ઇટલીની સૌથી મોટી બૅન્ક ઇન્ટેસા સાનપાઓલોએ વિશ્વની સૌથી મોટી ડિજિટલ કરન્સી અર્થાત્ બિટકૉઇનની ખરીદી કરી છે. પ્રાપ્ત માહિતી મુજબ બૅન્કે ૧૧ બિટકૉઇન ખરીદ્યા છે.
ક્રિપ્ટોકરન્સીની પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ઇટલીની સૌથી મોટી બૅન્ક ઇન્ટેસા સાનપાઓલોએ વિશ્વની સૌથી મોટી ડિજિટલ કરન્સી અર્થાત્ બિટકૉઇનની ખરીદી કરી છે. પ્રાપ્ત માહિતી મુજબ બૅન્કે ૧૧ બિટકૉઇન ખરીદ્યા છે અને એના CEO કાર્લો મેસિનાએ આ ખરીદીને અખતરો ગણાવી છે. ઇન્ટેસાએ વર્ષ ૨૦૨૩માં ડિજિટલ ઍસેટ્સ માટે પ્રૉપરાઇટરી ટ્રેડિંગ ડેસ્કની સ્થાપના કરી હતી અને ગયા વર્ષે ક્રિપ્ટોકરન્સીમાં હાજરના સોદાઓ શરૂ કર્યા હતા. આ બૅન્કનો ઉદ્દેશ્ય જાતે ટ્રેડિંગ કરવાનો કે રોકાણ કરવાનો નહીં, પરંતુ વેલ્થ મૅનેજમેન્ટ કંપની તરીકે પોતાના ક્લાયન્ટ્સને ક્રિપ્ટોમાં વ્યવહારો કરવા માટેની સુવિધા પૂરી પાડવાનો છે.
દરમ્યાન મંગળવારે વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં જોરદાર ઉછાળો આવ્યો હતો. ટોચના બધા જ કૉઇનમાં નોંધપાત્ર તેજી થઈ હતી. માર્કેટ કૅપિટલાઇઝેશન ૫.૮૭ ટકા વધીને ૩.૩૩ ટ્રિલ્યન ડૉલર થઈ ગયું હતું, જ્યારે બિટકૉઇન ૫.૭૮ ટકા વધીને ૯૬,૬૯૩ ડૉલર પર પહોંચ્યો હતો. ઇથેરિયમમાં આશરે ૬ ટકાની તેજી સાથે ભાવ ૩૨૦૬ ડૉલર થયો હતો. એક્સઆરપીમાં ૫.૮૭ ટકા, બીએનબીમાં ૩.૫૮ ટકા, સોલાનામાં ૭.૦૮ ટકા, ડોઝકૉઇનમાં ૯.૦૬ ટકા, કાર્ડાનોમાં ૭.૩૨ ટકા અને અવાલાંશમાં ૬.૧૬ ટકા વૃદ્ધિ થઈ હતી.

