મા આશાપુરાનું પ્રાગટ્ય અને કચ્છનાં શક્તિ મંદિરો
મા આશાપુરા
મા આશાપુરાના પ્રાગટ્ય વિશે એવી પ્રચલિત કથા છે કે અંદાજે દોઢ હજારથી પણ વધારે વર્ષો પહેલાં દેવચંદ નામનો વણિક અને મારવાડનો રહીશ તેની પોઠ સાથે કચ્છની ધરતી પર ઊતરી આવ્યો હતો. આસો મહિનાની નવરાત્રિનો સમય હતો અને એ વણિક ફરતો-ફરતો હાલમાં જ્યાં સ્થાનક છે ત્યાં (એ વખતે નહોતું) પહોંચ્યો. દેવચંદને એ સ્થળ અમસ્તું પણ શાંતિદાયક લાગ્યું. તે ત્યાં રોકાઈ ગયો અને માતાજીનું નિયમિત ધ્યાન ધરવા લાગ્યો. એ પૂજા-આરતી પણ નિયમિત કરતો હતો. તેને ત્યાં શેર માટીની ખોટ હતી એથી મા જગદંબાને એ માટે હંમેશાં પ્રાર્થના કરતો રહેતો.
‘ભીડ ભાંગી ભક્તો કેરી, મા આશિષ દેવા આવી...’ ભાંગતી રાતે એક બનાવ બન્યો. માતાજીએ દેવચંદને સપનામાં આવીને દર્શન આપ્યાં અને કહ્યું કે ‘જે સ્થળે તેં નવરાત્રિ-પૂજન માટે મારું આસન સ્થાપ્યું છે એ સ્થળે તું મારું મંદિર બંધાવ અને મંદિર બંધાઈ ગયા પછી ૬ મહિના સુધી એના દરવાજા બંધ રાખજે. બરાબર ૬ મહિને હું એ મંદિરમાં પ્રગટ થઈશ, તારી મનોકામના પૂર્ણ કરીશ.’
ADVERTISEMENT
દેવચંદ સફાળો જાગી ગયો અને જોયું તો પોતાના માથા પાસે એક ચૂંદડી અને નાળિયેર પડ્યાં હતાં. સપનામાં મળેલા દેવીના આદેશનું એ પ્રત્યક્ષ પ્રમાણ મળ્યું! તે એકદમ ગદ્ગદિત થઈ ગયો. તેણે તએ સ્થળે જ માતાજીનું મંદિર બંધાવ્યું અને માતાજીના પ્રાગટ્યનાં દર્શન કરવા ઉત્સુક બની ગયો.
માતાજીની આણ હોવા છતાં દેવચંદનું અસંયમિત બનેલું હૈયું ધીરજ ન રાખી શક્યું. મંદિર બંધાવ્યાને હજી પાંચ મહિના જ થયા હતા ત્યારે એક સાંજે આરતી ટાણે બંધ દરવાજા પાછળથી નૂપુરના ઝંકાર દેવચંદને સંભળાયા. કેટલાય તર્ક-વિતર્ક કર્યા, મનને સમજાવવાના પ્રયાસ કર્યા, પણ જગદંબાના પ્રાગટ્યને નીરખવા ઘેલા બનેલા તેના હૃદયે તેને સાથ ન આપ્યો. દેવચંદે દરવાજા ખોલી નાખ્યા! દૈવી ગાન અને નુપુરના અવાજો બધું જ અલોપ થઈ ગયું. ડરનો માર્યો દેવચંદ નમેલી પાંપણ પણ ઊંચી નહોતો કરી શકતો. હવે તેને દેવીના કોપનો ભય લાગવા માંડ્યો હતો. તેણે ગદ્ગદ કંઠે જગદંબાની સ્તુતિ શરૂ કરી....
‘મત્સમા પાતકી નાસ્તિ, પાપઘ્ની ત્વત્સમાં નહીં,
એવમ જ્ઞાત્વા મહાદેવી, યથા યોગ્યમ તથા કુરુ.’
દેવીની ક્ષમાપના કરીને દેવચંદ ભારે હૈયે કંઈક હળવી થયેલી પાંપણો ઊંચકે છે ત્યાં તો, દેવીની પ્રચંડ અને ભવ્ય પ્રતિમાનાં દર્શન થયાં! તે જોગમાયાનાં ચરણોમાં ઢળી પડ્યો! પણ માનાં ચરણ ક્યાં? આપેલી અવધિ પહેલાં દેવળનાં ભૂંગળ ખોલી નાખવા બદલ માતાજીની ક્ષમા માગતાં તેની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી હતી.
