કચ્છી જૈન સમાજ દ્વારા અનોખો નિર્ધાર, અનોખી પહેલ: અંબરનાથમાં જ બનવી જોઈએ મલ્ટી-સ્પેશ્યલિટી હૉસ્પિટલ

13 February, 2026 09:52 AM IST  |  Mumbai | Rohit Parikh

હવે કોઈનો જીવ ન જવો જોઈએ, અંબરનાથમાં જ બનવી જોઈએ મલ્ટી-સ્પેશ્યલિટી હૉસ્પિટલ

પાંચ કરોડ : જયંતીભાઈ નાગડાના પરમ મિત્ર વિસનજી વીરાએ હૉસ્પિટલ માટે આટલા રૂપિયાનું દાન જાહેર કર્યું. તેમનાં પત્ની સાકરબહેનનું પણ સમયસર સારી સારવાર ન મળવાને કારણે અવસાન થયું હતું.

તાજેતરમાં જયંતીભાઈ નાગડાનું ટ્રીટમેન્ટ માટે મુંબઈ લઈ જતી વખતે અવસાન થયું અને અગાઉ પણ આવા કિસ્સા બન્યા હતા એને પગલે આધુનિક હૉસ્પિટલનું નિર્માણ કરવાની તૈયારી શરૂ, સાથે દાનની સરવાણી પણ શરૂ

અંબરનાથ ગુજરાતી સમાજના અગ્રણી ૭૨ વર્ષના જયંતીભાઈ નાગડાની યોગી સભાગૃહમાં બુધવારે પ્રાર્થનાસભા અને ત્યાર બાદ યોજાયેલી શ્રદ્ધાંજલિ શોકસભામાં અંબરનાથ સંઘના મુખ્ય પ્રણેતા સખીદિલ દાતા વિસનજી વીરાએ અંબરનાથ શહેરમાં જેની અત્યંત જરૂર છે એવી લાઇફ સ્પોર્ટર સહિતની વિવિધ સગવડભરી અત્યંત આધુનિક હૉસ્પિટલ ગુજરાતી અને કચ્છી સમાજ દ્વારા નિર્માણ પામે એવા ઉદ્દેશ સાથે માતબર રકમનું દાન જાહેર કર્યું છે. તાજેતરમાં કચ્છી-ગુજરાતી સમાજની ત્રણેક વ્યક્તિઓએ મુંબઈ સુધી પહોંચવાના યોગ્ય સમયના અભાવે જીવ ગુમાવ્યા હતા.

રવિવારે જયંતીભાઈને સવારે હાર્ટ-અટૅક આવ્યો હતો. અંબરનાથમાં કોઈ અત્યંત સુવિધાજનક હૉસ્પિટલ ન હોવાથી ડૉક્ટરોએ જયંતીભાઈના પરિવારજનોને કિંગ્સ સર્કલની કિકાભાઈ હૉસ્પિટલ એટલે કે શ્રીમતી એસ. આર. મહેતા ઍન્ડ સર કે. પી. કાર્ડિઍક હૉસ્પિટલમાં લઈ જવાની સલાહ આપી હતી. પરિવારજનો તેમને ઍમ્બ્યુલન્સમાં લઈ જઈ રહ્યા ત્યારે રસ્તામાં જ જીવરાજભાઈની તબિયત વધુ લથડી હતી જેમાં તેમનું મૃત્યુ થયું હતું.

આ બાબતે જીવરાજભાઈના મોટા પુત્ર મહેન્દ્ર નાગડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પપ્પા સાથે જે બનાવ બન્યો એવા બનાવ અંબરનાથમાં વારતહેવારે બનતા રહે છે. આ મહિનામાં જ પપ્પા સાથે સામાજિક ક્ષેત્રે અગ્રણી વિસનજી લીલાધર વીરાનાં પત્ની સાકરબહેનને પણ અંબરનાથમાં મલ્ટીસ્પેશ્યલિટી હૉસ્પિટલ ન હોવાથી સારવાર માટે ડૉમ્બિવલી લઈ જઈ રહ્યાં હતાં ત્યારે તેમનું પણ સમયસર સારવાર ન મળતાં મૃત્યુ થયું હતું.’

જોકે હવે અંબરનાથમાં આવી આધુનિક હૉસ્પિટલનું નિર્માણ થતાં આવા બનાવ નહીં બને. અંબરનાથના દરેક નાગરિકોનો મેડિકલ ઇમર્જન્સીમાં મુંબઈની હૉસ્પિટલ સુધી લઈ જવાનો સમય બચશે એમ જણાવતાં કચ્છી વીસા ઓસવાળ જૈન સમાજના સામાજિક કાર્યકર હસમુખ હરિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ટૂંક સમયમાં અંબરનાથમાં સારવાર ન મળતાં જયંતીભાઈ અને સાકરબહેન સહિત ત્રણ વ્યક્તિએ જીવ ગુમાવવાથી વ્યથિત થયેલા વિસનજી વીરાએ પાંચ કરોડ રૂપિયાના માતબર દાનની જયંતીભાઈની શોકસભામાં જાહેરાત કરીને સમાજ દ્વારા અંબરનાથમાં આધુનિક હૉસ્પિટલનું નિર્માણ થાય એ માટે પહેલ કરી છે.’

 

mumbai news mumbai ambernath gujarati community news gujaratis of mumbai kutchi community jain community rohit parikh heart attack