત્યાર સુધીમાં ૧૦૦ કરોડ રૂપિયાથી વધુનું ઑનલાઇન દાન મળ્યું છે.
આ ઉપરાંત અમે ચાર લાખ ગામ અને ૧૧ કરોડ પરિવારો સુધી પહોંચીશું, જેથી સમાજના તમામ વર્ગો આ પહેલમાં ભાગ લઈ શકે, એમ તેમણે જણાવ્યું હતું.
ટ્રસ્ટે મંદિરના નિર્માણ માટે વ્યાપક સંપર્ક અને ભંડોળ એકત્રીકરણ અભિયાનની જાહેરાત કરી છે.
દાન એકત્રીકરણ માટેની વિદર્ભ પ્રાદેશિક ઑફિસ થોડા દિવસો અગાઉ શહેરમાં શરૂ કરાઈ હતી.

