08 July, 2024 07:20 AM IST | Mumbai | Shailesh Nayak
સરસપુરમાંથી પસાર થઈ રહેલી રથયાત્રામાં માનવમહેરામણ ઊમટ્યો હતો. ( તસવીર - જનક પટેલ)
જગતના નાથ સામે ચાલીને ગઈ કાલે અમદાવાદના નગરજનોને દર્શન આપવા નીકળ્યા ત્યારે ભક્તો અક્ષત કુમકુમથી જગતના નાથને શ્રદ્ધા અને ભાવપૂર્વક વધાવી દર્શન કરીને ભાવવિભોર બન્યા હતા. રવિવારની રજા હોવાથી ૧૪૭મી રથયાત્રામાં સાધુ-સંતો સાથે ભક્તજનોનો મહાસાગર ઊમટ્યો હતો અને ભક્તિભાવ તથા હર્ષોલ્લાસ સાથે આધ્યાત્મિકતાના વાતાવરણમાં રથયાત્રા રંગેચંગે સંપન્ન થઈ હતી. ભગવાન જગન્નાથજીએ નગરયાત્રા કરીને સામે ચાલીને પ્રજા વચ્ચે જવાનો એક શુભ સંદેશ અને સંકેત આપ્યો હતો.
અમદાવાદના જગન્નાથ મંદિરમાંથી ગઈ કાલે વિશ્વપ્રસિદ્ધ રથયાત્રા નીકળી હતી. વહેલી પરોઢે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ મંદિર પહોંચ્યા હતા અને મંગળા આરતી ઉતારી હતી. અમિત શાહ વર્ષોથી મંગળા આરતીમાં સહભાગી થાય છે અને આસ્થાપૂર્વક પ્રભુના દરબારમાં શીશ નમાવીને આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવે છે. મંગળા આરતી બાદ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજીને રથમાં બિરાજમાન કરાવ્યાં હતાં. ત્યાર બાદ ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ જગન્નાથ મંદિર પહોંચ્યા હતા અને સોનાની સાવરણીથી પ્રભુનો રથ અને રસ્તો સાફ કરવાની પહિંદ વિધિ કરી હતી અને રથ ખેંચીને રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. એ તબક્કે ગુજરાતના ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી, અમદાવાદનાં મેયર પ્રતિભા જૈન સહિતનાં અગ્રણીઓ ઉપસ્થિત હતાં.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને તેમનો પરિવાર જગન્નાથ મંદિરમાં વહેલી પરોઢે મંગળા આરતીમાં સહભાગી થયા હતા.
ગઈ કાલે અષાઢી બીજે કચ્છી નૂતન વર્ષના અવસરે સૌ કચ્છી ભાઈ-બહેનોને નવા વર્ષની તેમ જ રથયાત્રાના પાવન પર્વની શુભેચ્છા આપીને ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે ‘ગુજરાત તથા સમગ્ર દેશમાં કાયમ સદ્ભાવના, એકતા, શાંતિ અને સમૃદ્ધિનું વાતાવરણ બની રહે એવી પ્રભુ જગન્નાથજીને પ્રાર્થના. રથયાત્રાના અવસરે ભગવાન સામે ચાલીને નગરજનોને દર્શન આપવા નીકળે છે જેનાથી સૌને સુખ અને શાંતિનો અહેસાસ થાય છે. રથયાત્રા એ સાચા અર્થમાં લોકોત્સવ છે.’
ભાવનગરની રથયાત્રામાં યુવતીઓનાં કરતબથી લોકો દંગ રહી ગયા
ભાવનગરમાં ગઈ કાલે યોજાયેલી રથયાત્રામાં દુર્ગાવાહિનીની ૪૦ યુવતીઓના લાઠીદાવ, તલવારદાવ, ચક્રદાવ સહિતનાં કરતબોથી ઉપસ્થિત લોકો દંગ રહી ગયા હતા. યુવતીઓ ઉપરાંત યુવાનોએ પણ વિવિધ દાવપેચ કરીને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.
અમદાવાદ ઉપરાંત સુરત, રાજકોટ, વડોદરા, અડાલજ, અંબાજી, બોટાદ, પાટણ, મહેસાણા, ભરૂચ, વાપી, બોડેલી સહિત ગુજરાતમાં ઠેર-ઠેર રથયાત્રા યોજાઈ હતી. ગુજરાતનાં નાનાં-મોટાં શહેરો અને નગરોમાંથી કુલ ૧૩૬ રથયાત્રાઓ તેમ જ ૭૩ શોભાયાત્રાઓ ભક્તિભાવભર્યા વાતાવરણમાં યોજાઈ હતી.
