ભીંડીબજારમાં સીઆઇએસએફની ફ્લૅગમાર્ચ
ભીંડી બજારમાં ગઈ કાલે સીઆઇએસએફના જવાનોએ લૉકડાઉનના નિયમનો ભંગ કરનારને સજા ફટકારી હતી (તસવીર: પી.ટી.આઈ)
સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યૉરિટી ફોર્સ દ્વારા મુંબઈમાં લૉકડાઉનનું કડકપણે પાલન થાય એ માટે ફ્લૅગમાર્ચ કાઢવામાં આવી હતી. બુધવારે રાત્રે સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સમાંથી અને અમુક સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યૉરિટી ફોર્સના લોકો પણ આ ફ્લૅગમાર્ચમાં જોડાયા હતા. આ ફ્લૅગમાર્ચ મુંબઈ ખાતે સોમવારે આવી પહોંચી હતી. ફ્લૅગમાર્ચનો મુખ્ય ઉદ્દેશ મુંબઈના કોવિડ-૧૯થી અસરગ્રસ્ત વિસ્તારો અને એમાં પણ ખાસ કરીને ધારાવી જેવા સ્લમ વિસ્તારોમાં લૉકડાઉનનું કડક પાલન કરાવવાનો હતો.
બુધવારે રાત્રે મુંબઈના ભીંડીબજારમાં યોજાયેલી ફ્લૅગમાર્ચ નીકળી હતી. અત્યાર સુધી મુંબઈ પોલીસના ૭૦૦થી વધુ જવાનો કોરોના વાઇરસની ચપેટમાં આવી ગયા છે. એમાંથી દસેક કર્મચારીઓનાં મૃત્યુ પણ થયાં હતાં. સેન્ટ્રલ ફોર્સને કારણે મુંબઈ પોલીસને લૉકડાઉન દરમિયાન પૅટ્રોલિંગ ડ્યુટીમાંથી હવે થોડી રાહત મળશે. આ સાથે સેન્ટ્રલ ફોર્સ મુંબઈમાં લૉકડાઉન દરમિયાનના તમામ લૉ ઍન્ડ ઑર્ડરનું પાલન કરવામાં મુંબઈ પોલીસને મદદરૂપ થશે. ઝોન ૧, ૩, ૫, ૬ અને ૯ વગેરે સાઉથ અને સેન્ટ્રલ મુંબઈના વિસ્તારો કવર કરવામાં આવશે.
ADVERTISEMENT
ધારાવીમાં નવા ૪૭ કેસ
ગઈ કાલે 24 કલાકમાં ધારાવીમાં કોરોના ઇન્ફેક્શનના વધુ ૪૭ કેસ નોંધાતાં એ વિસ્તારનો કુલ આંકડો 1,૪૨૫ પહોંચ્યો હતો. જોકે એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટીમાં ગઈ કાલના દિવસમાં એક પણ મૃત્યુ નોંધાયું નહોતું. ધારાવીમાં અત્યાર સુધીનો કોરોના ઇન્ફેક્શનનો મરણાંક 56 પર પહોંચ્યો છે. ગઈ કાલે દિવસ દરમ્યાન નોંધાયેલા ૪૭ કેસમાં મહત્તમ 6 કેસ માટુંગા લેબર કૅમ્પ વિસ્તારમાં અને પાંચ કેસ મુકુંદનગર વિસ્તારમાં નોંધાયા હતા.