આ ગીતમાં દીપિકા પાદુકોણે જે કેસરી બિકિની પહેરી છે એને લઈને દેશમાં વિવિધ હિન્દુ સંગઠનોએ વિરોધ નોંધાવ્યો છે
મધ્ય પ્રદેશના ઍસેમ્બલી સ્પીકર ગિરીશ ગૌતમ
‘પઠાન’ને લઈને વિવાદ દિવસે ને દિવસે વણસી રહ્યો છે. મધ્ય પ્રદેશના ઍસેમ્બલી સ્પીકર ગિરીશ ગૌતમે શાહરુખ ખાનને સવાલ પૂછ્યો છે કે શું તે આ ફિલ્મ તેની દીકરીની સાથે બેસીને જોઈ શકશે? ફિલ્મના ‘બેશરમ રંગ’ને કારણે વિવાદ વણસી રહ્યો છે. આ ગીતમાં દીપિકા પાદુકોણે જે કેસરી બિકિની પહેરી છે એને લઈને દેશમાં વિવિધ હિન્દુ સંગઠનોએ વિરોધ નોંધાવ્યો છે. તેઓ આ ફિલ્મની રિલીઝને અટકાવવાની માગણી કરી રહ્યા છે. તેમના મુજબ હિન્દુઓની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચી છે. મધ્ય પ્રદેશના ઍસેમ્બલી સ્પીકર ગિરીશ ગૌતમે કહ્યું કે ‘શું શાહરુખ ખાનમાં હિમ્મત છે કે તે આ ફિલ્મ તેની દીકરી સાથે બેસીને જોઈ શકે? હું શાહરુખ ખાનને કહું છું કે તારી દીકરી ૨૩-૨૪ વર્ષની છે, તેની સાથે આ ફિલ્મ જોજે.’
તો બીજી તરફ કૉન્ગ્રૅસ રાજ્યસભાના સંસદસભ્ય વિવેક તન્ખાએ ફિલ્મને સપોર્ટ કર્યો છે. તેમના મુજબ સેન્સર બોર્ડે ફિલ્મ વિશે નિર્ણય લેવો જોઈએ. એ વિશે વિવેક તન્ખાએ કહ્યું કે ‘તમને ફિલ્મ ગમે છે કે નહીં એનાથી કોઈ ફરક નથી પડતો. સેન્સર બોર્ડે નક્કી કરવું જોઈએ કે ફિલ્મ રિલીઝ કરવી કે નહીં. જો કોઈને ફિલ્મથી તકલીફ હોય તો તેમણે સેન્સર બોર્ડનું એ દિશામાં ધ્યાન દોરવું જોઈએ. સેન્સર બોર્ડને જો કોઈ વાંધાજનક સીન્સ ધ્યાનમાં આવશે તો એ એને ડિલીટ કરવાની સલાહ આપશે.’