વધી રહેલા આપઘાતના પ્રમાણ વચ્ચે શ્રેષ્ઠ પરિણામ આપી શકે આયુર્વેદથી થતો ઇલાજ

10 September, 2025 12:17 PM IST  |  Mumbai | Ruchita Shah

આજે દર છમાંથી એક યંગસ્ટર આપઘાતના રસ્તે આગળ વધી રહ્યો છે અને ભારતમાં યુવાવયમાં થતાં મૃત્યુનાં કારણોમાં પહેલા નંબરે સુસાઇડ છે.

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

આજે દર છમાંથી એક યંગસ્ટર આપઘાતના રસ્તે આગળ વધી રહ્યો છે અને ભારતમાં યુવાવયમાં થતાં મૃત્યુનાં કારણોમાં પહેલા નંબરે સુસાઇડ છે. મેન્ટલ હેલ્થ પ્રૉબ્લેમ્સ વધ્યા છે ત્યારે વ્યક્તિના સર્વાંગી ઇલાજ માટે પ્રચલિત ચિકિત્સાપદ્ધતિ એવા આયુર્વેદમાં મનોવ્યાધિ અને એની સારવાર વિશે ભરપૂર ચર્ચા થઈ છે. આજે ‘સુસાઇડ પ્રિવેન્શન ડે’ નિમિત્તે ઓછા જાણીતા એવા આયુર્વેદ અને મનોચિકિત્સાના વિષયને વિગતવાર સમજીએ

૧૫થી ૨૯ વર્ષના એજ-ગ્રુપના યંગસ્ટર્સમાં સુસાઇડનું પ્રમાણ વધ્યું છે. મિનિસ્ટ્રી ઑફ હોમ અફેર્સની સૅમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ અંતર્ગત ‘કૉઝિસ ઑફ ડેથ ઇન ઇન્ડિયા’ના આંકડા કહે છે કે ૧૫ વર્ષથી ૨૯ વર્ષની ઉંમરની છમાંથી એક વ્યક્તિના મૃત્યુનું કારણ સુસાઇડ છે. ઍક્સિડન્ટ, કૅન્સર અને ચેપી રોગો કરતાં પણ આપઘાતને કારણે મૃત્યુ પામી રહેલા યુવાનોની સંખ્યા વધુ છે. ભારતના યુવાવર્ગમાં મેન્ટલ હેલ્થ ક્રાઇસિસ વધી રહેલા આપઘાત માટે ટાઇમ-બૉમ્બનું કામ કરી રહી છે. નિષ્ણાતોના મતે ઍકૅડેમિક સ્ટ્રેસ, ટૉક્સિક વર્કકલ્ચર, રિલેશનશિપને લગતા પ્રૉબ્લેમ્સ અને ફાઇનૅન્શિયલ ઇનસ્ટેબિલિટી એની પાછળનાં કારણો મનાય છે. હૃદયરોગ કે કૅન્સર જેવી બીમારીઓ ધીમે-ધીમે શરીરમાં પગપેસારો કરતી હોય છે, પરંતુ આપઘાત એ એકાએક આવી પડતા ઇમોશનલ ટ્રૉમા અને સમય પર ન મળેલા સપોર્ટનું પરિણામ હોય છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના આંકડા કહે છે કે દુનિયામાં પણ સુસાઇડ પબ્લિક હેલ્થ ઇશ્યુઝમાં મહત્ત્વના સ્થાને છે. વર્ષે લગભગ ૭ લાખ લોકો આપઘાત કરીને જીવન ટૂંકાવે છે. આજે દુનિયાભરમાં સુસાઇડ પ્રિવેન્શનને લગતા જાતજાતના પ્રયોગો થઈ રહ્યા છે. વિવિધ કાઉન્સેલિંગ અને હેલ્પલાઇન દ્વારા કાઉન્સેલિંગની વ્યવસ્થા ઊભી થઈ રહી છે ત્યારે મૉડર્ન મેડિસિન્સની જેમ આપણા પરંપરાગત જ્ઞાન એવા આયુર્વેદમાં પણ સાઇકિયાટ્રીને લગતો અલગ વિભાગ છે જે સુસાઇડ પ્રિવેન્શન અને મેન્ટલ હેલ્થ ઇશ્યુઝમાં મદદ કરી શકે છે. હવે બૅન્ગલોરમાં આવેલી સંસ્થા નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેન્ટલ હેલ્થ ઍન્ડ ન્યુરોસાયન્સિસ (NIMHANS)એ પણ મૉડર્ન સાઇકિયાટ્રી સાથે આયુર્વેદ અને યોગના સંયોજન સાથે માનસિક રોગોની સારવાર શરૂ કરી છે. એને લગતાં સર્વેક્ષણો પણ થયાં છે અને અદ્ભુત પરિણામ પણ મળ્યાં છે. આજે સુસાઇડ પ્રિવેન્શન ડે છે ત્યારે જાણી લઈએ કે વિશ્વની સૌથી પ્રાચીન ઉપચારપદ્ધતિમાંના એક એવા આયુર્વેદમાં માનસિક રોગોના નિવારણ માટે શું પર્યાયો છે.

