ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી... વો ઉન્નીસ સાલ, વો યાદગાર પલ
ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી...
ઇમોશન્સનું ઇકૉનૉમિક્સ
૩ જુલાઈ અને વર્ષ ૨૦૦૦.
આ દિવસ મારે માટે ખૂબ યાદગાર અને અત્યંત અગત્યનો કહેવાય એવો છે. માત્ર મારે માટે જ નહીં, બહુ બધા લોકો માટે આ દિવસ યાદગાર છે. ફરક માત્ર એટલો કે કદાચ બહુ બધાને આ તારીખ પણ યાદ નહીં રહી હોય, પરંતુ મને ખબર છે કે મારા સિવાય એક એવી વ્યક્તિ છે જેને આ ડેટ યાદ જ હશે. ત્રીજી જુલાઈ અને વર્ષ ૨૦૦૦ એટલે કે ૧૯ વર્ષ અને એક્ઝૅક્ટ ૧૫ દિવસ પહેલાં આજના દિવસે ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી...’નો પહેલો એપિસોડ ટેલિકાસ્ટ થયો અને ઇન્ડિયન ટેલિવિઝનનો ઇતિહાસ બદલીને સુવર્ણકાળ શરૂ થયો. ૨૦૦૦ની સાલ સુધી સ્ટાર ટીવી પહેલાં હિન્દી ચૅનલ નહોતી, પાર્સિયલી એના પર બે કે ત્રણ હિન્દી સિરિયલો આવતી. મને અત્યારે પણ યાદ છે કે એ સમયે આશા પારેખની ‘કોરા કાગઝ’, નીના ગુપ્તાની ‘સાંસ’, રીમા લાગુની ‘તૂતૂમૈંમૈં...’ આવતી. આજે પણ આ સિરિયલ લોકોને યાદ છે અને એ જ આ સિરિયલોની સફળતાની નિશાની છે. જોકે આ સિરિયલો વચ્ચે સ્ટાર ગ્રુપે નક્કી કર્યું કે હવે એ લોકો આ ચૅનલને કાયમ માટે હિન્દી કરી નાખશે અને સ્ટાર ટીવીને નવું નામ આપીને સ્ટાર પ્લસ કરશે. જે કોઈ અંગ્રેજી શો આવતા હતા એ બધા શોને સ્ટાર વર્લ્ડ પર લઈ જવાનું પણ નક્કી થયું. બધું નક્કી થયા મુજબ પ્લાનિંગ શરૂ થયાં હતાં, જે પ્લાનિંગમાં સૌથી મોટો શો જો કોઈ બનવાનો હતો તો એ અમિતાભ બચ્ચનનો શો હતો. ઇન્ટરનૅશનલી ખૂબ પૉપ્યુલર થયેલા ‘હુ વૉન્ટ્સ ટુ બી મિલ્યનેર’ની ઇન્ડિયન આવૃિત્તએટલે કે ‘કૌન બનેગા કરોડપતિ’નું ઍન્કરિંગ અમિતાભ બચ્ચનને આપવામાં આવ્યું હતું, જે એ સમયે આખી ચૅનલની સૌથી મોટી હાઇલાઇટ હતી.
