03 January, 2025 10:11 AM IST | Sydney | Gujarati Mid-day Correspondent
સિડની ટેસ્ટ પહેલાં ભારતીય હેડ કોચ ગૌતમ ગંભીરે પિચ અને સ્ટૅન્ડમાં કૅપ્ટન રોહિત શર્મા અને વાઇસ કૅપ્ટન જસપ્રીત બુમરાહ સાથે લાંબા સમય સુધી કરી ચર્ચા
બ્રેસ્ટ-કૅન્સર અવેરનેસ સાથે આજથી ઑસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG)માં શરૂ થયેલી પાંચમી ટેસ્ટ-મૅચ બૉર્ડર-ગાવસકર ટ્રોફી માટે મહત્ત્વપૂર્ણ છે. ઑસ્ટ્રેલિયન ટીમ ૨-૧થી આ સિરીઝમાં આગળ છે. તેઓ સિડની ટેસ્ટ-મૅચ જીતીને એક દાયકા બાદ ટ્રોફી ઉપાડવાની આશા રાખશે. ભારતીય ટીમ ૨૦૧૪ની સિરીઝ બાદ કાંગારૂ ટીમ સામે ચારેય સિરીઝ જીતી છે જેમાં બે સિરીઝ ઘરઆંગણે અને બે સિરીઝ ઑસ્ટ્રેલિયામાં રમાઈ હતી. ઑસ્ટ્રેલિયામાં આ સિરીઝ જીતવાની હૅટ-ટ્રિક કરવાનું સપનું તૂટી ગયું છે પણ ભારતીય ટીમ સિરીઝ ડ્રૉ કરવા પર નજર રાખશે.
સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર પ્રૅક્ટિસ દરમ્યાન વિરાટ કોહલી સાથે ખૂબ જ ગંભીરતાપૂર્વક વાતચીત કરતો ચીફ સિલેક્ટર અજિત અગરકર
સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર ૧૧૨ ટેસ્ટ-મૅચ રમાઈ છે. ભારતીય ટીમ ૧૩ વખત આ મેદાન પર ટેસ્ટ-મૅચ રમી છે જેમાંથી માત્ર એક વાર કાંગારૂ ટીમને હરાવવામાં સફળ રહી છે. આ મેદાન પર ૧૯૪૭થી બન્ને ટીમ વચ્ચે રમાયેલી ૧૩ મૅચમાંથી ૭ મૅચ ડ્રૉ રહી છે. બન્ને ટીમ વચ્ચે ૨૦૧૫થી ૨૦૨૧ સુધી રમાયેલી છેલ્લી ત્રણ ટેસ્ટ-મૅચ પણ ડ્રૉ રહી છે. ભારતીય ટીમે ૧૯૭૮માં આ મેદાન પર પહેલી વાર એક ઇનિંગ્સ અને બે રને જીત મેળવી હતી, જ્યારે આ મેદાન પર ઑસ્ટ્રેલિયન ટીમ ભારત સામે પાંચ વાર જીતી છે. આ મેદાન પર છેલ્લા એક દાયકાથી પણ વધારે સમયથી કાંગારૂ ટીમ અપરાજિત રહી છે. યજમાન ટીમને છેલ્લે જાન્યુઆરી ૨૦૧૧માં ઇંગ્લૅન્ડ સામે આ મેદાન પર એક ઇનિંગ્સ અને ૮૩ રને હાર મળી હતી ત્યાર પછી આ મેદાન પર ઑસ્ટ્રેલિયા ૧૩ ટેસ્ટ-મૅચ રમ્યું છે જેમાંથી સાત જીત્યું છે અને છ ટેસ્ટ-મૅચ ડ્રૉ રહી છે.
નેટ-પ્રૅક્ટિસ દરમ્યાન શુભમન ગિલને સપોર્ટ કરવા પહોંચ્યાં હતાં તેનાં મમ્મી-પપ્પા, આજે પાંચમી ટેસ્ટમાં ગિલની વાપસી થઈ શકે એવી ચર્ચા છે
પ્લેઇંગ-ઇલેવનમાં મોટા ફેરફારની શક્યતા વચ્ચે જો ભારતીય ટીમ સિડની ટેસ્ટ-મૅચ જીતશે તો ઑસ્ટ્રેલિયાનો વિજયરથ રોકીને ઇતિહાસ રચશે, કારણ કે ભારતીય ટીમ ૪૭ વર્ષ બાદ આ મેદાન પર ટેસ્ટ-મૅચ જીતશે અને ઑસ્ટ્રેલિયન ટીમ ૧૪ વર્ષ બાદ આ મેદાન પર હારશે. વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલ અને બૉર્ડર-ગાવસકર ટ્રોફીનાં રિઝલ્ટ માટે આ ટેસ્ટ-મૅચ નિર્ણાયક બનશે.
સિડની સ્ટેડિયમમાં ટેસ્ટ-જીતનો રેકૉર્ડ |
|
પહેલી બૅટિંગ ટીમ |
૪૭ |
બીજી બૅટિંગ ટીમ |
૪૨ |
ડ્રૉ/નો રિઝલ્ટ |
૨૩ |