શુભ મેળો-કુંભ મેળો પ્રકરણ ૪૯ : ઉપવાસથી શારીરિક ઉપરાંત બીજા કયા ફાયદા થાય છે?

20 February, 2025 11:37 AM IST  |  Mumbai | Mukesh Pandya

ઉપવાસ કરવાથી એ દિવસ પૂરતો આપણા મન પર સંયમ આવે છે. ગમે એટલાં બત્રીસ પકવાન આપણી આસપાસ પડ્યાં હોય, મન પણ થાય; પરંતુ ઉપવાસને લીધે ખાઈ નથી શકાતું.

કુંભ મેળો

ઉપવાસથી કેવા શારીરિક ફાયદા થાય છે એ આપણે જોયું. હવે ઉપવાસથી માનસિક અને આધ્યાત્મિક લાભ પણ કેવી રીતે મળે છે એ આપણે જોઈએ.

ઉપવાસ કરવાથી એ દિવસ પૂરતો આપણા મન પર સંયમ આવે છે. ગમે એટલાં બત્રીસ પકવાન આપણી આસપાસ પડ્યાં હોય, મન પણ થાય; પરંતુ ઉપવાસને લીધે ખાઈ નથી શકાતું. એને કારણે મનોબળ વધે છે. ક્યારેક જીવનમાં કોઈ યાત્રાપ્રવાસમાં કે કોઈક કપરા સંજોગોમાં પૂરતું ખાવા-પીવા ન મળે તો પણ ઉપવાસની પ્રૅક્ટિસ હોય તો ભૂખ સહન કરી શકાય છે.

ઉપવાસ કરવાથી શરીર અને મનને કષ્ટ તો પડે જ છે, પરંતુ એ કષ્ટ આપણા સારા માટે છે. કેવી રીતે એ હવે આપણે જોઈએ.

કર્મનો સિદ્ધાંત છે કે તમે જેવું કર્મ કર્યું હોય એવું તમને ફળ મળે. એમાં કોઈ મીનમેખ નથી. આપણાથી જાણે-અજાણે કોઈ સત્કર્મ કે દુષ્કર્મ થયાં હોય એની સારી કે ખરાબ છાપ આપણા આત્મારૂપી સી.ડી. પર અંકિત થઈ જાય છે.

જેમ કોઈ કંપનીની પ્રોફાઇલ કે હિસ્ટરી કોઈ સી.ડી. કે પેન ડ્રાઇવ પર અંકિત થાય અને પછી ગ્રાહક એ જોઈને કંપની સાથે કેવો અને કેટલો વ્યવહાર કરવો એ નક્કી કરે છે એ જ રીતે સનાતન ધર્મમાં આપણા કર્મનો ઇતિહાસ ચિત્રગુપ્તના ચોપડે નોંધાય છે અને એ પ્રમાણે આપણી જોડે વ્યવહાર થાય છે એેટલે કે કર્મનું ફળ મળે છે.

કમ્પ્યુટરની સી.ડી. કદાચ કરપ્ટ થઈ શકે, બગડી શકે; પરંતુ ચિત્રગુપ્તનો ચોપડો કે સી.ડી. કદી કરપ્ટ થતાં નથી. આપણાથી જાણે-અજાણે જે સત્કર્મ કે દુષ્કર્મ થયાં હોય એનાં એટલાં જ સારાં કે ખરાબ ફળ ભોગવવાં જ પડે છે. આ અલૌકિક દુનિયામાં કોઈ લાગવગ ચાલતી નથી. આ સમજવા માટે એક ઉદાહરણ જોઈએ.

ધારો કે તમે ૪ કિલો જેટલાં જાણતાં કે અજાણતાંમાં દુષ્કર્મ કર્યાં હોય તો ૪ કિલો જેટલાં કષ્ટ (ફળ) ભોગવવાં જ પડે. હવે અહીંથી જ ઉપવાસ, વ્રત કે બાધાની ભૂમિકા શરૂ થાય છે.