‘તારી અધીરાઈને કારણે મારા પ્રગટેલા સ્વરૂપમાં ચરણોનું પ્રાગટ્ય અધૂરું રહી ગયું, પણ હું તારી ભક્તિભાવનાથી પ્રસન્ન છું! વરમ બ્રુહિ!’ જગદંબા આશાપુરાએ દેવચંદ પર પ્રસન્ન થઈ વરદાન માગવાનું કહ્યું. દેવચંદે માગેલા વરદાન પછી તેને ત્યાં પુત્રનો જન્મ થયો! ત્યાર પછી દેવચંદ માતાજીના સાંનનિધ્યમાં જ વસી ગયો.
કચ્છનાં કુળદેવી કરુણામયી મા જગદંબા આશાપુરાના પ્રાગટ્ય વિશે ગવાતી, લખાયેલી અને લોકસ્વીકૃત માન્યતા આ જ પ્રવર્તે છે. ક્યાંક એવો પણ ઉલ્લેખ જોવા મળે છે કે ૧૦૦૦થી વધારે વર્ષો પહેલાં જામ ફુલેએ એ મંદિર બંધાવ્યું છે. વળી એક એવી પણ માન્યતા પ્રચલિત છે કે કાપડિયાઓના મૂળ પુરુષ વિ. સં. ૬૧૧માં મઢ આવ્યા હતા ત્યારે દેવી આશાપુરાને તેમની સાથે લાવ્યા હતા! આજે પણ માતાજીની પૂજા કરનારા કાપડી જ છે, પરંતુ લોકોને તો દેવચંદવાળી શ્રદ્ધાથી છલકતી માન્યતા જ મંજૂર છે અને એનાં પ્રમાણ પણ ઘણાં મળી રહે છે.
કચ્છના કવિ અને માતાજીના ભક્ત માધવ જોષીએ તેમના ‘જય મા આશાપુરા’ પુસ્તકમાં સ્કંદપુરાણના તૃતીય બ્રહ્મખંડના ધર્મારણ્ય ખંડના નવમા અધ્યાયના આઠમા શ્લોકનો હવાલો આપ્યો છે એ દેવીના સ્વરૂપને સમર્થન આપે છે.
શ્રી માતા તારણી દેવી, આશાપુરી અગૌત્રપા,
ઇચ્છાર્તે નાશિની ચૈવ, પિપ્પલી વિકાક્ષા.
ધર્મારણ્ય ક્ષેત્રનાં અધિષ્ઠાત્રી દેવી તરીકે બ્રાહ્મણોએ આશાપુરાની સ્થાપના કરી હોવાનું એમાં વર્ણન છે. કહેવાય છે કે ગુપ્તવાસ દરમ્યાન સુખરૂપ રહેવા માટે પાંડવપત્ની સતી દ્રૌપદીએ પણ મા આશાપુરાની માનતા માની હતી. એક ઐતિહાસિક કથા પ્રમાણે જ્યારે જામ હમીરજીને જામ રાવળે કપટપૂર્વક મારી નાખ્યા ત્યારે હમીરજીના બન્ને પુત્રો ખેંગારજી અને સાહેબજીની રક્ષા મા આશાપુરાએ કરી હતી અને એ ખેંગારજી એટલે જાડેજા વંશના પહેલા રાજા ખેંગારજી! મા આશાપુરાના પરચા તો ઘેર-ઘેર સાંભળવા મળશે. કચ્છ પ્રદેશ તો આઇ આશાપુરાનો ઋણી જ રહેશે.