આયુર્વેદ અને માનસિક રોગ

આયુર્વેદનું વિજ્ઞાન બે રીતે સારવાર કરે છે : સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણમ એટલે કે જે સ્વસ્થ છે તેના સ્વાસ્થ્યની રક્ષા કરવી અને બીજું, આતુરસ્તય વિકાર પ્રશમનં એટલે કે જે રોગી છે તેના રોગનું નિવારણ કરવું. વાતને આગળ વધારતાં ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ આયુર્વેદના કાયા ચિકિત્સા વિભાગના અસોસિએટ પ્રોફેસર અને આયુર્વેદ અને માનસશાસ્ત્રમાં સ્પેશ્યલાઇઝેશન કરનારા ડૉ. સી. અશ્વિન ચંદ્ર કહે છે, ‘મેન્ટલ, ફિઝિકલ અને સ્પિરિચ્યુઅલ એમ દરેક ફ્રન્ટ પર સંતુલન રહે એવા ધ્યેય સાથે આયુર્વેદમાં દરેકેદરેક રોગનો ઇલાજ થાય છે. આયુર્વેદમાં મન એ જ્ઞાનને પામવાનું માધ્યમ માનવામાં આવે છે. આપણું મન સત્ત્વ, રજસ અને તમસ એ ત્રણ પ્રકારના ગુણોથી બનેલું છે. આ ત્રણનું સંતુલન ખોરવાય ત્યારે માનસિક રોગોની શરૂઆત થાય છે. સત્ત્વ એટલે કે હકારાત્મક દૃષ્ટિકોણ, રજસ એટલે રેસ્ટલેસનેસ અથવા તો મનની અધીરતા અને તમસ એટલે કે અંધકાર અથવા તો આળસ. આ ત્રણ ગુણો પર જ દરેક વ્યક્તિનું મેન્ટલ સ્ટેટ નિર્ભર રહે છે. આપણે જે મેન્ટાલિટી શબ્દ વાપરીએ છીએ એ પણ આ ગુણોને આધીન હોય છે. તામસિક માનસિકતા, રાજસિક માનસિકતા અને સાત્ત્વિક માનસિકતા. સત્ત્વને બદલે તમસ અને રજસનું પ્રમાણ વધે ત્યારે મનોવ્યાધિ શરૂ થાય. આયુર્વેદની મુખ્ય ૮ બ્રાન્ચ છે જેમાંની એક બ્રાન્ચ એટલે ‘ગ્રહ ચિકિત્સા’ છે જે મનોરોગના મૅનેજમેન્ટ અને પ્રિવેન્શન પર કામ કરે છે. બીજી મહત્ત્વની વાત. મોટા ભાગના માનસિક અસંતુલનને આયુર્વેદમાં ‘ઉન્માદ’ શબ્દ દ્વારા ઉલ્લેખવામાં આવે છે.’

મુખ્ય કારણો

આપણા ધાર્યા પ્રમાણે કંઈક ન થાય તો આપણે અપસેટ થઈએ, પરંતુ એને માનસિક રોગ નથી કહેવાતો; પરંતુ જે આપણી તાર્કિક વિચારસરણી ડૅમેજ થાય, એકધારી ઉદાસી રહે, હોપલેસનેસ વધે, આપણી રોજબરોજની ઍક્ટિવિટીમાં વિઘ્ન આવે કે નિર્ણય લેવાની ક્ષમતા હણાય વગેરે બાબતોનો અતિરેક માનસિક અસ્વસ્થતાનું પ્રમાણ હોઈ શકે. જોકે આયુર્વેદમાં એની પાછળનાં કારણો માટે પણ કેટલીક મહત્ત્વપૂર્ણ સ્પેસિફિક વાતો કરાઈ છે એનું વર્ણન કરતાં આયુર્વેદનિષ્ણાત ડૉ. સુમિત ગોયલ કહે છે, ‘પ્રજ્ઞાપરાધ એટલે કે બુદ્ધિનો દુરુપયોગ અને અસત્મેન્દ્રિયાર્થ સંયોગ એટલે ઇન્દ્રિયોનો દુરુપયોગ એ બે કોઈ પણ રોગનાં મુખ્ય કારણો છે - પછી એ શારીરિક રોગ હોય કે માનસિક રોગ. બુદ્ધિનો દુરુપયોગ એટલે ખોટો જજમેન્ટ પાવર, વિલપાવરનો અભાવ અને યાદશક્તિ ઘટવી વગેરેને કારણે ખોટા નિર્ણય લેવા, ખોટું આકલન કરવું જે કન્ટ્રોલ છોડાવે અને માનસિક ભાર વધારે. ઇન્દ્રિયનો દુરુપયોગ એટલે ન જોવાનું જોવું, ન ખાવાનું ખાવું, બિલકુલ ઍક્ટિવિટી ન કરવી, અતિ મોટો અવાજ સાંભળવો આ બધું જ ક્યાંક ને ક્યાંક આપણી મેન્ટલ હેલ્થને લાંબા ગાળે ડિસ્ટર્બ કરવાનું કામ કરે છે. આજના યુવાનો જે બિન્જ-વૉચિંગ કરે છે એટલે કે એકધારું સ્ક્રીન પર બેસી રહે છે એ પણ એક જાતનો ઇન્દ્રિયનો દુરુપયોગ કહી શકાય.’

