આ ઘટનામાં ચેઇન-સ્નૅચરોએ દોઢ લાખ રૂપિયાની માલમતાની ચોરી કરી હોવાની ફરિયાદ ગોવંડી પોલીસ-સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે.
પ્રતીકાત્મક તસવીર
કુર્લાની બુદ્ધ કૉલોનીમાં રહેતાં ૪૨ વર્ષનાં છાયા સેજપાલ મંગળવારે રાતે ગોવંડીમાં સંબંધીનાં લગ્ન પૂરાં થયા બાદ ઘરે જવા નીકળ્યાં ત્યારે રસ્તામાં બે ચેઇન-સ્નૅચરો પાછળથી આવી છાયાબહેને પહેરેલું મંગળસૂત્ર અને ચેઇન તડફાવીને પલાયન થઈ ગયા હતા. આ ઘટનામાં ચેઇન-સ્નૅચરોએ દોઢ લાખ રૂપિયાની માલમતાની ચોરી કરી હોવાની ફરિયાદ ગોવંડી પોલીસ-સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે.
કુર્લાની સ્ટેટ બૅન્કમાં નોકરી કરતાં છાયાબહેન મંગળવારે સાંજે સાડાસાત વાગ્યે સંબંધીનાં લગ્નમાં હાજરી આપવા ગયાં હતાં એમ જણાવીને ગોવંડી પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘લગ્ન પૂરાં થયા બાદ રાત્રે ૧૦ વાગ્યાની આસપાસ ઘરે જવા માટે નીકળીને તેઓ મહારાષ્ટ્ર બૅન્ક નજીક પહોંચ્યાં ત્યારે પાછળથી મોટરસાઇકલ પર આવેલા બે જણ છાયાબહેને ગળામાં પહેરેલું મંગળસૂત્ર અને ચેઇન ઝૂંટવીને ગોવંડીના પાંજરાપોળ તરફ જતા રોડ પરથી ભાગી ગયા હતા. લગ્નમાં જવું હોવાથી તેમણે એ જ દિવસે દાગીના લૉકરમાંથી કાઢીને પહેર્યા હતા. આ કેસમાં ચોરી કરી ગયેલા આરોપીઓની ઓળખ કરવાની અમે કોશિશ કરી રહ્યા છીએ.’

