13 February, 2026 07:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટીટા પરિવાર જેમાં પ્રવાસ કરી રહ્યો હતો એ રિક્ષા અને નીલેશ ટીટા
ઓવરટેક કરીને અચાનક બ્રેક મારી એટલે ટ્રૅક્ટરનો પાછળનો ભાગ અથડાયો રિક્ષા સાથે, આ અકસ્માતમાં જીવ ગયો મુલુંડના નીલેશ ટીટાનો: દ્વારકા-પોરબંદર હાઇવે પરના આ અકસ્માતમાં નીલેશભાઈનાં પત્ની અને સાસુ ગંભીર ઈજાગ્રસ્ત : અકસ્માત પછી મદદ કરવાને બદલે ટ્રૅક્ટરનો ડ્રાઇવર ભાગી ગયો : નીલેશ ટીટાના આજે મુલુંડમાં અંતિમ સંસ્કાર
દ્વારકા-પોરબંદર હાઇવે પર ભોગાત ગામ નજીક મંગળવારે સાંજે થયેલા ગંભીર માર્ગ-અકસ્માતમાં મુલુંડ-વેસ્ટના બી. પી. ક્રૉસ રોડ પર આવેલા કોઠારી એસ્ટેટમાં રહેતા ૫૪ વર્ષના નીલેશ ટીટાનું મોત નીપજ્યું હતું, જ્યારે તેમનાં ૪૮ વર્ષનાં પત્ની અસ્મિતાબહેન અને ૬૮ વર્ષનાં સાસુ કમળાબહેન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં હતાં. દ્વારકાની કલ્યાણપુર પોલીસે અજાણ્યા ટ્રૅક્ટર-ડ્રાઇવર સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. નીલેશભાઈ પરિવાર સાથે દ્વારકા દર્શન કરવા ગયા હતા. મંગળવારે સાંજે દર્શન કર્યા બાદ રિક્ષામાં પોરબંદરનાં હર્ષદી માતાજીનાં દર્શન કરવા પાછા ફરી રહ્યા હતા ત્યારે અજાણ્યા ટ્રૅક્ટરચાલકે બેદરકારીપૂર્વક રિક્ષાને ઓવરટેક કરીને અચાનક બ્રેક મારતાં રિક્ષા ટ્રૅક્ટરના પાછળના ભાગમાં અથડાતાં અકસ્માત થયો હતો. અકસ્માતમાં નીલેશભાઈને ગંભીર ઈજાઓ થતાં તેમનું મોત થયું હતું. અસ્મિતાબહેનની પોરબંદરની ભવસિંહજી હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આજે નીલેશભાઈની ડેડબૉડી મુંબઈ લાવીને વિધિવત્ અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
ઓવરટેકને લીધે થયો અકસ્માત
નીલેશભાઈની પુત્રી તન્વી ટીટાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું, પપ્પા, મમ્મી અને મારી નાની બે બહેનો નેહલ અને ભૂમિ મુંબઈથી પહેલાં અમારા વતન વેરાવળ ગયાં હતાં. ત્યાં અમારાં કુળદેવીનાં દર્શન કર્યા બાદ અમે દ્વારકા ફરવા આવ્યાં હતાં. ત્યાં પાછળથી અમારી સાથે મારાં નાની પણ જોડાયાં હતાં. મંગળવારે બપોર સુધી દ્વારકાનાં તમામ મંદિરોનાં દર્શન કરીને પોરબંદરમાં આવેલા હર્ષદી માતાના મંદિરમાં દર્શન કરવા માટે રિક્ષામાં નીકળ્યાં હતાં. રિક્ષામાં મમ્મી, પપ્પા અને નાની વચ્ચેની સીટ પર બેઠાં હતાં, જ્યારે અમે ત્રણેય