Mast Rahe Mann: ન્યૂ યર રિઝોલ્યુશન ન બને તમારી ઍંગ્ઝાયટીનું કારણ, બસ આટલું રાખજો ધ્યાન

30 December, 2024 03:24 PM IST  |  Mumbai | Rachana Joshi

Mast Rahe Mann: આજના એપિસોડમાં આપણે મળીશું સલાહકાર મનોચિકિત્સક ડૉક્ટર ખ્યાતિ દેસાઈને અને તેમની પાસેથી જાણીશું ન્યૂ યર રિઝોલ્યુશન તમારા માનસિક સ્વાસ્થ્ય પર કેવી અસર કરે છે

તસવીર ડિઝાઇન: કિશોર સોસા

અમુક દાયકા પહેલાં ઍન્ગ્રી યંગ મેન માત્ર ફિલ્મોમાં જ જોવા મળતાં પણ હવે જમાનો બદલાતા આપણને બસમાં, ટ્રેનમાં કે રસ્તામાં દરરોજ આવા એકાદ પાત્રના દર્શન થાય છે. માત્ર એ જ નહીં પણ વાસ્તવિક જીવનમાં તમને સિંઘમની જેમ ‘આતા માઝી સટકેલ’ કહેતા અને ‘એનિમલ’ના રણવિજય સિંહ જેવા પાત્રો પણ આજુબાજુ ફરતાં જોવા મળશે, થેન્સ ટુ આજની આધુનિક જીવનશૈલી, જે ત્રણ ટી (T)થી વણાયેલી છે. પહેલો ટી ટેકનોલોજીનો, બીજો ટી ટ્રાન્સફોર્મેશનનો અને આ બંને થકી સતત આગળ રહેવાની હોડમાં રહેતા લોકો માટે ત્રીજો ટી ટેન્શનનો. આ વાત સવાલ ઊભો કરવા કે કોઈના માથે માછલાં ધોવા માટે અમે કરી નથી, મુદ્દો છે જવાબ શોધવાનો... મગજને શાંત રાખવાનો... લાંબાગાળાની માનસિક બીમારી ટાળવાનો... અને મનને મસ્ત રાખવાનો! ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે એક વિશેષ પેશકશ ‘મસ્ત રહે મન’ (Mast Rahe Mann) જેમાં આપણે દર પખવાડિયે એક નવા પ્રશ્ન સાથે મળીશું સાયકોલોજિસ્ટને અને તેમની પાસેથી જાણીશું મનને મસ્ત કેવી રીતે રાખવું!

‘મસ્ત રહે મન’ (Mast Rahe Mann)ના ગત એપિસોડમાં આપણે જાણ્યું કે ઓસીડી શું છે અને તેની ઓળખ કઈ રીતે કરી શકાય. ત્યારે આપણે વાત કરી હતી કે, આગળના એપિસોડમાં આપણે જાણીશું કે તેનાથી છૂટકારો કઈ રીતે મેળવી શકાય. પરંતુ હવે ન્યૂ યર ૨૦૨૫ (New Year 2025)ને ગણતરીના કલાકો બાકી છે ત્યારે અમે વિચાર્યું કે, આજે આ જ વિષય પર તમારી સાથે થોડીક માહિતી શૅર કરીએ. ત્યારબાદ આવતા એપિસોડમાં ફરી વાત કરીશું ઓબ્સેસિવ કંપલ્સિવ ડિસઓર્ડર વિશે.

ન્યૂ યર ૨૦૨૫ (New Year 2025) આ સાંભળતા જ મનમાં એક બાબત પહેલા આવે અને તે છે સંકલ્પ (New Year`s Resolutions). નવા વર્ષે રિઝોલ્યુશન લેવાનો ટ્રેન્ડ આજકાલના યંગસ્ટર્સમાં બહુ જ ચાલે છે. રિઝોલ્યુશન અને ઍંગ્ઝાયટીને સંબંધ હોય ખરો? આજના ‘મસ્ત રહે મન’ (Mast Rahe Mann)ના એપિસોડમાં આપણે મળીશું સલાહકાર મનોચિકિત્સક (Consultant Psychiatrist) ડૉક્ટર ખ્યાતિ દેસાઈ (Dr. Khyati Desai)ને અને તેમની પાસેથી જાણીશું, ન્યૂ યર ૨૦૨૫ માટે કોઈપણ જાતના તણાવ કે ચિંતા વગર રિઝોલ્યુશન કઈ રીતે લઈ શકાય છે.

