તો સાવચેત થઈ જજો : બોરીવલી રેલવે સ્ટેશન પર ચોરે આવી ભૂલ કરનાર મહિલાની હૅન્ડબૅગ ચોરીને એમાં રાખેલા ડેબિટ કાર્ડથી પાંચ ટ્રાન્ઝૅક્શનમાં એક લાખ રૂપિયા ઉપાડી લીધા
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ : કાંદિવલીમાં રહેતી એક મહિલા પરિવાર સાથે અમદાવાદથી મુંબઈ પાછી આવી રહી હતી ત્યારે બોરીવલી રેલવે સ્ટેશન પર ઊતરતાંની સાથે તેની હૅન્ડબૅગ ચોરાઈ ગઈ હતી. એમાં તેણે એટીએમ કાર્ડ સાથે એનો પિન પણ લખી રાખ્યો હતો. એનો ફાયદો ઉઠાવીને ચોરે મહિલાના બૅન્ક-ખાતામાંથી આશરે પાંચ ટ્રાન્ઝૅક્શનમાં એક લાખ રૂપિયા એટીએમમાંથી ઉપાડી લીધા હતા. અંતે આ ઘટનાની ફરિયાદ બોરીવલી રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી.
કાંદિવલી-ઈસ્ટમાં આકુર્લી રોડ પરની એક સોસાયટીમાં રહેતા અને પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા પ્રવીણ સોનીએ કરેલી ફરિયાદ અનુસાર ૧૧ જુલાઈએ અમદાવાદથી હમસફર એક્સપ્રેસ ટ્રેનમાં તેઓ પત્ની પ્રિયાંશી સાથે મુંબઈ આવ્યા હતા. સવારે નવ વાગ્યે બોરીવલી રેલવે સ્ટેશન પર ટ્રેન આવતાં પ્લૅટફૉર્મ-નંબર ૧૦ પરથી બહાર નીકળતી વખતે ચોરે તેમની પત્ની પ્રિયાંશીની હૅન્ડબૅગ ચોરી લીધી હતી. એમાં આશરે સાડાત્રણ હજાર રૂપિયાની રોકડ સાથે બૅન્કનું ડેબિટ કાર્ડ હતું. તેઓ ઘરે આવ્યા ત્યારે પત્નીના મોબાઇલમાં બૅન્ક-અકાઉન્ટમાંથી પાંચ ટ્રાન્ઝૅક્શનમાં એક લાખ રૂપિયા કપાયા હોવાની માહિતી મળતાં તેમણે તરત પાછા બોરીવલી રેલવે સ્ટેશન પર આવીને ચોરીની ફરિયાદ નોંધાવી હતી.
બોરીવલી રેલવે પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર અનિલ કદમે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પ્રાથમિક માહિતી પ્રમાણે મહિલાએ પોતાના એટીએમ કાર્ડનો પાસવર્ડ પેપર પર લખીને બૅગમાં રાખ્યો હશે, જેનો ફાયદો ચોરે ઉઠાવીને ગણતરીની મિનિટોમાં એટીએમમાંથી પૈસા ઉપાડી લીધા હતા. આ કેસની તપાસ માટે અમે જે એટીએમમાંથી પૈસા કાઢવામાં આવ્યા છે એની માહિતી કાઢી રહ્યા છે.’