ભુજ શહેરથી ૧૦૦ કિલોમીટરના અંતરે આવેલું કચ્છ દેશની કુળદેવી મા આશાપુરાનું શક્તિધામ માઈભક્તો માટે અતિપાવન છે. પશ્ચિમ કચ્છમાં લખપત, અબડાસા અને નખત્રાણા તાલુકાઓના ત્રિભેટે નાના-નાના પર્વતો અને મનોહર વૃક્ષોવાળી ખીણમાં, રમ્ય પ્રાકૃતિક સ્થળે મા આશાપુરા પૂર્વાભિમુખે બિરાજે છે. આદમકદથી ઊંચી, એટલી જ પહોળી, ચરણોના પ્રાગટ્ય વિનાની શિલામાં આશાપુરાનું સ્વરૂપ અદ્ભુત છે. માતાના મઢમાં અન્ય મંદિરોમાં હિંગલાજ માનું મંદિર, ખટલા ભવાનીનું મંદિર, જાગોરાનું મંદિર પણ દર્શનીય છે. અહીં આવનાર ભક્તને માતાના ખોળા સમાન શાંતિ મળે છે. આ શક્તિપીઠ કચ્છનું સૌથી મોટું ગણાય છે.
ભુજથી ૬૬ કિલોમીટર દૂર અંજાર તાલુકાના સંઘડ ગામ નજીક જોગણી નારનું પ્રાચીન અને પવિત્ર સ્થળ આવેલું છે. દંતકથા મુજબ ચારણકુળમાં જન્મેલાં માતા વરુડીએ જૂનાગઢના રા નવઘણને સંકટ સમયે સહાય કરી હતી. રા નવઘણે પોતાની બહેન જાહલને બચાવવા સિંધના સુમરા પર ચડાઈ કરી ત્યારે તેની મદદે માતા વરુડી આવ્યાં હતાં અને જોગણી નાર પાસે વિસામો લીધો હતો. એ જગ્યાએ માતા જોગણી નારની સ્થાપના થતાં એ સ્થળ વિખ્યાત બન્યું છે. ભક્તિની શક્તિનાં અહીં દિવ્ય દર્શન કરી ભક્તો કૃતકૃત્યતા અનુભવે છે.
વાગડમાં રાપર શહેરથી ૧૫ કિલોમીટરના અંતરે અને ભુજથી ૧૭૫ કિલોમીટર દૂર માતા રવેચીનું સ્થાનક પણ અત્યંત પ્રાચીન છે. અહીં એક જ મંદિરમાં મોમાયમાતા, મા આશાપુરા, અંબાજી અને રવેચીમાતા મળી પાંચ શક્તિઓનાં દર્શનનો અનેરો લાભ મળતાં ભક્તોનાં હૃદય ઝૂમી ઊઠે છે. અહીં નકલંકી અવતારની અશ્વારોહી પ્રતિમા પણ પ્રસ્થાપિત છે. રવેચીમાતા ઘણી જ્ઞાતિઓનાં કુળદેવી તરીકે પણ પૂજાય છે.
રાપરની બાજુમાં જ મોમાયમોરા ગામ છે. મોમાય માતાજીનું મુખ્ય સ્થાનક મોમાયમોરા ગણાય છે. ‘સ્મરણ કરું મોમાય મા તમારું’ એમ સ્મરીને ભક્તો હંમેશાં તેમને યાદ કરતા રહે છે. એ એક શક્તિપીઠ છે અને કચ્છ-સૌરાષ્ટ્રના માઈભક્તો માટે એ પાવન સ્થળ છે. દંતકથા પ્રમાણે સૌરાષ્ટ્રના ચંદ્રવંશી જાડેજાનાં કેટલાંક કુટુંબો સ્થળાંતર કરીને કચ્છ તરફ આવવા નીકળ્યાં હતાં, ત્યારે નાના રણમાં પાણીના અભાવે તરસથી તરફડવા લાગ્યા હતા. એ વખતે સાંઢણી સવારરૂપે માતાજીએ તેમને સહાય કરી હતી અને એ પરિવારોને ઉગારી લીધા હતા. આ જાડેજા પરિવારોને માતાજીએ આપેલા સંકેત મુજબ સાંઢણીનાં પગનાં નિશાન જે દિશામાં જતાં હતાં એ માર્ગે એ વખતના મોરા ગામે એક ટીંબો આવ્યો. આ ટીંબા પર માતાજીની મૂર્તિ, ચૂંદડી, શ્રીફળ, કંકુ, ત્રિશૂળ વગેરે શક્તિનાં પ્રતીકો તેમને જોવા મળ્યાં એથી એ જાડેજા પરિવારોએ ત્યાં માતાજીનું સ્થાનક બનાવ્યું. આજે પણ કચ્છમાં મહામાયા મોમાયમા ઘણા જાડેજા પરિવારોમાં મા કુળદેવી તરીકે પૂજાય છે. માંડવી તાલુકામાં પણ મોમાયમોરા ગામ છે અને ત્યાં પણ માતાજીનું મંદિર છે. માંડવી તાલુકામાં રાજડા ટેકરી પર આશાપુરા, રવેચીમાતા અને મોમાય માતાજીનાં મંદિરો આવેલાં છે. એ શ્રદ્ધાનાં સ્થાનકો સંત શ્રી મિશ્રીનાથજીએ બંધાવ્યાં છે.
