બીચ પર ટાયરફ્લિપ કરીને પોતાની જોરદાર ફિટનેસ ઝલક દેખાડી
ઍક્ટ્રેસ શર્વરી વાઘ
બૉલીવુડમાં ઝપાટાભેર સફળતાની સીડી ચડી રહેલી ઍક્ટ્રેસ શર્વરી વાઘની કરીઅરે ૨૦૨૪માં સફળતાનો સારો સ્વાદ ચાખ્યો છે. તેની ‘મુંજ્યા’નો સમાવેશ ૧૦૦ કરોડની કમાણી કરનાર બ્લૉકબસ્ટર ફિલ્મોની યાદીમાં થયો છે. એ સિવાય ‘મહારાજ’ તેમજ ‘વેદા’ જેવી ફિલ્મમાં તેની ઍક્ટિંગનાં વખાણ થયાં છે. હવે શર્વરીને યશરાજ ફિલ્મ્સના સ્પાય યુનિવર્સની આગામી ફિલ્મ ‘આલ્ફા’માં કામ કરવાની તક મળી છે ત્યારે તે ફિટનેસ સાથે બિલકુલ સમાધાન કરવાના મૂડમાં નથી.
‘આલ્ફા’ના નેક્સ્ટ ઍક્શન શેડ્યુલ માટે જરૂરી ફિટ લુક માટે શર્વરી આકરી મહેનત કરી રહી છે અને એનું જબરદસ્ત ફિટનેસ-રૂટીન સોશ્યલ મીડિયામાં વાઇરલ થયું છે. હાલમાં શર્વરીએ સોશ્યલ મીડિયામાં કેટલીક તસવીરો પોસ્ટ કરી છે જેમાં તેણે બીચ પર ટાયરફ્લિપ કરીને પોતાની જોરદાર ફિટનેસ ઝલક દેખાડી છે. આ તસવીરોમાં દેખાતાં તેનાં સિક્સ-પૅક ઍબ્સ અને ટોન્ડ બૉડી તેની આકરી મહેનતના પુરાવા આપે છે.

