ફિલ્મ-રિવ્યુ - કૅપ્ટન માર્વલ
કૅપ્ટન માર્વલ
‘કૅપ્ટન માર્વલ’ આવતી કાલે વિશ્વ મહિલા દિવસે રિલીઝ થઈ રહી છે. ફિલ્મને આઠ માર્ચે રિલીઝ કરવાનું કારણ આ માર્વલ ફિલ્મ-સિરીઝની પહેલી મહિલા સુપરહીરો છે. ફિલ્મની સુપરહીરોની સાથે આ ફિલ્મને ડિરેક્ટ કરનાર ઍના બોડન પણ આ સિરીઝની પહેલી મહિલા ડિરેક્ટર છે. ઍનાએ રયાન ફ્લેક સાથે મળીને આ ફિલ્મને ડિરેક્ટ કરી છે. ફિલ્મની શરૂઆત માર્વલના પ્રણેતા કહો કે પછી માઈબાપ એવા સ્ટૅન લીને શ્રદ્ધાંજલિ આપવાથી થાય છે. માર્વલની દરેક ફિલ્મની શરૂઆતમાં માર્વલના લોગોમાં તેમની ફિલ્મોના સુપરહીરોને દેખાડવામાં આવે છે, પરંતુ આ ફિલ્મમાં સ્ટૅન લીના ફોટોને દેખાડવામાં આવ્યા હતા. સ્ટૅન લીના મૃત્યુ બાદ પણ તેઓ તેમના ચાહકોને સરપ્રાઇઝ આપવામાં પાછા નથી પડ્યા.
આ ફિલ્મની જાહેરાત થઈ ત્યારથી એ ખૂબ જ ચર્ચામાં હતી, કારણ કે કૅપ્ટન માર્વલ અત્યાર સુધીની સૌથી તાકતવર સુપરહીરો છે. જોકે તેને તેની તાકાત મળતાં ખૂબ જ વાર લાગે છે. ‘અવેન્જર્સ : ઇન્ફિનિટી વૉર’માં જે રીતે થોરને તેનો નવો હથોડો મળતાં ખૂબ જ વાર લાગે છે એ જ રીતે આ ફિલ્મમાં પણ કૅપ્ટન માર્વલને તેના પાવરની જાણ થતાં વાર લાગે છે.
ADVERTISEMENT
ભગવાન હનુમાન પાસે ખૂબ જ તાકાત હતી, પરંતુ તેમને જ્યારે યાદ કરાવવામાં આવે છે ત્યારે તેમને તમામ શક્તિઓ યાદ આવી જાય છે. આ ફિલ્મમાં પણ કૅપ્ટન માર્વલને તેની તમામ તાકાતને કેવી રીતે મેળવવી એ માટે ડૉક્ટર વેન્ડી લૉસન મદદ કરે છે, જ્યારે જુડ લૉ તેને ક્ન્ટ્રોલ કરતાં શીખવતો હોય છે. આ ફિલ્મમાં ડૉક્ટર વેન્ડી લૉસન ખૂબ જ મહત્વનું પાત્ર હોય છે જેને સ્ક્રલ આર્મી શોધતી હોય છે. વેન્ડી લૉસન ખરેખર ક્રી એમ્પાયરની સુપ્રીમ ઇન્ટેલિજન્સની મેમ્બર હોય છે અને તે એક નવી શોધ કરે છે. ક્રી આર્મી સ્ક્રલ આર્મીનું નામ-ઓ-નિશાન મિટાવી દેવા માગતું હોય છે, પરંતુ વેન્ડી લૉસન યુદ્ધનો અંત આણવા માગતી હોય છે. તે ક્રીની હોવા છતાં સ્ક્રલ આર્મી સાથે મળીને તેમને બચાવે છે.
માર્વલ ફિલ્મ સિરીઝની આ ૨૧મી ફિલ્મ છે. અગાઉની ફિલ્મ કરતાં આ ફિલ્મ ઘણી નબળી છે. આ ફિલ્મ તેની સ્ટોરીને કારણે માર ખાઈ ગઈ છે. માર્વલ ફિલ્મ તેની ધમાકેદાર ઍક્શન માટે ખૂબ જ જાણીતી છે જે આ ફિલ્મમાં ઓછી જોવા મળે છે. ઍક્શન જ્યારે પણ જોવા મળે છે ત્યારે જોરથી બૂમ પાડવાનું મન થઈ જાય છે. કૅપ્ટન માર્વલની ભૂમિકા બ્રી લાર્સને ભજવી છે. તેને વર્સ અને કૅરોલ ડેન્વર્સ તરીકે ઓળખવામાં આવે છે. ફિલ્મના અંતે જ્યારે તેની પાસે તમામ પાવર આવી જાય છે ત્યારે કૅપ્ટન માર્વલ તરીકેની ઓળખ મળે છે.
