૨૦૧૨માં આવેલી કરણ જોહરની આ ફિલ્મ દ્વારા આલિયા ભટ્ટ, વરુણ ધવન અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ બૉલીવુડમાં પ્રવેશ કર્યો હતો.
રાધિકા મદાન
રાધિકા મદને જણાવ્યું છે કે તેણે ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’ માટે ખરાબ ઑડિશન આપ્યું હતું જેને કારણે તેને ફિલ્મ નહોતી મળી. ૨૦૧૨માં આવેલી કરણ જોહરની આ ફિલ્મ દ્વારા આલિયા ભટ્ટ, વરુણ ધવન અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ બૉલીવુડમાં પ્રવેશ કર્યો હતો. ભલે આ ફિલ્મ તેને ન મળી હોય, પરંતુ રાધિકાએ ‘અંગ્રેઝી મીડિયમ’ અને ‘પટાખા’માં કામ કર્યું છે. ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’ ન મળવાનું કારણ જણાવતાં રાધિકાએ કહ્યું હતું કે ‘મને ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’ ન મળવાનું કારણ એ હતું કે મેં મારી લાઇફનું સૌથી ખરાબ ઑડિશન આપ્યું હતું. મને એ વાતની પૂરી ખાતરી છે કે મારું ઑડિશન કોઈને પસંદ નહીં આવ્યું હોય. એથી એ મારી લાઇફનું સૌથી ખરાબ ઑડિશન હતું. એ ખરાબ ઑડિશન હોવાની હું જવાબદારી લઉં છું. હું કોઈને દોષ નથી આપતી. હું જ્યારે ઑફિસની બહાર નીકળી ત્યારે મેં મારી જાતને માત્ર એક પ્રૉમિસ કરી હતી કે હું કદી પણ કોઈ પ્રોજેક્ટ વખતે ગભરાઈશ નહીં. હું માત્ર એ બે મિનિટને એન્જૉય કરવા માગું છું. જેમ બને એમ પ્રામાણિક બનો, એ વસ્તુને માણો. હું એ કૅરૅક્ટરને જીવીશ પછી ભલે એ ફિલ્મ મને ન મળે. એનાં બે અઠવાડિયાં બાદથી જ મને ‘પટાખા’ના ઑડિશનની જાણ થઈ અને વિશાલ ભારદ્વાજ સર એ ફિલ્મ બનાવી રહ્યા છે એની મને જાણ થઈ. હું સતત મારી જાતને કહેતી આવી છું કે લાઇફની એ બે મિનિટ જીવી લો. આ જ મંત્ર હું દરેક ઑડિશન માટે અપનાવું છું. આ જ બાબત ‘અંગ્રેઝી મીડિયમ’ અને ‘પટાખા’માં કામ કરી ગઈ. સાથે જ અત્યાર સુધી મેં જેટલાં પણ ઑડિશન આપ્યાં છે એમાં પણ મને મદદ મળી છે. એથી ભૂતકાળમાં થયેલો એ અનુભવ મારા માટે ખૂબ અગત્યનો રહ્યો છે.’