બહેનો પાછળની સીટ પર બેઠી હતી. ભોગાત ગામ નજીક પહોંચતાં જ એક ટ્રૅક્ટરચાલકે ઓવરટેક કરીને અચાનક બ્રેક મારતાં અમારી રિક્ષા ટ્રૅક્ટર સાથે જોરદાર અથડાઈ હતી. અકસ્માતમાં પપ્પા રિક્ષામાં ફસાઈ ગયા હતા. એ સમયે મમ્મી અને નાની બેભાન અવસ્થામાં હતાં એટલે મેં બહાર આવીને ટ્રૅક્ટરચાલકને ટ્રૅક્ટર આગળ લેવા વિનંતી કરી, પરંતુ તે ત્યાંથી નાસી ગયો હતો. અકસ્માત બાદ માંડ-માંડ પપ્પાને અમે બહાર કાઢ્યા હતા. ત્યારે પપ્પાને બન્ને હાથ અને પગમાં ગંભીર તેમ જ આંતરિક ઈજાઓ થઈ હતી. મમ્મીને મોઢા પર, કમરના ભાગમાં અને ડાબા પગમાં ગંભીર ઈજાઓ થઈ હતી; જ્યારે નાનીને માથા અને ડાબા હાથમાં ફ્રૅક્ચર થયું હતું. અમને ત્રણેય બહેનોને સામાન્ય ઈજાઓ થઈ હતી. મેં તાત્કાલિક 108 ઍમ્બ્યુલન્સને ફોન કરીને મદદ માગી હતી. થોડા સમયમાં અમને બધાને ઍમ્બ્યુલન્સ દ્વારા સરકારી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં, જ્યાં પપ્પાનું દુર્ભાગ્યે અવસાન થયું હતું. મમ્મીની બુધવારે સર્જરી કરવામાં આવી છે અને હાલ તેઓ થોડા સમય સુધી ચાલી શકે એમ નથી, જ્યારે નાનીને પણ હાલ હૉસ્પિટલમાં રાખવામાં આવ્યાં છે.’
આજે નીલેશભાઈના મુલુંડમાં અંતિમ સંસ્કાર
તન્વી ટીટાએ કહ્યું હતું કે ‘અકસ્માતમાં રિક્ષા-ડ્રાઇવર સહિત અમે બધા જ લોકો લોહીલુહાણ હાલતમાં હતા. મારા પપ્પા રિક્ષામાં એવી રીતે અટવાઈ ગયા હતા કે તેમને તાત્કાલિક બહાર કાઢીને હૉસ્પિટલ સુધી પહોંચાડીને સારવાર કરાવવાની અત્યંત જરૂર હતી. આવી ગંભીર પરિસ્થિતિ હોવા છતાં ટ્રૅક્ટરચાલકે અમને હૉસ્પિટલમાં પહોંચાડવાને બદલે ત્યાંથી નાસી જવાનું પસંદ કર્યું હતું. મારી માગણી છે કે આ ટ્રૅક્ટરચાલક સામે કડક કાર્યવાહી કરવામાં આવે, કારણ કે તેની બેદરકારીના કારણે અમે અમારા ઘરના મોભીને ગુમાવી દીધા છે. ગઈ કાલે ઍમ્બ્યુલન્સમાં પપ્પાને મુંબઈ લાવવામાં આવ્યા છે. આજે તેમના મુલુંડમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. જોકે આ અંતિમ સંસ્કારમાં મમ્મી હાજર નહીં રહી શકે, કારણ કે તે હૉસ્પિટલમાં ઍડ્મિટ છે.’
શું કહેવું છે પોલીસનું?
દ્વારકાના કલ્યાણપુર પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હાઇવે પર લાગેલા CCTV કૅમેરાનાં ફુટેજ અને ટેક્નિકલ તપાસના આધારે અમે ટ્રૅક્ટરચાલકની શોધ શરૂ કરી છે. આ ઉપરાંત ટ્રૅક્ટરને શોધવા માટે નજીકના ગ્રામજનોની પણ મદદ લેવામાં આવી રહી છે.’