ટૉની સ્ટાર્ક એટલે કે આયર્ન મૅન પાસે આર્ક રીઍક્ટર છે જેનાથી તેના સૂટને પાવર મળે છે. આ રીઍક્ટર તેણે ક્યુબમાંથી બનાવ્યું હોય છે. આ ક્યુબની અંદર સ્પેસ સ્ટોન છુપાયેલો હોય છે જે આસગાર્ડ એટલે કે થોરનો હોય છે. આ ક્યુબમાંથી મળેલી તાકાતને કારણે આયર્નમૅન વધુ તાકતવર બને છે, પરંતુ આ ક્યુબ કરતાં વધુ તાકાત કૅપ્ટન માર્વલમાં છે. પવનની વાત છોડો, તે લાઇટની સ્પીડ કરતાં વધુ જોરમાં ટ્રાવેલ કરતી હોય છે. તેની તાકાત જોઈને લાગે છે કે ‘થાનોસ તો ગયો’. કૅપ્ટન માર્વલ થોર કરતાં સ્પીડમાં ટ્રાવેલ કરી શકે છે. તેમ જ થોર તેના હથોડા વડે જે વીજળી ફેંકે છે એના કરતાં વધુ પાવરથી કૅપ્ટન માર્વલ હાથથી વીજળી ફેંકે છે. જોકે આ ફિલ્મમાં ઘણી વાર તમને એ સવાલ થશે કે તે આટલી પાવરફુલ હોવા છતાં તે જ્યારે ક્રીની આર્મીને મારે છે ત્યારે તેઓ મૃત્યુ કેમ નથી પામતા. ફિલ્મના અંતમાં જુડ લૉ તેને ઉશ્કેરે છે કે દમ હોય તો પાવરની જગ્યાએ હાથથી લડાઈ કર. જોકે બૉલીવુડની ફિલ્મોની જેમ કૅપ્ટન માર્વલ તેની વાતોમાં આવી નથી જતી અને એક જ ઝટકામાં તેના પર વાર કરે છે. આ વાર છતાં જુડ લૉ જીવિત રહે છે અને એ સવાલ ઊભો કરે છે કે તેનું મૃત્યુ કેમ ન થયું.
સવાલની વાત કરીએ તો આ ફિલ્મમાં ‘અવેન્જર્સ’ની શરૂઆત ક્યાંથી થઈ? સેમ્યુઅલ એલ. જૅક્સન એટલે કે નિક ફ્યુરીની આંખ પર હંમેશાં કેમ એક પટ્ટી બાંધવામાં આવી હોય છે? ‘અવેન્જર્સ : ઇન્ફિનિટી વૉર’ના અંતમાં નિક ફ્યુરી કોને પેજર કરે છે? આ તમામ સવાલોના જવાબ તમને આ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં સ્ક્રલ આર્મીનાં બીજ ‘ગાર્ડિયન ઑફ ગૅલેક્સી’માં (ઈસ્ટર એગ) જોવા મYયાં હતાં. કૅપ્ટન માર્વલ જ્યારે ક્રીની આર્મીને હરાવી દે છે ત્યારે જુડ લૉ ક્રી એમ્પાયરના સુપ્રીમ ઍક્યુઝર ‘રોનન ધ ઍક્યુઝર’નો સંપર્ક કરે છે. રોનન પાસે તેની અલગ આર્મી હોય છે, પરંતુ કૅપ્ટન સાહિબા તેની આર્મીનો પણ સપાટો બોલાવી દે છે.
આ ફિલ્મમાં તે રોનન હોય કે જુડ લૉનું પાત્ર, દરેકને જીવતા છોડી દેતી હોય છે. આ સમયે તે થોડી ઇમોશનલ લાગે છે. તેના ઇમોશનલ હોવાની સાથે આ ફિલ્મ પણ માર્વલ સિરીઝની અત્યાર સુધીની સૌથી ઇમોશનલ ફિલ્મ છે. બની શકે કે પહેલી મહિલા સુપરહીરો અને મહિલા ડિરેક્ટરને કારણે ફિલ્મનું ઇમોશનલ પાસું દેખાડવામાં આવ્યું હોય. જોકે તમારે રૂમાલ લઈને બેસવાની જરૂર નથી, પરંતુ માર્વલ ફૅન્સ માટે આ એક માઇનસ પૉઇન્ટ છે. આ ફિલ્મમાં એક ડાયલૉગ એવો છે જ્યાં ડૉક્ટર લૉસન કહે છે કે ક્રી વગર તું એક મનુષ્ય છે અને કૅરોલ પણ કહે છે કે હું ફક્ત એક મનુષ્ય છું (જોકે અહીં ડૉક્ટર લૉસન તેને એક ક્લુ આપે છે અને એથી કૅરોલનું કૅપ્ટન માર્વલમાં પરિવર્તન થાય છે). તે એક મનુષ્ય છે એ વાત સાચી છે અને એ ખૂબ જ સારી રીતે દેખાડવામાં પણ આવ્યું છે કે તેને પાવર કેવી રીતે મળે છે. જોકે માર્વલમાં આયર્ન મૅન તેનું સૂટ બનાવે છે, કૅપ્ટન અમેરિકા પર એક્સપરિમેન્ટ્સ કરી એને બનાવવામાં આવે છે. થોર જન્મથી જ ગૉડ હોય છે. આ તમામ હીરોની વચ્ચે કૅપ્ટન માર્વલ એકદમ અલગ તરી આવે છે અને તે આ ફિલ્મની સ્ટોરીની સાથે-સાથે પોતાની જાતને શોધતી આવે છે. ‘કૅપ્ટન માર્વલ’ એક શોધ છે. કહાનીમાં ટ્વિસ્ટ એ છે કે કૅપ્ટન માર-વેલ પહેલાં ડૉક્ટર લૉસન હોય છે. જોકે તેના મૃત્યુ બાદ નિક ફ્યુરી કૅરોલને માર્વલ નામ આપે છે. જોકે તેમની વચ્ચે માર-વેલ અને માર્વલને લઈને મસ્તી પણ કરવામાં આવે છે.