નખત્રાણા તાલુકાના નેત્રા ગામે જોગમાયાનું મંદિર છે. તાલુકા મથકથી ૨૫ અને ભુજથી ૭૫ કિલેમીટરના અંતરે નેત્રા ગામની એક ટેકરી પર એ મંદિર આવેલું છે. કચ્છમાં માતાજીનાં મંદિરોમાં આશાપુરા, રવેચીમાતા, રુદ્રમાતા, જોગણી નાર, મોમાયમાતા અને આ નેત્રા ગામે આવેલું જોગમાયાનું મંદિર ‘કચ્છની શક્તિપીઠો’ તરીકે જાણીતાં સ્થળ છે. કહેવાય છે કે માતાના મઢમાં મહિષાસુર નામના રાક્ષસનો ત્રાસ વધતાં મા આશાપુરા તેનો સંહાર કરવા તેની પાછળ પડ્યાં હતાં, પણ એ રાક્ષસ નેત્રા ગામની સીમમાં આવેલા એક તળાવમાં છુપાઈ જતાં માતાજીએ ત્યાં આવેલી ઊંચી ટેકરી પરથી ‘યોગશક્તિ’ના પ્રહારથી તેનો સંહાર કર્યો હતો. એટલે જ કહેવાય છે કે આફતમાંથી ઉગારે એ આશાપુરા, દુનિયાના ભોગવિલાસમાંથી યોગ સાધનામાં લઈ જાય એ જોગમાયા!
માંડવી તાલુકાના ગઢશીશા ગામમાં મા અંબાનાં બેસણાં છે. ધાર્મિક દૃષ્ટિએ ગામના કિલ્લાવાસની અંદર મા અંબાજીનું મંદિર અંદાજે ૫૦૦ વર્ષ જૂનું છે. એક સમયે એ વિદ્વાનોના ગામ તરીકે અને છોટા કાશી તરીકે ઓળખાતું હતું. અહીં રાજ-રાજેશ્વરી રાજબાઈ માતાજીનું પણ સ્થાનક છે. ગઢશીશાથી થોડે દૂર ગોધરા ગામમાં પણ એક ભવ્ય અને દર્શનીય અંબાજી ધામનું નિર્માણ થયું છે. એ જ રીતે લુડવા ગામમાં પણ અંબાજીનું મંદિર છે.
આ પણ વાંચો : પ્રીતમ પરણી ગયો બની ગયું પ્રીત, પિયુ ને પાનેતર
વાંઢાયમાં અડધી સદી પહેલાં સંત શ્રી ઓધવરામજીની પ્રેરણાથી જગદંબા ઉમિયાનું અદ્ભુત મંદિર બાંધવામાં આવ્યું છે. માતાજીના મંદિરના પ્રાંગણમાં એ પવિત્ર સ્થાન પર સાધના કરનાર ભ્રહ્મનિષ્ઠ સંત શ્રી ઈશ્વરરામજી મહારાજનો ખંડ અને એમાં તેમનો ઢોલિયો દર્શનાર્થે મૂકવામાં આવ્યો છે. ત્યાં જ મંદિરના પ્રેરણાદાતા પ.પૂ. સંત શ્રી ઓધવરામજી મહારાજ અને તેમના ગુરુ લાલરામજી મહારાજનું દર્શન-મંદિર બનાવીને પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. મા ઉમિયા કચ્છના કડવા પાટીદાર અને સુમરી રોહા તેમ જ વાડાપધરના વ્યાસ અટક ધરાવતા ઔદીચ્ય બ્રાહ્મણોનાં કુળદેવી છે. રોહામાં વ્યાસ પરિવારોએ ઉમિયા માતાજીનું સુંદર સ્થાનક પણ બંધાવ્યું છે.


