૪૪.૧ + ૪૫.૨ = ટોટલ માત્ર ૮૯.૨ ઓવર રમીને વેસ્ટ ઇન્ડીઝે ભારત સામે કરી ફાસ્ટેસ્ટ શરણાગતિ

05 October, 2025 09:15 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

ભારતે પાંચ વિકેટે ૪૪૮ રનના સ્કોર પર દાવ ડિક્લેર કર્યો એ પછી કૅરિબિયનો ૧૪૬ રનમાં ઑલઆઉટ, એક ઇનિંગ્સ અને ૧૪૦ રનથી જીતી ટીમ ઇન્ડિયા : સદી બાદ ચાર વિકેટ લઈને રવીન્દ્ર જાડેજા બન્યો પ્લેયર ઑફ ધ મૅચ, મોહમ્મદ સિરાજે ઘરઆંગણે બેસ્ટ ટેસ્ટ-બોલિંગ પ્રદર્શન કર્યું

ભારત માટે મોહમ્મદ સિરાજે મૅચમાં સાત વિકેટ ઝડપી હતી

અમદાવાદ ટેસ્ટ-મૅચના ત્રીજા દિવસે વેસ્ટ ઇન્ડીઝ સામે ભારતે એક ઇનિંગ્સ અને ૧૪૦ રનથી જીત મેળવી હતી. આ જીત સાથે યજમાન ટીમે બે મૅચની સિરીઝમાં ૧-૦થી લીડ નોંધાવી છે.  વેસ્ટ ઇન્ડીઝની પહેલી ઇનિંગ્સના ૧૬૨ રનના સ્કોર સામે ભારતે ૧૨૮ ઓવરમાં પાંચ વિકેટે ૪૪૮ રન કરીને દાવ ડિક્લેર કર્યો હતો. જવાબમાં લંચ-બ્રેક સુધીમાં ૬૬/૫નો સ્કોર ધરાવનાર મહેમાન ટીમ બીજા સેશનની વચ્ચે ૪૫.૧ ઓવરમાં ૧૪૬ રને ઑલઆઉટ થઈ ગઈ હતી. ૧૦૪ રનની નૉટઆઉટ ઇનિંગ્સ સાથે ચાર વિકેટ લેનાર ભારતીય ટેસ્ટ-ટીમનો વાઇસ-કૅપ્ટન રવીન્દ્ર જાડેજા પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો.

આ જીત સાથે ભારતે કૅરિબિયન ટીમ સામે સતત ૨૬ ટેસ્ટ-મૅચમાં અપરાજિત રહેવાનો સિલસિલો જાળવી રાખ્યો છે. વેસ્ટ ઇન્ડીઝ ભારત સામે છેલ્લે મે ૨૦૦૨માં ટેસ્ટ-મૅચ જીત્યું હતું. ત્યારથી હમણાં સુધી રમાયેલી ૨૬ ટેસ્ટ-મૅચમાંથી ૧૦ મૅચ ડ્રૉ પણ રહી છે. બીજી ટેસ્ટ-મૅચ ૧૦થી ૧૪ ઑક્ટોબર દરમ્યાન દિલ્હીમાં રમાશે. એ ટેસ્ટ-મૅચ જીતીને ભારત આ હરીફ સામે સતત ૧૦ ટેસ્ટ-સિરીઝ જીતી શકશે.

ત્રીજા દિવસની શરૂઆતમાં ભારતે ત્રણ સદીની મદદથી બનાવેલા ૪૪૮/૫ના સ્કોર પર પહેલી ઇનિંગ્સ ડિક્લેર કરી દીધી હતી. ભારત પાસે ૨૮૬ રનની વિશાળ લીડ હતી. 

