આંદામાનની હોટેલનું બુકિંગ કરતી વખતે ઑનલાઇન ભટકાઈ ગયેલા ગઠિયાને મિત્રના ક્રેડિટ કાર્ડની વિગતો આપીને ફસાયા
પ્રતીકાત્મક તસવીર
ગોવંડીમાં રહેતા અને ચેમ્બુરમાં નટરાજ એમ્પોરિયમ નામની દુકાન ધરાવતા ૪૬ વર્ષના કચ્છી વેપારી સમીર ગાલાએ તેમણે ફેબ્રુઆરીના અંતમાં પરિવાર સાથે આંદામાન ફરવા જવાનું નક્કી કર્યું હતું. એ માટે ગૂગલ પર આંદામાનની હોટેલો સર્ચ કરીને વધુ માહિતી મેળવવા જતાં લેમન ટ્રી નામની હોટેલનો નંબર તેમને મળ્યો હતો. એના પર હોટેલ બુક કરાવવા ફોન કરતાં સામેની વ્યક્તિએ પોતાનું નામ પ્રવીણ જણાવીને તે લેમન ટ્રી હોટેલમાંથી વાત કરતો હોવાનું કહ્યું હતું. તેણે બે દિવસ માટે ૧૭,૩૬૦ રૂપિયા ચાર્જ કહ્યો હતો. સમીરે ડિસ્કાઉન્ટ માટે પૂછ્યું ત્યારે તેણે ૨૦ ટકા ડિસ્કાઉન્ટ આપવા સાથે કહ્યું હતું કે જો તેઓ આરબીએલ બૅન્ક, ફેડરલ બૅન્ક, એયુ સ્મૉલ ફાઇનૅન્સ બૅન્કના ક્રેડિટ કાર્ડ દ્વારા ચુકવણી કરશે તો વધુ ૧૦ ટકા ડિસ્કાઉન્ટ મળશે. એ સમયે સમીરે પોતાના મિત્ર હર્ષદ મહેતાનું ક્રેડિટ કાર્ડ ઉપયોગમાં લેવાનું નક્કી કરીને પ્રવીણને ક્રેડિટ કાર્ડનો નંબર અને સીવીવી નંબર આપ્યા હતા. ગઠિયાએ તેમને વાતોમાં રાખતાં થોડી જ વારમાં હર્ષદના ક્રેડિટ કાર્ડમાંથી બે ટ્રાન્ઝૅક્શનમાં આશરે ૬.૧૦ લાખ રૂપિયા ઊપડી ગયા હોવાનો મેસેજ પ્રાપ્ત થયો હતો. અંતે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું સમજાતાં આ ઘટનાની ફરિયાદ સમીર ગાલાએ ગોવંડી પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.
ગોવંડી પોલીસ સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પ્રાથમિક માહિતી અનુસાર અમે સાઇબર છેતરપિંડીની ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. આ કેસમાં જે અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે એની વિગતવાર માહિતી કાઢવામાં આવી રહી છે.’

