સત્તાધારી મહાયુતિએ રૅપ સૉન્ગ દ્વારા વિરોધીઓના ફેક નૅરેટિવને જવાબ આપ્યો
વિરોધીઓને જવાબ આપવા માટેનું મહાયુતિનું રૅપ સૉન્ગ.
લોકસભાની ચૂંટણીમાં વિરોધ પક્ષોએ બંધારણ બદલવાની અફવાની સાથે ફેક નૅરેટિવ દ્વારા મહારાષ્ટ્રમાં ૪૮માંથી ૩૧ બેઠક પર વિજય મેળવ્યો હતો. વિધાનસભાની ચૂંટણીને ત્રણેક મહિના જ બાકી રહ્યા છે ત્યારે સત્તાધારી મહાયુતિએ વિરોધ પક્ષોની મહા વિકાસ આઘાડી પર નિશાન તાકવાની શરૂઆત કરી છે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના વિધાનસભ્ય નીતેશ રાણેએ એક રૅપ સૉન્ગ સોશ્યલ મીડિયા એક્સ પર પોસ્ટ કર્યું છે જે ખૂબ જ વાઇરલ થઈ રહ્યું છે. આ રૅપ સૉન્ગના વિડિયોમાં વિરોધ પક્ષોની ટીકા કરવામાં આવી છે. ૧.૫૪ મિનિટના આ રૅપ સૉન્ગના વિડિયોમાં ‘ખોટં બોલૂન મતં મિળાલી, મસ્તી આલી કાય?’ જેવા શબ્દો છે. મહારાષ્ટ્રની જનતા હવે જાગૃત બની છે, ૫૦૦માંથી ૧૦૦ બેઠક મળવાથી પાસ નથી થવાતું, ૧૦-૨૦ બેઠક વધવાથી સરકાર નથી બનતી... આવા શબ્દોમાં મહા વિકાસ આઘાડીની ટીકા કરવામાં આવી છે. આ વિડિયોમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, શરદ પવાર, સુપ્રિયા સુળે, ઉદ્ધવ ઠાકરે, સંજય રાઉત, નાના પટોલે, વિજય વડેટ્ટીવાર અને રોહિત પવાર સહિતના વિરોધ પક્ષોના નેતાઓના ફોટોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અબ કી બાર, ૪૦૦ પારનો નારો આપ્યો હતો. ૪૦૦ બેઠક મેળવીને મોદી બંધારણ બદલવા માગે છે, આરક્ષણ કાઢી નાખશે એવી અફવા વિરોધ પક્ષોએ ફેલાવી હતી. આ ફેક નૅરેટિવને લીધે મહારાષ્ટ્રમાં કૉન્ગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર જૂથને ૩૧ તથા સત્તાધારી BJP, શિવસેના અને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીને ૪૮માંથી માત્ર ૧૭ બેઠક મળી હતી.