ગત ૩૧મી ડિસેમ્બરે દેશની વિદેશી હૂંડિયામણની નિયમનકાર સંસ્થાએ જાહેર કર્યું હતું કે બૅન્કોએ ક્રિપ્ટોકરન્સીના સરહદ પારના તમામ વ્યવહારોની જાણ કરવાની રહેશે
પ્રતીકાત્મક તસવીર
ચીનમાં ક્રિપ્ટોકરન્સીના વ્યવહારો પરનું નિયંત્રણ ચુસ્ત બનાવવામાં આવી રહ્યું છે. ગત ૩૧મી ડિસેમ્બરે દેશની વિદેશી હૂંડિયામણની નિયમનકાર સંસ્થાએ જાહેર કર્યું હતું કે બૅન્કોએ ક્રિપ્ટોકરન્સીના સરહદ પારના તમામ વ્યવહારોની જાણ કરવાની રહેશે અને આવા વ્યવહાર કરનારા લોકોને અમુક બૅન્કિંગ સર્વિસથી વંચિત રાખવામાં આવશે. કયા લોકો ક્રિપ્ટોમાં વ્યવહારો કરે છે, તેમને નાણાં ક્યાંથી મળે છે, તેઓ કેટલી વાર સોદાઓ કરે છે વગેરે જેવી માહિતી બૅન્કોએ પ્રાપ્ત કરવાની રહેશે. જાણકારોનું કહેવું છે કે આ નવા નિયમનોને લીધે ચીનમાં ક્રિપ્ટોકરન્સી ક્ષેત્રને ગંભીર ક્ષતિ થશે. ઘણી કંપનીઓ અને ઉદ્યમીઓ દેશ છોડીને બીજે બિઝનેસ કરવા ચાલ્યા ગયા છે. આનું સૌથી મોટું ઉદાહરણ વિશ્વનું પ્રથમ ક્રમાંકિત ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ–બાઇનૅન્સના સ્થાપક જસ્ટિન સન છે. નોંધનીય છે કે ચીનમાં પહેલેથી જ ક્રિપ્ટોકરન્સી માટે સાનુકૂળ વાતાવરણ નથી.
દરમ્યાન વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં શુક્રવારે દિવસ દરમ્યાન સાધારણ વધ-ઘટ જોવા મળ્યા બાદ સાંજે સ્થિતિ સુધરતી જોવા મળી હતી. બિટકૉઇન ૦.૪૯ ટકા વધીને ૯૬,૯૮૯ ડૉલર ટ્રેડ થઈ રહ્યો હતો. ઇથેરિયમમાં ૧.૬૦ ટકા વૃદ્ધિ સાથે ભાવ ૩૫૨૨ ડૉલર થયો હતો. એક્સઆરપીમાં ૧.૮૮ ટકા, સોલાનામાં ૫.૫૦ ટકા, ડોઝકૉઇનમાં ૭.૫૪ ટકા, કાર્ડાનોમાં ૧૩.૫૯ ટકા અને અવાલાંશમાં ૪.૭૦ ટકાનો વધારો થયો હતો.