તેને પૂછવામાં આવ્યું હતું કે શું સ્ટાર કિડ હોવાનું તેને પ્રેશર લાગે છે?
સઈ માંજરેકર
સઈ માંજરેકરનું કહેવું છે કે તે તેના પિતા મહેશ માંજરેકરનું સન્માન વધારવા માગે છે. અદિવી સેશ સાથેની તેની ‘મેજર’ હાલમાં જ રિલીઝ થઈ છે. તેણે સલમાન ખાનની ‘દબંગ 3’ સાથે બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. તેને પૂછવામાં આવ્યું હતું કે શું સ્ટાર કિડ હોવાનું તેને પ્રેશર લાગે છે? એનો જવાબ આપતાં સઈ માંજરેકરે કહ્યું કે ‘હું એને પ્રેશર તરીકે નથી ગણતી. ખરું કહું તો એ મારા માટે પ્રેરણા સમાન છે જે મને વધુ મહેનત કરવા માટે પ્રેરિત કરે છે. મારા દિમાગમાં એક જ બાબત છે કે મારે મારા પિતાને ગર્વ થાય એવું કામ કરવું છે. તેમણે ખૂબ જ સારું કામ કર્યું છે, એથી હું તેમનું સન્માન વધારવા માગુ છું. હું ચાહુ છું કે લોકો કહે કે સઈ તેમની દીકરી છે. મારો જન્મ અને ઉછેર આ બધાને જોઈને જ થયો છે. એથી મેં કદી પણ એને પ્રેશર તરીકે નથી ગણ્યું. આ એક એવી વસ્તુ છે જેનો મારે સામનો નથી કરવાનો, પરંતુ મારે એનો સ્વીકાર કરીને મારું બેસ્ટ આપવાનું છે. એ બધું જાણતાં મારે અતિશય સખત મહેનત કરવાની છે. ઍક્ટિંગ તો હું હંમેશાંથી જ કરવા માગતી હતી. સલમાન ખાન સાથે પહેલી ફિલ્મમાં કામ કરવું એ તો સપનું પૂરું થવા સમાન છે. મારા માટે તો એ મોટી તક હતી અને એના માટે તો હું ખૂબ આભારી છું.’

