પેરન્ટિંગમાં પર્ફેક્શન સાધવા કરતાં કનેક્શન સાધવું જરૂરી

08 September, 2025 12:17 PM IST  |  Mumbai | Jigisha Jain

એની સામે તેમની હાજરી કે ઉપસ્થિતિ ઘટતી જઈ રહી છે. ‘હું છું તારી પાસે’ કે ‘હું છું તારી સાથે’ આ ભાવ બાળકના ઘડતરમાં અત્યંત મહત્ત્વનું કામ કરે છે

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

બાળકને પર્ફેક્ટ નહીં, પ્રેઝન્ટ પેરન્ટની જરૂર છે એવું એક સ્ટડી કહે છે. તમે ભલે ‘પર્ફેક્ટ’ ન હો પણ તમારું શારીરિક અને લાગણીકીય રીતે તમારા બાળક સાથે ‘હોવું’ જ મોટી વાત છે. આમ અહીં પ્રેઝન્ટ એટલે ફક્ત ફિઝિકલ હાજરી જ નહીં પણ ઇમોશનલી પ્રેઝન્ટ રહેવાની પણ વાત છે. આજની તારીખે દરેક પેરન્ટ પર્ફેક્ટ બનવાની હોડમાં છે. એની સામે તેમની હાજરી કે ઉપસ્થિતિ ઘટતી જઈ રહી છે. ‘હું છું તારી પાસે’ કે ‘હું છું તારી સાથે’ આ ભાવ બાળકના ઘડતરમાં અત્યંત મહત્ત્વનું કામ કરે છે જેને સમજવાની કોશિશ કરીએ

કિસ્સો ૧   રીનાની પાંચ વર્ષની દીકરી માઇશાને સ્વિમિંગ શીખવાનું મન હતું. તેણે મમ્મીને કહ્યું કે મમ્મી, મારે સ્વિમિંગ શીખવું છે. નાનપણથી રીનાએ ક્યારેય સ્વિમિંગ શીખ્યું પણ નહોતું અને તેને એની ઇચ્છા પણ ક્યારેય થઈ નહોતી. છતાં દીકરીની ઇચ્છા હતી એટલે તે તેને ત્યાં લઈ ગઈ. રીનાએ ત્યાં જોયું કે તેની ફ્રેન્ડ નિશા તેના દીકરા આર્યનને સ્વિમિંગ શીખવી રહી હતી. મા-દીકરો બન્ને પાણીમાં મજા કરતાં હતાં. ત્યારે રીનાને લાગ્યું કે કાશ, મને સ્વિમિંગ આવડતું હોત તો હું માઇશાને શીખવી શકી હોત, પણ મને આવડતું નથી એટલે તેને કોચના ભરોસે જ મૂકવી પડશે. કોચ ઘણા સારા હતા. માઇશાને પ્રેમથી સમજાવીને પાણીમાં ઉતારી, પણ ઊતરવા જતાં માઇશાનો પગ લપસ્યો અને તે એકદમ પાણીમાં પડી. તે જેવી પાણીમાં પડી કે કોચે તેને ઊંચકી લીધી. તેને બિલકુલ વાગ્યું નહીં પરંતુ તે ખૂબ ડરી ગઈ. પાંચ વર્ષની છોકરી એવી હેબતાઈ ગઈ કે બીજા દિવસે તેને સ્વિમિંગમાં જવું જ નહોતું. રીનાને બધાએ સજેસ્ટ કર્યું કે તું સ્વિમિંગ શીખી જા, જો તું માઇશાને લઈ જઈશ તો તેને ડર નહીં લાગે. આ સલાહ ગમેતેટલી સાચી હોય પણ એને અનુસરવાનું રીના માટે અઘરું હતું. બાળકોને જે પણ શીખવવું હોય એ બધું જ આપણને આવડતું હોવું જોઈએ એ અપેક્ષા થોડી વધુપડતી છે, પરંતુ આપણે કારણે બાળક કોઈ વસ્તુ ન શીખી શકે એ પણ ખોટું. એટલે તેણે માઇશા સાથે વાત કરી કે સ્વિમિંગમાં જે થયું એ અકસ્માત હતો, હંમેશાં એવું ન થાય. તો માઇશાએ કહ્યું કે પણ ફરીથી થયું તો? તો કંઈ નહીં, હું ત્યાં જ હોઈશ એટલે તને કંઈ નહીં થવા દઉં. માઇશાએ માસૂમિયત સાથે પૂછ્યું, તું મને ડૂબવા નહીં દેને? મમ્મીએ કહ્યું, ના બેટા; મને ભલે તરતાં ન આવડે પણ હું તને ડૂબવા નહીં દઉં. બીજા દિવસે માઇશા સ્વિમિંગમાં ગઈ. રીના પુલના કિનારે ઊભી રહી. માઇશાએ સ્વિમિંગનો આખો ક્લાસ મજેથી કર્યો કારણ કે તેને મનમાં સંતોષ હતો કે મમ્મી છે, તે મને કંઈ નહીં થવા દે.