મારી વાત કરું તો હું એ સમયે સોનીની સુપરહિટ ટીવી-સિરિયલ ‘એક મહલ હો સપનોં કા’ કરતી હતી. આ સિરિયલ બાયલૅન્ગ્યુઅલ હતી અને ગુજરાતીમાં એનું નામ ‘સપનાનાં વાવેતર’ હતું. આ સિરિયલ આજે પણ બધાને એટલી જ યાદ છે. આ સિરિયલથી ડેઇલી શૉપનું ફાઉન્ડેશન બન્યું એવું કહીએ તો ખોટું ન કહેવાય. ફાઉન્ડેશન આ બાયલૅન્ગ્યુઅલ સિરિયલે કર્યું તો ડેઇલી શૉપના પાયા મજબૂત કરવાનું કામ ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી...’એ કર્યું. આ સિરિયલ છેક ૧૯૯૭થી શરૂ થઈ હતી અને ડેઇલી શૉપની શરૂઆત જ આ સિરિયલથી થઈ હતી. આ સુપરહિટ સિરિયલના એકેક કલાકારો પણ જાજરમાન હતાં. મનોજ જોષી, સનત વ્યાસ, વંદના પાઠક, અજિત વાચ્છાની અને અનેક કલાકારો એમાં કામ કરતાં હતાં, તેમની સાથે હું પણ હતી. સિરિયલ સુપરહિટ હતી. મારા કૅરૅક્ટરનું નામ એમાં પારો હતું અને એ કૅરૅક્ટર ખૂબ પૉપ્યુલર થયું હતું. કામ સરસ રીતે ચાલતું હતું અને ત્રણેક વર્ષ પછી એટલે કે ૨૦૦૦માં મને બાલાજી ટેલિફિલ્મ્સમાંથી ફોન આવ્યો. આવો, આપણે નવી ડેઇલી માટે મળીએ. સાચું કહું તો મારી પાસે એ સમયે બિલકુલ ટાઇમ નહોતો એટલે મેં ના પાડી દીધી. મને કહેવામાં આવ્યું કે મળીએ તો ખરાં પણ હું ન માની. મેં સ્પષ્ટતાપૂર્વક કહી દીધું કે જે કામ કરવાની જ નથી એ કામ માટે શું કામ હું મારો અને તમારો બન્નેનો સમય બગાડું.
બે-ચાર દિવસ ગયા અને મને ફરી ફોન આવ્યો. મારો જવાબ એ જ હતો. આવું લગભગ એક મહિના સુધી બનતું રહ્યું. આજે વિચારું છું કે એ લોકોએ મને ફરી-ફરીને બોલાવી ન હોત અને મેં આ સિરિયલ જતી કરી દીધી હોત તો મેં શું ગુમાવ્યું હોત?
‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી...’ની આખી જર્ની અત્યારે મારી આંખ સામેથી પસાર થાય છે અને મને સતત થયા કરે છે કે મારે એ અનુભવ પર વિગતવાર બુક લખવી જોઈએ. હા, એટલું મટીરિયલ છે કે એક આખી ઇન્ટરેસ્ટિંગ બુક લખી શકાય. એ પ્લસ એટલે કે આજના શાહરુખ, સલમાન અને આમિરને જે ફૅસિલિટી મળતી એ બધું અમને પ્રૉવાઇડ કરવામાં આવતું. આજે આ સિરિયલને આટલો લાંબો સમયગાળો પસાર થઈ ગયો તો પણ લોકોને એ સિરિયલ યાદ છે તો ચોક્કસ સ્વીકારવું પડે કે એમાં કશુંક એવું હતું જે લોકોનાં હૈયાં સુધી પહોંચી ગઈ. આ સિરિયલની કૉપી કરીને અનેક સિરિયલ બની પણ એ બધામાં ક્યાંય ઓરિજિનલનો આત્મા નહોતો અને એટલે નકલ તો થઈ, પણ કોઈ એની ઊંચાઈ સુધી પહોંચી નથી શક્યું. ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી...’માં ત્રણ જનરેશનની વાત હતી; દાદી, વહુ અને દીકરીઓનો એમાં સમાવેશ હતો. બા, સવિતા અને તુલસીનાં કૅરૅક્ટર્સના જીવનની એક જર્ની હતી. ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી...’એ અમને બધાને એસ્ટૅબ્લિશ કરી દીધાં, એટલું જ નહીં, એકેક ઘરના અમને સભ્ય બનાવી દીધાં. જોકે આ બધી વાત બધાને ખબર છે એટલે એની ચર્ચા કરવાની જરૂર નથી, પણ હા, એક પ્રૉમિસ, ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી...’ સાથે જોડાયા પછી ઍક્ટર તરીકે કેવું-કેવું બન્યું અમારી સાથે એની વાતો ભવિષ્યમાં કરીશ એ પાક્કું.
‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી...’ની એક ખાસ વાત કહું તમને. નિશ્ચિત સમયે બધા જ હકારાત્મક લોકો એકસાથે એક જગ્યાએ એકત્રિત થાય એને કુદરતનો સંકેત કહેવાય. ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી...’માં પણ એ જ બન્યું હતું. It was right people meeting at right time.