ભારત તરફથી બીજી ઇનિંગ્સમાં અનુભવી સ્પિનર રવીન્દ્ર જાડેજાએ ૧૩ ઓવરમાં ૫૪ રન આપી ચાર વિકેટ લીધી હતી. અન્ય સ્પિનર કુલદીપ યાદવે ૨૩ રનમાં બે વિકેટ અને વૉશિંગ્ટન સુંદરે ૧૮ રનમાં એક વિકેટ ઝડપી હતી. બીજી ઇનિંગ્સમાં ૩૧ રનમાં ત્રણ વિકેટ લેનાર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે મૅચમાં ૭૧ રન આપીને સાત વિકેટ ઝડપી હતી. ઘરઆંગણે સિરાજનું હમણાં સુધીનું આ બેસ્ટ ટેસ્ટ-બોલિંગ પ્રદર્શન બન્યું હતું. પહેલી ઇનિંગ્સમાં ૩ વિકેટ લેનાર મુખ્ય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ બીજી ઇનિંગ્સમાં ૬ ઓવરમાં ૧૬ રન આપી વિકેટલેસ રહ્યો હતો. ત્રીજા દિવસની રમતમાં નીતીશ કુમાર રેડ્ડી, યશસ્વી જાયસવાલ અને વૉશિંગ્ટન સુંદર જેવા યંગ પ્લેયર્સે શાનદાર કૅચ પકડીને ટીમની જીતમાં મોટું યોગદાન આપ્યું હતું. 

4

આટલી વખત ભારત માટે એક ટેસ્ટ-મૅચમાં સદી અને ચાર વિકેટ લેવાના રવિચન્દ્રન અશ્વિનના રેકૉર્ડની બરાબરી કરી રવીન્દ્ર જાડેજાએ.

રવીન્દ્ર જાડેજા ભારતમાં ટેસ્ટ-ફૉર્મેટમાં રેકૉર્ડ ૧૦ પ્લેયર ઑફ ધ મૅચ અવૉર્ડ જીત્યો

ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ પોતાની ઘરઆંગણાની પચાસમી ટેસ્ટ-મૅચમાં પ્લેયર ઑફ ધ મૅચ અવૉર્ડ જીતીને મોટો રેકૉર્ડ કર્યો હતો. તેણે ભારતમાં ટેસ્ટ-ફૉર્મેટમાં ૧૦મો પ્લેયર ઑફ ધ મૅચ અવૉર્ડ જીતીને ભૂતપૂર્વ સ્પિનર અનિલ કુંબલેનો ૬૩ ટેસ્ટ-મૅચમાં નવ અવૉર્ડ જીતવાનો રેકૉર્ડ તોડ્યો હતો. ઓવરઑલ રેકૉર્ડમાં જાડેજાએ ૮૬ ટેસ્ટ-મૅચમાં ૧૧મો અવૉર્ડ જીતીને ભૂતપૂર્વ કૅપ્ટન રાહુલ દ્રવિડના ૧૬૩ મૅચમાં ૧૧ અવૉર્ડ જીતવાના રેકૉર્ડની બરાબરી કરી છે. તે બન્ને માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્ડુલકર કરતાં માત્ર એક સ્થાન પાછળ છે. તેણે ૨૦૦ ટેસ્ટ-મૅચમાં ૧૪ અવૉર્ડ જીત્યા છે. 

બન્ને વાર ૫૦ ઓવર પણ ન ટકી શકી વેસ્ટ ઇન્ડીઝની ટીમ

અમદાવાદ ટેસ્ટ-મૅચમાં મહેમાન ટીમ પહેલી ઇનિંગ્સમાં ૪૪.૧ ઓવર અને બીજી ઇનિંગ્સમાં ૪૫.૧ ઓવરમાં ઑલઆઉટ થઈ હતી. બન્ને ઇનિંગ્સમાં વેસ્ટ ઇન્ડીઝની ટીમના કોઈ પ્લેયર્સ ફિફ્ટી પણ નહોતી ફટકારી શક્યા અને ૫૦ ઓવર સુધી ટકી પણ નહોતા શક્યા. વેસ્ટ ઇન્ડીઝ ભારત સામે હમણાં સુધીની સૌથી ઓછી ૮૯.૨ ઓવર રમીને બન્ને ઇનિંગ્સમાં ઑલઆઉટ થયું હતું. આ પહેલાં ૨૦૧૮માં રાજકોટ ટેસ્ટ-મૅચમાં વેસ્ટ ઇન્ડીઝે ૯૮.૫ ઓવર રમીને શરણાગતિ સ્વીકારી હતી. 

test cricket india indian cricket team west indies cricket news sports sports news ahmedabad ravindra jadeja mohammed siraj shubman gill jasprit bumrah washington sundar kl rahul yashasvi jaiswal narendra modi stadium