કોરોના વાઇરસની ખોટી માહિતીના કારણે નોર્થ-ઈસ્ટના સ્ટુડન્ટ્સ પરેશાન
તાતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશ્યલ સાયન્સિસ (ટીઆઇએસએસ)ના વિદ્યાર્થીઓ
વિશ્વ આખું કોરોના વાઇરસને લઈને ચિંતાતુર છે, ત્યારે મુંબઈમાં અભ્યાસ કરી રહેલા ઉત્તર-પૂર્વીય રાજ્યોના વિદ્યાર્થીઓ સામે નવી જ સમસ્યા ઉદ્ભવી છે. તાતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશ્યલ સાયન્સિસ (ટીઆઇએસએસ)ના વિદ્યાર્થીઓ શહેરમાં વંશીય ભેદભાવનો ભોગ બન્યા છે.
તાજેતરમાં કૅમ્પસની અંદર તથા બહાર સાથી વિદ્યાર્થીઓ સાથે આવા બનાવ બનતાં ટીઆઇએસએસ ખાતે નોર્થ ઈસ્ટ સ્ટુડન્ટ્સ ફોરમ (એનઇએસએફ)એ વંશીય ભેદભાવને વખોડતું નિવેદન જારી કર્યું હતું.
ADVERTISEMENT
નાગાલૅન્ડના વતની તથા ચેમ્બુર ઇન્સ્ટિટ્યૂટમાં માસ્ટરનો અભ્યાસ કરી રહેલા એક વિદ્યાર્થીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘હું મારા મિત્ર સાથે રવિવારે રાત્રે કૅમ્પસની બહાર ડિનર લઈ રહ્યો હતો. હું પરત ફરી રહ્યો હતો ત્યારે થોડા લોકોએ અમારી સામે જોઈને બૂમ પાડી – કોરોના વાઇરસ, અને પછી ભાગી ગયા. આવા હુમલા સામે શું જવાબ આપવો?’
તેણે વધુમાં જણાવ્યા પ્રમાણે ‘આવો જ એક બનાવ સંસ્થાની અંદર પણ બન્યો હતો. મારી એક મિત્ર બીમાર હતી અને જ્યારે તેને ઉધરસ આવી ત્યારે કેટલાક વિદ્યાર્થીઓએ વાઇરસ અંગે મજાક શરૂ કરી દીધી.’
નાગાલૅન્ડના અન્ય એક વિદ્યાર્થીએ તેનો અનુભવ જણાવ્યો હતો ‘હું શૅર-કૅબમાં પ્રવાસ કરી રહ્યો હતો. થોડી વાર પછી મને ખાંસી આવી, ત્યાં અચાનક જ સાથી પ્રવાસીઓ વાઇરસ વિશે વાત કરવા લાગ્યા. પ્રત્યક્ષપણે મને કશું જ કહેવામાં નહોતું આવ્યું, પરંતુ આ અસંવેદનશીલતા દર્શાવે છે.’
ગ્રુપે તાજેતરમાં તેમના થયેલા અસંવેદનશીલ અનુભવો અંગે ઇન્સ્ટિટ્યૂટના સત્તાધીશો સાથે બેઠક પણ યોજી હતી. સંસ્થાના એક વિદ્યાર્થીના જણાવ્યા મુજબ ‘ઇન્સ્ટિટ્યૂટના સ્ટુડન્ટ્સ અફેર્સના ડીને અમારી વાત ધ્યાનપૂર્વક સાંભળીને ખાતરી આપી છે કે કૅમ્પસની અંદર તથા બહાર ઉત્તર પૂર્વના વિદ્યાર્થીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે તથા જાગૃતિ ફેલાવવા માટે ચોક્કસ પગલાં ભરવામાં આવશે.’