દરેક પેરન્ટના જીવનમાં આવા બનાવો બન્યા જ હશે જેમાં તેઓ બાળક માટે હોવા જોઈએ એટલા પર્ફેક્ટ ન હોય એવો તેમને ભાસ થાય. એક પેરન્ટ તરીકે તમને ઘણુંબધું ન આવડતું હોય જે તમે બાળકને શીખવવા માગતા હો, એક પેરન્ટ તરીકે તમને ઘણીબધી સમજણ ન પડતી હોય એમ પણ બને, એક પેરન્ટ તરીકે તમે તમારા બાળકને એક શ્રેષ્ઠ જીવન આપવા અસમર્થ હો એમ પણ બને; પરંતુ આખું જીવન તમે એક પર્ફેક્ટ પેરન્ટ બનવાની હોડમાં વેડફો નહીં એવું કહેવું છે યુનિવર્સિટી ઑફ કૅલિફૉર્નિયા, લૉસ ઍન્જલસનાં સાઇકોથેરપિસ્ટ ડૉ. ટીના પેન બ્રાયસન અને સાઇકિયાટ્રિસ્ટ ડૅનિયલ જે. સીગલનું. એ બન્નેએ મળીને પેરન્ટિંગ પર અઢળક પુસ્તકો લખ્યાં છે. તેમનો તાજેતરનો સ્ટડી કહે છે કે જરૂરી નથી કે પેરન્ટ્સ પર્ફેક્ટ હોય, પરંતુ એ જરૂરી છે કે પેરન્ટ્સ પ્રેઝન્ટ હોય. એટલે કે તમે ભલે પર્ફેક્ટ નથી પણ તમે તેની સાથે છો, તેને જ્યારે જરૂર છે ત્યારે તમે ઉપસ્થિત છો એટલું જ બાળક માટે ઘણું છે. તેઓ આજના પેરન્ટ્સને એ સલાહ આપે છે કે પર્ફેક્ટ બનવાની ભલે હોડ લાગી છે પણ તમે એ માટે પ્રયત્નો નહીં કરો, બસ તમે તમારા બાળક સાથે રહો એ વધુ જરૂરી છે.

શારીરિક રીતે હોવું

પેરન્ટ્સનું હોવું બે પ્રકારનું હોય છે, એક ફિઝિકલ અને બીજું મેન્ટલ. બાળક નાનું હોય ત્યારે તેના માટે માતા-પિતાની પ્રેઝન્સ કેટલી મહત્ત્વની છે એ સમજાવવાની જરૂર નથી એમ સમજાવતાં કૉન્શિયસ પેરન્ટિંગ કોચ દીપ્તિ સાવલા ગાલા કહે છે, ‘બાળક જ્યારે પાંચ વર્ષ સુધીનું હોય ત્યારે તેની ભાષા ખાસ વિકસતી નથી. તે સ્પર્શને જ પોતાની ભાષા માને છે. માતા-પિતાનો સ્પર્શ તેને હૂંફ આપે છે. રાહત આપે છે. વળી આ ઉંમર સુધી તે પૂરી રીતે માતા-પિતા પર અવલંબે છે એટલે ખાવા-પીવા, નવડાવવા-ધોવડાવવા, રમવા કે ફરવાથી છેક સુવડાવવા સુધી બાળક માતા-પિતાની ઉપસ્થિતિ ઝંખે છે. કેટલાક અંશે માતા-પિતા આ ઉંમરમાં બાળકો સાથે ઘણો સમય વિતાવે જ છે, જે અત્યંત જરૂરી છે.’

