આવી દલીલ કરીને ફરહાન અખ્તર સાથેના વિવાદમાં રણવીર સિંહે લીધું સંજય લીલા ભણસાલી અને શાહરુખ ખાનનું નામ
રણવીર સિંહ
રણવીર સિંહના ‘ડૉન 3’ પ્રોજેક્ટમાંથી બહાર નીકળ્યા બાદ પ્રોડક્શન-હાઉસ એક્સેલ એન્ટરટેઇનમેન્ટ સાથે તેનો વિવાદ ચર્ચામાં છે. રિપોર્ટ્સ મુજબ નિર્માતાઓએ દાવો કર્યો છે કે ફિલ્મના પ્રી-પ્રોડક્શન પર અંદાજે ૪૦ કરોડ રૂપિયાનું રોકાણ થઈ ચૂક્યું હતું અને રણવીરે પ્રોજેક્ટ છોડતાં આ રકમના વળતરની ડિમાન્ડ કરવામાં આવી છે. આ મામલો ઉકેલવા માટે પ્રોડ્યુસર્સ ગિલ્ડ ઑફ ઇન્ડિયામાં બન્ને પક્ષો વચ્ચે બંધ દરવાજાની બેઠક યોજાઈ હોવાનું કહેવાય છે. મળતી માહિતી પ્રમાણે રણવીરે બેઠકમાં જણાવ્યું કે તેણે નિર્માતાઓ પાસેથી એક પણ રૂપિયો લીધો નથી એટલે નુકસાન માટે તેને જવાબદાર ઠેરવવાનું યોગ્ય નથી.
આ મીટિંગમાં રણવીરે સ્પષ્ટ કર્યું છે કે તે કોઈ પણ પ્રકારનું વળતર ચૂકવશે નહીં. તેણે કહ્યું કે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં લાંબા સમય સુધી તૈયારી કર્યા બાદ પણ પ્રોજેક્ટ બંધ થઈ જવો સામાન્ય બાબત છે. પોતાના પક્ષને સમર્થન આપવા તેણે સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘બૈજુ બાવરા’નું ઉદાહરણ આપ્યું. રણવીરે દલીલ કરી કે ‘મેં ‘બૈજુ બાવરા’ માટે લગભગ એક વર્ષ તૈયારી કરી હતી, પરંતુ પછી સંજય લીલા ભણસાલીએ ‘લવ ઍન્ડ વૉર’ પર કામ શરૂ કર્યું અને પ્રોજેક્ટ અટકી ગયો. એ સમયે મેં કોઈ વળતર માગ્યું નહોતું. આવી પરિસ્થિતિઓમાં કોઈ પર આર્થિક જવાબદારી લાદવામાં આવતી નથી. આ સિવાય ‘ડૉન 3’ માટે શાહરુખ ખાનનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને જો તે હા પાડત તો મને તરત જ રિપ્લેસ કરવામાં આવ્યો હોત.’


