midday

ખાડો ખોદે તે જ પડે કહેવત આપણે સૌએ ફરી એક વાર યાદ કરી લેવા જેવી ખરી

20 March, 2025 07:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સવારના પહોરમાં શાક‍વાળાને પૈસા ચૂકવતા હોઈએ ત્યાં તો શૅરમાર્કેટની ટિપ્સ ઝળકે કે જો આ તક ચૂક્યા તો ખલાસ.
પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

રોજ સવારે ઊઠતાંવેંત જેમ અખબારનાં મથાળાં જોવાની ઘરના વડીલોને, પુરુષોને ટેવ હતી અને આજે પણ છે એ જ પ્રમાણે આજે એકવીસમી સદીના પચીસમા વર્ષે ઘરના નાના-મોટા દરેકને સવારે ઊઠતાંવેંત સોશ્યલ મીડિયા તપાસવાની ટેવ છે. ક્યારેક ઊંઘ ઉડાડવા કે કુદરતી હાજતનું દબાણ સરખું થાય એની રાહ જોતાં કે પછી ફર્સ્ટક્લાસ ચાની સોડમ લેતાં-લેતાં સોશ્યલ મીડિયા પર આંટાફેરા લગભગ દરેક જણ મારી આવતું હોય છે. જોકે નિષ્ણાતો, તબીબો, વડીલો સહુ શાણી શિખામણ આપે છે કે ઊઠતાંવેંત ફોનનો ઉપયોગ કરવો નહીં, પણ આ સલાહોની ‘રીલ્સ’ પણ સોશ્યલ મીડિયા પર જ હોય છે. મોબાઇલ અને એના પર સેંકડો-લાખોની સંખ્યામાં ઠલવાતા દેશ-વિદેશ, ધર્મ-જાતિ, કોમ-કંકાસ, પ્રેમ-વિરહ, સંગીત-સાહિત્ય, નાટક-ફિલ્મ, હત્યા અને આત્મહત્યાના સમાચાર ગરમ થયેલા તેલના તાવડામાં એક પછી એક ભજિયાં મુકાતાં જાય એમ આપણી નજર સામે મુકાતા જ જાય છે. શૉપિંગ કરવા જઈએ કે હવે ઘરે દૂધીના દૂધપાકની નવી રેસિપી ટ્રાય કરીએ? એકલતા દૂર કરવા પાડોશીઓ સાથે સંબંધ રાખીએ કે પાડોશીઓ દેખાય કે તરત જ બારણાં બંધ કરી દઈએ? ઘરનોકર રાખીએ? ને રાખીએ તો તેની સાથે બોલીએ એ જોખમી કે ન બોલીએ એ વધારે જોખમી? કાકાસાહેબ કાલેલકરની જેમ ‘હિમાલયના પ્રવાસ’ની જેમ રખડવા નીકળી જવું જોઈએ કે પછી વ્યવસ્થિત ટ્રાવેલ-એજન્ટ પાસે જઈ ટૂર બુક કરવી જોઈએ? અને તેણે પૈસા ડુબાડ્યા કે લઈને ભાગી ગયો તો? માતા-પિતા સાથે રહેવું કે એકલા? દેશમાં સ્થાયી થવું કે વિદેશમાં? નોકરી કરવી કે વ્યવસાય? ઍક્ટિંગ કે મૉડલિંગ? સાદાઈથી જીવન જીવવું કે ફૅશનેબલ રહેવું? વાળ, ચામડી, દાંત, હાડકાં ને મગજ પણ સાબૂત રહે એ માટે દેશી નુસખા અપનાવવા કે અદ્યતન તબીબી શોધખોળ ને સંશોધનના શરણે જવું? વૈદ્યની વિદ્યા કે ડૉક્ટરની ડિગ્રી? ઓહોહો... ને સહુથી વધારે જો તમારી બુદ્ધિની કસોટી થતી હોય તો નાણાકીય વ્યવહાર અને નિવેશ અને આયોજન વિશે. સવારના પહોરમાં શાક‍વાળાને પૈસા ચૂકવતા હોઈએ ત્યાં તો શૅરમાર્કેટની ટિપ્સ ઝળકે કે જો આ તક ચૂક્યા તો ખલાસ. અમુક-તમુક કંપનીના શૅર્સ આજે ૫૦ રૂપિયામાં છે, બે મહિનામાં ૫૦૦ રૂપિયા થઈ જવાના છે.

દરેક સગવડ, દરેક સુવિધા, દરેક સંશોધન, માનવીય મગજની અદ્ભુત ક્ષમતા-શક્તિનું જ પરિણામ છે જે મનુષ્યને ધીરે-ધીરે ‘સુપરહ્યુમન’, ‘મહામાનવી’ બનવા તરફ લઈ જઈ રહ્યું છે. જોકે બુદ્ધિની સાથે વિવેકની આંગળી તો પકડેલી રાખવી જ પડે. ‘ખાડો ખોદે તે જ પડે’ કહેવત ફરી એક વાર આપણે સૌએ યાદ કરી લેવા જેવી ખરી.                -વૈશાલી ​ત્રિવેદી

social media health tips mental health life and style columnists gujarati mid-day technology news mumbai