કેટલો પ્રસાદ વહેંચાયો?
૩૦ હજાર કિલો મગ
૫૦૦ કિલો જાંબુ
૫૦૦ કિલો કેરીનો પ્રસાદ વહેંચાયો હતો અને બે લાખ ઉપરણાનું ભક્તોમાં વિતરણ થયું
ભારત T20 વર્લ્ડ કપ જીત્યું એનો ફીવર અમદાવાદમાં નીકળેલી રથયાત્રામાં પણ જોવા મળ્યો હતો. ઓછામાં ઓછી ચાર ટ્રકમાં વર્લ્ડ કપની ટ્રોફી, વિરાટ કોહલી, રોહિત શર્મા સહિતના ક્રિકેટરોનાં મોટાં પોસ્ટર સાથે ટેબ્લો શણગારાયા હતા. એક ટ્રકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો માસ્ક પહેરેલી વ્યક્તિ સાથે ટીમ ઇન્ડિયાનું ટી-શર્ટ પહેરીને યુવાનો જોવા મળ્યા હતા. વર્લ્ડ કપના ટેબ્લોએ લોકોમાં આકર્ષણ જગાવ્યું હતું. એક ટેબ્લોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનુ કટઆઉટ જોવા મળ્યું હતું. આ કટઆઉટના હાથમાં સંવિધાન હતું અને એને માથે ચડાવી પગે લાગતા હોય એવું કટઆઉટ બનાવાયું હતું.
મહાનુભાવોનાં ચિત્રો શરીર પર પેઇન્ટ કરીને કેટલાક લોકો રથયાત્રામાં જોડાયા હતા.
રથયાત્રાના ચમકારા
રથાયાત્રાની આગેવાની ૧૮ હાથીઓએ લીધી હતી અને મલપતી ચાલે તેઓ અમદાવાદમાં ફર્યા હતા. હાથીઓની પાછળ વિવિધ શુષોભન કરેલી ટ્રકો એક પછી એક પસાર થઈ હતી, જેમાં અંગદાનનો અને વિવિધ ઊર્જાનો મેસેજ આપતા ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું હતું.
રથયાત્રામાં ભજનમંડળીઓએ ભજનની રમઝટ બોલાવી હતી અને ભક્તો એમાં રસવિભોર બનીને ઝૂમ્યા હતા.
૧૦૦૦થી વધુ ખલાસી ભાઈઓએ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજીના રથ ખેંચ્યા હતા.
૧૪૭મી રથયાત્રામાં એકતા, અખંડિતતા અને ભાઈચારાનાં દર્શન થયાં હતાં. રથયાત્રાના રંગે મુસ્લિમ સમાજ રંગાયો હતો. જમાલપુર વિસ્તારમાં તાજિયા કમિટીએ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ અને રથયાત્રાને ભાવપૂર્વક વધાવી હતી અને જલેબી વહેંચી હતી. અમદાવાદનો જમાલપુર વિસ્તાર હોય, દરિયાપુર કે કાળુપુર હોય કે શાહપુર મુસ્લિમ સમાજની બહુમતીવાળા આ વિસ્તારોમાંથી રથયાત્રા પસાર થઈ ત્યારે મુસ્લિમ સમાજ પણ એમાં સહભાગી બન્યો હતો. મુસ્લિમ સમાજનાં બાળકો અને મોટાઓએ મગ, કેરી, જાંબુ અને ચૉકલેટનો પ્રસાદ લઈને પ્રભુનાં દર્શન કર્યાં હતાં.
રથયાત્રા સરસપુર પહોંચી ત્યારે મોસાળમાં ભાણાને ભાવથી વધાવ્યા હતા. મોરપીચ્છ વાઘા, આભૂષણો આપીને ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજીનું અદકેરું મામેરું કરવામાં આવ્યું હતું.
મોસાળ સરસપુરમાં રથયાત્રામાં જોડાયેલા અને સરસપુરમાં રથયાત્રાનાં દર્શન માટે આવેલા લાખ્ખો ભક્તોને પોળના રહેવાસીઓએ ભાવપૂર્વક જમાડ્યા હતા. પૂરી-શાક, મોહનથાળ, બુંદી, ગાંઠિયા, બટાટાનું શાક અને ચણા સહિતનો પ્રસાદ પીરસાયો હતો.
રથોની સાથે રથયાત્રા પસાર થયા બાદ સ્ટુડન્ટ્સે સફાઈ અભિયાન આદર્યું હતું અને રસ્તામાં પડેલો કચરો સાવરણાથી સાફ કરીને બૅગમાં ભરીને એનો નિકાલ કર્યો હતો.