આ ફિલ્મમાં નિક ફ્યુરીનું પાત્ર પણ ખૂબ જ મહત્વનું છે. ‘અવેન્જર્સ’ યુનિવર્સની શરૂઆત પહેલાં એટલે કે ૧૯૯૦ના દાયકાની આ ફિલ્મ છે. આ ફિલ્મમાં વાત કરવા માટે પેજર એકદમ હાઇ-ટેક સાધન માનવામાં આવે છે. તેમ જ ડેટા કૉપી કરવા માટે CD-રૉમનો ઉપયોગ કરવામાં આવે જે ખરેખર ખૂબ જ ધીમું હોય છે. આ તમામ દૃશ્યોને ખૂબ જ સારી રીતે રજૂ કરવામાં આવ્યાં છે. તેમ જ સર્ચ કરવા માટે એ સમયે ગૂગલ નહોતું એનું પણ ખૂબ જ બારીકાઈથી ધ્યાન રાખવામાં આવ્યું હતું.
ફિલ્મમાં એક પણ રોમૅન્ટિક ઍન્ગલ કે કિસિંગ સીન નથી. એનું કારણ છે કે કૅરોલ પાસે તેની બેસ્ટ ફ્રેન્ડ ફોરેવર મારિયા હોય છે. આ પાત્ર લશાના લિંચ દ્વારા ભજવવામાં આવ્યું છે. કૅપ્ટન માર્વલ પાસે અદ્ભુત પાવર હોવા છતાં તેને પણ ફ્રેન્ડની જરૂર પડે છે એ ખૂબ જ સારી રીતે દેખાડવામાં આવ્યું છે.
આ ફિલ્મમાં એક મહત્વનું અને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ પાત્ર છે બિલાડીનું. આ પાત્ર લોકોનાં દિલ જીતવાની સાથે તેમને હસાવતું પણ જોવા મળશે. ફિલ્મના (અંગ્રેજી) ડાયલૉગ ખૂબ જ સારી રીતે લખવામાં આવ્યા છે. કૅરોલ પાસે ખૂબ જ સારા-સારા વન લાઇનર ડાયલૉગ ગયા છે. તે કૅપ્ટન માર્વલના પાત્રમાં ખૂબ જ જોરદાર લાગે છે. તેની હૅન્ડ કૉમ્બેટ પણ ખૂબ જ સારી છે. જોકે એ વધુ દેખાડવામાં નથી આવી. તે તેના પાવરને કન્ટ્રોલ કરી શકતી નહોતી અને એથી તરત જ એનો ઉપયોગ કરી સામેની વ્યક્તિને ધરાશાયી કરી દે છે. બે કલાક અને ત્રણ મિનિટમાં કૅપ્ટન માર્વલની સ્ટોરીને ઘણી ખેંચવામાં આવી છે. તેમ જ અંતમાં જ્યારે તેને પાવર મળે કે તરત જ ફિલ્મ પૂરી પણ થઈ જાય છે જાણે મેકર્સને ફિલ્મ પૂરી કરવાની ઉતાવળ હોય. એન્ડને વધુ ઍક્શનથી ભરપૂર બનાવી શક્યા હોત જેથી ફિલ્મ ઇમોશન અને ઍક્શન વચ્ચે બૅલૅન્સ થઈ શકી હોત. જોકે તેના પાવરને ‘અવેન્જર્સ : એન્ડ ગેમ’માં વધુ સારી રીતે જોઈ શકાશે.
નોંધ : ફિલ્મના અંતમાં દરેક માર્વલ ફિલ્મની જેમ આગામી ફિલ્મને કેવી રીતે કનેક્ટ કરવામાં આવી છે એ દર્શાવવામાં આવ્યું છે. તમામ નંબર પૂરા થયા બાદ બિલાડીની સરપ્રાઇઝ મેળવવા માટે તૈયાર રહેવું.