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે ‘મસ્ત રહે મન’ (Mast Rahe Mann)માં વાતચીત કરતા ડૉક્ટર ખ્યાતિ દેસાઈ જણાવે છે કે, ‘ન્યૂ યર રિઝોલ્યુશન સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ માટે હોય છે. વ્યક્તિને કોઈ સારી આદત કેળવવી હોય કે ખરાબ આદતમાંથી છુટકારો મેળવવો હોય તેને ધ્યાનમાં રાખીને તે રિઝોલ્યુશન લે છે. આજકાલ લોકો સોશ્યલ પ્રેશરમાં રિઝોલ્યુશન લે છે તેને કારણે તણાવ અને ઍંગ્ઝાયટી આવે છે. દાખલા તરીકે લોકો બીજાને દેખાડી દેવા માટે, બીજાને ખોટા પાડવા માટે કંઈક સંકલ્પ લેતા હોય છે. પણ એ યોગ્ય નથી. રિઝોલ્યુશન એવું લો જે કાર્ય કે એક્ટિવિટી તમને કરવાની ઇચ્છા થતી હોય, દેખાદેખી કે પછી દેખાડી દેવા માટે રિઝોલ્યુશન માત્રને માત્રને નેગેટિવિટી અને સ્ટ્રેસ તરફ દોરી જશે. હંમેશા યાદ રાકવાનું કે, રિઝોલ્યુશન પોતાની જાત માટે છે.’

‘બે ટાઇપના ગોલ હોય છે, રિયાલિસ્ટિક ગોલ્સ અને અનરિયાલિસ્ટિક ગોલ્સ. જો તમારું રિઝોલ્યુશન રિયાલિસ્ટિક ગોલ્સનું હશે તો એ તમારી ક્ષમતાને આધારે હશે એટલે તમે તેને પ્રાપ્ત કરવાની કોશિશ કરશો. તેનાથી વિપરિત જો તમે અનરિયાલિસ્ટિક ગોલ્સનું રિઝોલ્યુશન કરશો તો તેને પ્રાપ્ત નહીં કરી શકો અને તેને લીધે ઍંગ્ઝાયટી થશે. દાખલા તરીકે – તમે વિચારો કે એક મહિનામાં મારે ૭ કિલો વજન ઉતારવું છે તો તે ઉતરી જાય પણ જો તમે એવું રિઝોલ્યુશન લો કે એક મહિનામાં ૧૭-૨૦ કિલો વજન ઉતારીશ તો એ શક્ય નથી. બીજી બાબત એ કે, લૉન્ગ ટાઇમ ગોલ્સ સેટ કરો અને પછી એને અચિવેબલ ગોલ્સમાં રુપાંતર કરો. એ માટે તમે તમારા ગોલ્સને એક ડાયરીમાં લખવાનું રાખો. પ્લાનિંગ કરો. તમારા રોજિંદા કાર્યમાં એ થોડું થોડું થોડું ઉમેરતા જાઓ. ધીમે-ધીમે એ રિઝોલ્યુશનને તમારું રુટિન બનાવો. આ રીતે તમારા રિઝોલ્યુશન તમને સ્ટ્રેસ નહીં આપે.’, એમ ડૉક્ટર ખ્યાતિએ ઉમેર્યું હતું.

આગળ કરતા ડૉક્ટર ખ્યાતિ દેસાઈ જણાવે છે કે, ‘નવા વર્ષે ઉત્સાહમાં એકસાથે ચાર-પાંચ રિઝોલ્યુશન તો લઈ લઈએ છીએ પણ પછી તેને પાળી શકાતું નથી. એટલે નવા વર્ષે શરુઆત માત્ર એક રિઝોલ્યુશનથી કરો. ૧૫-૨૦ દિવસ એક રિઝોલ્યુશન પર કામ કર્યા બાદ બીજું રિઝોલ્યુશન તમારા ટુ ડુ લિસ્ટમાં ઉમેરો. આમ ધીમે-ધિમે એક એક રિઝોલ્યુશન પર કાર્ય કરવાનું શરુ કરો તેથી તમને સ્ટ્રેસ અને ઍંગ્ઝાયટી નહીં થાય. તેમજ ગોલ્સ અચિવમેન્ટ માટે પોતાની જાતને રિવૉર્ડ આપો. રિઝોલ્યુશન એટલા માટે જ છે કે, તમે એક ચોક્કસ વસ્તુ પામી નથી શકતા એટલે તેને પ્રાપ્ત કરવાનું નક્કી કર્યું. એકાદ દિવસ જો ન થાય તો હતાશ થઈને છોડી નહીં દેવું. એના કરતા તમારા રિઝોલ્યુશન માટે બીજા દિવસે ફરી મહેનત કરવાનું શરુ કરો. તો તમારો રિઝોલ્યુશન સુધીનો માર્ગ સરળ થઈ જશે.’

ન્યૂ યર ૨૦૨૫નું રિઝોલ્યુશન લેતા તમે પણ આ બાબતો ધ્યાનમાં રાખજો.

mast rahe mann exclusive gujarati mid-day mental health health tips healthy living new year happy new year festivals life and style columnists rachana joshi