જોકે ફિઝિકલી પ્રેઝન્ટ રહેવામાં એક વસ્તુનું ધ્યાન રાખવું જરૂરી છે એ સમજાવતાં ડૉ. દીપ્તિ સાવલા ગાલા કહે છે, ‘પેરન્ટ્સ બાળકને પાર્કમાં કે ગેમ ઝોનમાં લઈ જાય ત્યારે પોતે મોબાઇલ પર હોય છે. ઘરમાં બાળકને કાર્ટૂન ચાલુ કરી દઈ પોતે પોતાનાં કામ પૂરાં કરતા હોય છે. ઘણાં માતા-પિતા એવાં છે જે બાળકને ખવડાવવા-પીવડાવવા અને તેનાં રોજિંદાં કામો પર ધ્યાન આપે છે પણ તેની સાથે વાતો કરતાં નથી, રમતાં નથી કે તેની મસ્તીમાં મસ્ત બનતાં નથી. આવા પેરન્ટ્સ ફિઝિકલી પ્રેઝન્ટ હોય છે પણ ઇમોશનલી કે મેન્ટલી નહીં. આ એ ઉંમર છે જેમાં તમે એક સ્ટ્રૉન્ગ બૉન્ડ બનાવી શકો છો બાળક સાથે. તે પડે ત્યારે તમારી પાસે રડતું-રડતું આવે ત્યારે તેને બાથમાં લેવાને બદલે તમે ફોન પર હો કે કંઈ કામ કરતા હો તો તમે બાળક માટે શારીરિક રીતે હોવા છતાં નથી એમ સમજવું. એટલે શરૂઆતનાં વર્ષો તમારું બાળક સાથે ફિઝિકલી તો ઠીક પણ મેન્ટલી કે ઇમોશનલી હોવું પણ એટલું જ અનિવાર્ય છે.’

ઇમોશનલી હોવું એટલે શું?

ઘણા પેરન્ટ્સ છે જેઓ પોતાનાં બાળકોને ફિઝિકલ પ્રેઝન્સ નથી આપી શકતા કારણ કે બન્ને જણ નોકરી કરે છે. તેમની સરખામણી એ પેરન્ટ્સ સાથે ન થઈ શકે જે ફિઝીકલી અને ઇમોશનલી બન્ને રીતે બાળક સાથે રહે છે, પરંતુ એક વાત હકીકત છે કે જો તમે વર્કિંગ પેરન્ટ્સ હો તો પણ બાળક માટે ઇમોશનલી અવેલેબલ રહેવું જરૂરી છે. એ સમજાવતાં યુરોલૉજિસ્ટ અને જાણીતા લેખક ડૉ. નિમિત્ત ઓઝા કહે છે, ‘એક ઉંમર પછી બાળક માટે માતા-પિતાની હાજરી નહીં, તેમનો હોંકારો વધુ જરૂરી બને છે. જે પેરન્ટ્સ ઘરે જ હોય પણ તેમની સાથે બાળક કંઈ વાત કરી ન શકતું હોય અથવા કરવા ન માગતું હોય તો પેરન્ટ્સનો બાળક માટે કાઢેલો સમય નકામો છે. એની સામે ભલે પેરન્ટ્સ કામ પર ગયા હોય પણ જો બાળક તેમને ફોન કરીને પોતાની તકલીફ જતાવી શકતું હોય, રડી શકતું હોય તો એ સાર્થક પેરન્ટિંગ છે. માતા-પિતા અને બાળક વચ્ચે દરેક વાતનું આદાન-પ્રદાન થવું એક સ્ટ્રૉન્ગ બૉન્ડની નિશાની છે. આવું ત્યારે જ શક્ય છે જ્યારે તમે તેના દરેક સંવેદનને ઝીલવા માટે બેઠા છો, તેની દરેક વાતને ભલે એ તમને નકામી લાગતી હોય તો પણ સાંભળવા માટે તૈયાર છો. એના માટે ચોક્કસ સમય જોઈશે અને વ્યસ્તતાની વચ્ચે પણ એ અભિગમ જોઈશે કે બાળકને મારી જરૂર હોય ત્યાં મારે રહેવાનું છે. પેરન્ટિંગમાં પર્ફેક્શન જેવું આમ પણ કશું હોતું નથી. તમે ભૂલો કરવા માટે મુક્ત રહો પણ ઇમોશનલી બાળક સાથે બંધાયેલા હો એ જરૂરી છે. જ્યારે તમારું બાળક તમને તેની તકલીફ કહે ત્યારે એને પૂરી રીતે સાંભળનાર જોઈએ છે અને તેને માતા-પિતા પાસેથી ફક્ત એ સાંભળવું હોય છે કે ચિંતા નહીં કર, બધું ઠીક થઈ જશે. આખરે બાળકોને તમે કેટલા કલાકો આપ્યા એ તેમને યાદ રહેતું નથી, તેમને પ્રેમાળ શબ્દો યાદ રહે છે. પેરન્ટિંગમાં પર્ફેક્શનનું નહીં, કનેક્શનનું મહત્ત્વ છે.’

health tips mental health life and style columnists gujarati mid day mumbai Jigisha Jain