અલી અબ્બાસ ઝફરે ૭.૩ કરોડ રૂપિયાની ફીની ઉઘરાણી કરી તો...
વાશુ અને જૅકી ભગનાણી
જાણીતા ફિલ્મ-નિર્માતા વાશુ ભગનાણી અને તેમના પુત્ર જૅકી ભગનાણીએ તેમની ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ના ડિરેક્ટર અલી અબ્બાસ ઝફર સામે બાંદરા પોલીસ-સ્ટેશનમાં ૯.૫ કરોડ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ કરી છે.
વાશુ અને જૅકી ભગનાણીએ તેમની કંપની પૂજા એન્ટરટેઇનમેન્ટ દ્વારા કરેલી એ ફરિયાદમાં એવો આરોપ કર્યો છે કે અલી અબ્બાસ ઝફરે તેમની અક્ષયકુમાર અને ટાઇગર શ્રોફને ચમકાવતી ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’નું અબુ ધાબીમાં શૂટિંગ કર્યું હતું એટલે ત્યાંની ઑથોરિટીએ તેમને ૯.૫૪ કરોડ રૂપિયાની સબસિડી આપી હતી, જેનો અલી અબ્બાસ ઝફરે દુરુપયોગ કર્યો હતો.
ફરિયાદમાં પિતા-પુત્રએ તેની સામે છેતરપિંડી જ નહીં; જબરદસ્તી, વિશ્વાસઘાત, ખંડણી, બ્લૅકમેઇલ, હૅરૅસમેન્ટ, ક્રિમિનલ ડિફેમેશન અને મની લૉન્ડરિંગનો પણ આક્ષેપ કર્યો છે. બાંદરા પોલીસે આ સંદર્ભે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FRI) નોંધીને કેસની વધુ તપાસ શરૂ કરી છે.
જોકે વાશુ અને જૅકી ભગનાણીની ફરિયાદ અલી અબ્બાસ ઝફરે કરેલી ફરિયાદના પ્રત્યાઘાત રૂપે આવી છે. અલી અબ્બાસે વાશુ અને જૅકી ભગનાણી સામે ફરિયાદ કરી હતી કે તેને ‘બડે મિયાં છોટે મિયાં’ના ડિરેક્ટર તરીકેની ૭.૩ કરોડ રૂપિયાની બાકી નીકળતી ફીની રકમ તેમના દ્વારા આપવામાં આવી નથી. આ માટે અલી અબ્બાસ ઝફરે ડિરેક્ટર્સ અસોસિએશનમાં ફરિયાદ કરીને વચ્ચે પડવા જણાવ્યું હતું. ફેડરેશન ઑફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લૉઈઝ અસોસિએશને પણ આ બાબતે વાશુ ભગનાણીનો સંપર્ક કર્યો ત્યારે એને એમ કહેવામાં આવ્યું હતું કે અલી અબ્બાસ ઝફરે કરેલી ફરિયાદમાં કંઈ તથ્ય નથી, તેણે કરેલો ક્લેમ કાયદેસર નથી.