ADVERTISEMENT
આ પણ વાંચો : Seema Bhanushali:પરિવારની સાથે પ્રોફેશનલ લાઈફ બેલેન્સ કરે છે આ જાણીતા બ્યુટિશિયન
બધા એવા લોકો ભેગા થયા જે બધાને કંઈક નવું કરવું હતું, નોખું કરવું હતું અને એને માટે લોહીપાણી એક કરવાની તૈયારી હતી. બન્યું એવું કે બધાની પૉઝિટિવિટી હતી એટલે બધાનો હકારાત્મક સમય પણ એકસાથે શરૂ થયો. એકતા કપૂરથી શરૂ કરીને સિરિયલ સાથે જોડાયેલા નાનામાં નાના ટેક્નિશ્યન માટે એ સિરિયલ લાઇફ ચેન્જિંગ બની ગઈ. એવું કહું તો પણ ચાલે કે આ સિરિયલ એક વિશિષ્ટ પ્રકારના આશીર્વાદ સાથે જન્મી હતી. બાલાજી ટેલિફિલ્મ્સના એકેએક રૂપિયામાં એટલી બરકત છે કે અમે આખું યુનિટ રોજ કોઈ ને કોઈ કારણસર મીઠાઈ ખાતાં. આ વાત લિટરલી સાચી છે. મીઠાઈ એમ જ લઈ જઈને ખાવાની વાત હું નથી કરતી, પણ શુભ પ્રસંગ કે સારા સમાચાર સાથે આવતી મીઠાઈની વાત કરું છું. કોઈએ ઘર ખરીદ્યું હોય, કોઈએ કાર ખરીદી હોય. કોઈનાં મૅરેજ થયાં હોય કે કોઈને ત્યાં બાળક આવ્યું હોય. ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી...’ સાથે જોડાયેલો એકેક ઍક્ટર એટલો સુખી થયો છે કે ન પૂછો વાત. ધારો કે એ વાત કહું તો પણ સૌકોઈની આંખમાં અચરજ આવી જાય. આવું સામાન્ય રીતે બનતું નથી. કોઈને ત્યાં સારો સમય ચાલતો હોય તો કોઈને ત્યાં નબળો સમય ચાલતો હોય એવું પણ બને, પરંતુ ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી...’ સમયે તો બધાનો એકસાથે સારો સમય શરૂ થયો હતો. તમે જુઓ, એ સિરિયલે ટીવી-ઇન્ડસ્ટ્રીને પણ કેવા સ્ટાર્સ આપી દીધા, જે આજે પણ ઇન્ડસ્ટ્રી પર રાજ કરે છે. મિહિરના કૅરૅક્ટરમાં આવેલા રોનિત રૉયને આજે ટીવી-ઇન્ડસ્ટ્રીમાં અમિતાભ બચ્ચન ગણવામાં આવે છે. તેણે એટલું સ્ટ્રગલ કર્યું હતું કે તે થાકી ગયો હતો અને તેણે લાઇન પણ છોડી દીધી હતી, પરંતુ એ પછી ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી...’એ તેનો નવો જન્મ કરાવ્યો અને તે ફરીથી એન્ટરટેઇનમેન્ટની લાઇનમાં એસ્ટૅબ્લિશ થઈને સ્ટાર બની ગયો. કેટલા ગુજરાતી કલાકારો અને કસબીઓને પણ આ સિરિયલ ફળી છે. હું માનું છું ત્યાં સુધી ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી...’ને કારણે ઓછામાં ઓછા ૧૦ ગુજરાતી કલાકાર-કસબીઓએ પોતાનાં ઘર લીધાં અને તેઓ સ્ટ્રગલમાંથી બહાર આવીને સેટલ્ડ લાઇફની દિશામાં આગળ વધ્યા.
‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી...’એ અનેકને પગભર કર્યા તો અનેક એવી ઍક્ટ્રેસ પણ આપી જે સ્ટ્રગલ કરવા માટે મુંબઈ આવી હતી અને પાછા જવાની રાહ જોતી ટ્રેનની ટિકિટની લાઇનમાં ઊભી રહી ગઈ હતી. આ બધાનું શ્રેય સૌથી પહેલાં તો હું એકતા કપૂરને આપીશ. નાની દેખાતી આ છોકરીની કોઠાસૂઝે આ સિરિયલને ચાર ચાંદ લગાવી દીધા અને ટીવી-ઇન્ડસ્ટ્રીને એના મધ્યાહ્ન પર પહોંચાડી દીધું.