આ બધી પ્રક્રિયાઓ કષ્ટદાયી હોય છે; પરંતુ એ આપણી ઇચ્છાએ, આપણી અનુકૂળતાએ ભોગવેલાં કષ્ટ હોય છે. આપણા કર્મનાં ફળ આપણે વિવિધ કષ્ટોના રૂપમાં જ ભોગવવાં પડે છે. પછી એ કષ્ટ શારીરિક પણ હોઈ શકે કે માનસિક પણ હોઈ શકે. હવે જો એ તકલીફ બહારથી અજાણતાં જ આવી પડે તો જીરવવી મુશ્કેલ થઈ જાય છે; પરંતુ આપણે જાતે જ આપણા તન, મન અને આત્માને ઉપવાસના રૂપમાં જાણીજોઈને, સમજી-વિચારીને કષ્ટ આપી દીધું હોય તો બહારથી અચાનક આવી પડતી મુશ્કેલીઓ ટાળી શકાય છે. ધારો કે આપણાથી ૪ કિલો દુષ્કર્મ થયાં છે અને ઉપવાસ કે આકરી બાધા-વ્રત દ્વારા આપણે બે કિલો જેટલાં કષ્ટ ભોગવી લીધાં છે તો હવે બહારથી અચાનક આવતી તકલીફો બે કિલો જેટલી અર્થાત્ અડધી થઈ જશે. હજી વધુ કષ્ટ આપણે જાતે જ ભોગવી લીધાં હોય તો બહારથી આવતી તકલીફો શૂન્ય બની જાય છે. કુંભમેળામાં આવતા સાધુ-સંતો તો વળી અનેક આકરી તપશ્ચર્યા કરતા હોય છે એટલે તેમને તો કષ્ટને બદલે અનેક સિદ્ધિઓ પણ પ્રાપ્ત થઈ શકે છે. હવે આ સિદ્ધિઓ બદલ જો કોઈ સાધુને અહંકાર થાય તો વળી પાછું તેમના આત્માને દુ:ખ થાય છે અને એ આત્મારૂપી ચોપડા કે સી.ડી. પર અંકિત થઈ જાય છે અને જીવનના છેલ્લા ધ્યેય એટલે કે મોક્ષથી વંચિત રહી જાય છે.

ચિત્રગુપ્ત નામ પણ કેટલું સાંકેતિક છે. આપણાં બધાં કર્મોનું ચિત્ર કે ફોટો તે ગુપ્ત રીતે પાડે છે અને છેક સુધી ગુપ્ત રાખે છે જેથી કોઈ પણ શક્તિ એને પ્રભાવિત ન કરી શકે. સામાન્ય માનવી તો છોડો; કોઈ સાધુ-સંત, રાજા-મહારાજા કે પછી અવતારના રૂપમાં ખુદ ઈશ્વર કેમ ન પધાર્યા હોય એ પણ જો કોઈ ભૂલ કરે તો એની એટલી જ સજા તેમણે ભોગવવી જ પડે છે.

રામ કે કૃષ્ણ જેવા અવતારી પુરુષોએે પણ માનવજીવનમાં જે ભૂલો થઈ હોય એની સજા ખુશી-ખુશી સહન કરી જ છે.

જો આ શિવરાત્રિએ આપણે સાચા વૈજ્ઞાનિક ઉપવાસ-વ્રત કરીએ અને સંતાનોને પણ એમ કરવાની પ્રેરણા આપીએ તો શરીર તો નીરોગી બનશે જ, સાથે-સાથે મનની બીમારી પણ દૂર ભાગશે.

જીવનમાં બહારથી ખરાબ સમાચારને બદલે સારા સમાચાર પણ આવી શકે છે.

પાપકર્મોનો નાશ કરી શકીએ છીએ અને પુણ્યનો ઉદય પણ કરી શકીએ છીએ, પોતાની રીતે વધુ ને વધુ કષ્ટ સહીને સિદ્ધિઓ પણ પ્રાપ્ત કરી શકીએ છીએ. એમાં વળી કામ, ક્રોધ, મોહ-માયા-અભિમાન અને અદેખાઈ જેવા દુર્ગુણોથી બચી શકીએ તો કુંભમેળામાં ગયા વગર ઘેરબેઠાં પણ મોક્ષ પ્રાપ્ત કરી શકીએ છીએ, જીવન-મરણના ચક્કરમાંથી મુક્તિ મેળવી શકીએ છીએ અને જીવને શિવમાં પરિવર્તિત કરી શકીએ છીએ.

(ક્રમશઃ)

culture news life and style prayagraj religious places health tips mental health columnists gujarati mid-day mumbai