કલકત્તામાં રેપ અને હત્યાના વિરોધ-પ્રદર્શનમાં જોડાઈને ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ કહ્યું...
વિવેક અગ્નિહોત્રી
કલકત્તામાં ટ્રેઇની ડૉક્ટર સાથે થયેલા બળાત્કાર અને હત્યાની ઘટનાએ હાહાકાર મચાવી દીધો છે. સૌકોઈ તેને ન્યાય અપાવવા માટે મેદાનમાં ઊતર્યા છે. ઠેર-ઠેર વિરોધ-પ્રદર્શન થઈ રહ્યાં છે. એથી ફિલ્મમેકર વિવેક અગ્નિહોત્રી પણ કલકત્તામાં ચાલી રહેલા દેખાવમાં જોડાઈ ગયા છે. સાથે જ સમાજમાં એક ઉદાહરણ પૂરું પાડવામાં આવે એવી વાત કહી છે. એ વિશે વિવેક અગ્નિહોત્રી કહે છે, ‘લોકો મુંબઈમાં બેસીને ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર પોસ્ટ શૅર કરીને પોતાને દિલાસો આપે છે કે ચાલો આ વિરોધમાં અમે પણ યોગદાન આપી દીધું છે. જોકે કોઈએ તો સોશ્યલ મીડિયાની દુનિયાને છોડીને ખરા અર્થમાં વિરોધ કરવા ઊતરવું જ પડશે. આપણે રસ્તા પર ઊતરીને વિરોધ-પ્રદર્શન કરીશું તો જ દેશના યુવાઓ માટે એક ઉદાહરણ બેસાડી શકીશું. તેઓ પણ પોતાના ઘરેથી નીકળીને આ અભિયાનમાં સામેલ થશે. નહીં તો યુવા એમ જ વિચારશે કે સોશ્યલ મીડિયા પર માત્ર ટાઇપ કરી દેવાથી પરિવર્તન આવી જશે. આપણે તેમને સમજાવવું પડશે કે ખરા અર્થમાં બદલાવ લાવવા માટે આપણે રસ્તા પર ઊતરવું પડશે. એથી હું અહીં આવ્યો છું.’