મોહમ્મદ રફીના જીવન પરથી ફિલ્મ બનાવશે તેમના પુત્ર શાહિદ રફી, ડિરેક્ટ કરશે ઉમેશ શુક્લ : ૨૪ ડિસેમ્બરે રફીસાહેબની ૧૦૦મી જન્મજયંતી પર થશે સત્તાવાર જાહેરાત : ઉમેશ શુક્લએ કહ્યું કે ‘આસમાં સે આયા ફરિશ્તા’ નામ હશે ફિલ્મનું
ઉમેશ શુક્લ, મોહમ્મદ રફી
દંતકથા સમાન મોહમ્મદ રફીના જીવન પરથી ફિલ્મ બનાવવાની અનાઉન્સમેન્ટ તેમના દીકરા શાહિદ રફીએ કરી છે. આ ફિલ્મની સત્તાવાર જાહેરાત ડિસેમ્બરમાં કરવામાં આવશે. ૨૪ ડિસેમ્બરે મોહમ્મદ રફીની ૧૦૦મી જન્મજયંતી છે. શાહિદ રફીએ કહ્યું હતું કે આ ફિલ્મનું ડિરેક્શન ઉમેશ શુક્લ કરશે. મોહમ્મદ રફીની બાયોપિકનું ટાઇટલ ‘આસમાં સે આયા ફરિશ્તા’ છે. ‘ઓહ માય ગૉડ’ અને ‘102 નૉટ આઉટ’ ફિલ્મના ડિરેક્ટર ઉમેશ શુક્લ અત્યારે લખનઉમાં પોતાની આગામી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છે. તેમણે ‘મિડ-ડે’ સાથે એક્સક્લુઝિવ વાત કરતાં કહ્યું હતું કે ‘અત્યારે સ્ક્રિપ્ટ પર કામ ચાલે છે. ફિલ્મ આવતા વર્ષે એટલે કે ૨૦૨પમાં ફ્લોર પર જશે અને રફીસાહેબના બર્થ-ડે કે ડેથ-ઍનિવર્સરીની આસપાસ રિલીઝ થશે. ૧૯૨૪થી ૧૯૮૦ના પિરિયડની ફિલ્મ છે અને બાયોપિક છે એટલે ઑથેન્ટિસિટીનું પૂરતું ધ્યાન રાખવામાં આવશે, જેને કારણે ફિલ્મનું બજેટ પણ મોટું રહેશે.’
મોહમ્મદ રફીનું પાત્ર કોણ ભજવશે એ વિશે ઉમેશ શુક્લએ કહ્યું હતું કે ‘સ્ક્રિપ્ટ પહેલાં કોઈ પણ ઍક્ટરનું નામ લઈ જ કઈ રીતે શકાય? અફકોર્સ અમારા મનમાં બેત્રણ નામો છે અને અમારે એ ઍક્ટરો સાથે વાત પણ થઈ છે, પણ સ્ક્રિપ્ટ રેડી ન થાય એ પહેલાં કાસ્ટિંગ બાબતમાં કોઈ નિર્ણય લઈ શકાય નહીં.’
ADVERTISEMENT
રફીસાહેબની લાઇફ ફિક્શનથી સહેજ પણ ઓછી નથી એમ જણાવતાં ઉમેશ શુક્લે કહ્યું હતું કે ‘તેમની જે સ્ટ્રગલ છે એ તમે સાંભળો તો તમે વિચારતા થઈ જાઓ કે એક માણસ આટઆટલું પાર કેવી રીતે કરે અને એ પણ સિંગલ હૅન્ડેડ્લી, પણ એ રફીસાહેબે કર્યું અને પછી તે લેજન્ડ બન્યા અને તો પણ તેમની સાદગીમાં કોઈ ચેન્જ આવ્યો નહીં.’
‘આસમાં સે આયા ફરિશ્તા’માં મોહમ્મદ રફીનાં પૉપ્યુલર ગીતોનો પણ ઑફિશ્યલ યુઝ કરવામાં આવશે. ઉમેશ શુક્લએ કહ્યું હતું, ‘રફીસાહેબ પર ફિલ્મ બને એ બહુ જરૂરી હતું. જ્યારે મને ફૅમિલીએ કૉન્ટૅક્ટ કર્યો ત્યારે મારી પહેલાં વાત એ હતી કે આપણે સાથે કામ કરીએ કે નહીં, તમે આ પ્રોજેક્ટ પડતો નહીં મૂકતા અને ફૉર્ચ્યુનેટ્લી અમે જોડાયા.’
હાઇએસ્ટ સૉન્ગ્સ ગાવાનો રેકૉર્ડ મોહમ્મદ રફીના નામે વર્ષો સુધી ગિનેસ બુકમાં રહ્યો. તેમણે ૧૧ ભાષામાં ૨૮,૦૦૦થી વધારે સૉન્ગ્સ ગાયાં છે.