ડાયટનો રોલ મહત્ત્વનો

આપણા શરીરની ક્ષમતા, સ્કિનનો કલર, ગ્રોથ, આનંદ, અવાજની સ્પષ્ટતા, ચહેરાની ચમક, આનંદ, બુદ્ધિ અને ઓવરઑલ સ્વાસ્થ્ય એ બધા પર આપણા આહારની અસર થાય છે. ચાંડોગ્ય ઉપનિષદ કહે છે કે અન્ન એવું મન. આપણા આહારથી આપણું સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર બન્ને પ્રભાવિત થતાં હોય છે. એટલે કે આપણે જેટલો સાત્ત્વિક આહાર લઈશું એટલું જ આપણું મન સાત્ત્વિક બનશે. જોકે આજે જન્ક ફૂડ ખાતી જનરેશનમાં મન ઉત્પાતિયાં અને ડલ થઈ રહ્યાં છે, કારણ કે એમાં તેમનો આહાર એવો છે. ડૉ. સી. અશ્વિન કહે છે, ‘આપણે ત્યાં સદીઓ જૂના ગ્રંથોમાં પણ આહારને ખૂબ મહત્ત્વ અપાયું છે, સાત્ત્વિક આહારને પ્રમોટ કરવામાં આવ્યો છે. જીવનઊર્જાને વધારનારું પોષક તત્ત્વોથી છલોછલ હાઇજીનિક અને ફ્રેશ ફૂડ ખાવાની વાત આયુર્વેદના ઋષિમુનિઓએ કરી છે. તીખું, તળેલું, નમકીન, સૂકું, મસાલેદાર, ખાટું ભોજન રાજસિક ગણાય છે તો ઠંડું, પ્રિઝર્વેટિવયુક્ત, વાસી, તીવ્ર ગંધવાળું ભોજન તામસિક ગણાય છે. ફ્રેશલી રાંધેલું, ફળ-લીલી શાકભાજી, ઘી, દૂધ, છાશ વગેરે સાત્ત્વિક આહાર મનાય છે. તમે જેવો આહાર લેશો એવા થશો. માનસિક હેલ્થને સુધારવી હોય તો આહાર પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. આયુર્વેદિક દૃષ્ટિએ નિદાન કરીએ ત્યારે મનોરોગીઓને અમે ડાયટ પણ આપતા હોઈએ છીએ. એવી જ રીતે કસરત વગેરે સાથે આયુર્વેદ દિનચર્યા, ઋતુચર્યા અને પૂરતી ઊંઘ માટે રાત્રિચર્યાને પણ ઇલાજ માટે મહત્ત્વની ગણીએ છીએ.’

સત્ત્વાજય : દુનિયાની પહેલવહેલી સાઇકોથેરપી ટ્રીટમેન્ટ

આયુર્વેદનિષ્ણાત ડૉ. સુમિત ગોયલ

આયુર્વેદ કોઈ પણ રોગમાં મૂળથી નિવારણ પર ફોકસ કરે છે. પ્રૉપર આહાર, વિહાર અને વિચારની સાથે વિવિધ દવાઓ પણ આયુર્વેદ ગ્રંથોમાં છે જેને મેધ્યા રસાયણ કહેવાય છે એટલે કે એવી દવા જે તમારા બ્રેઇનના ચેતાતંતુઓને પોષણ આપનારી હોય. પંચકર્મની વિવિધ પદ્ધતિઓ પણ મેન્ટલ ઇલનેસમાં મૅજિકલ પરિણામ આપે છે. શિરોધારા, શિરોતલમ, નસ્ય, અભ્યંગ વગેરે ખરેખર પૉઝિટિવ રિઝલ્ટ આપનારાં છે. એપિલેપ્સી, સેરિબ્રલ પૉલ્ઝી જેવી બીમારીઓમાં આયુર્વેદથી થતા લાભ પર સંશોધનો કરી ચૂકેલા આયુર્વેદનિષ્ણાત ડૉ. સુમિત ગોયલ કહે છે, ‘હવે તો એવાં વૈજ્ઞાનિક પ્રમાણો પણ છે જેમાં બ્રાહ્મી, અશ્વગંધા, જટાંમાસી, શંખપુષ્પી, યષ્ટિમધુ જેવી દવાઓ મેન્ટલ હેલ્થમાં અદભુત કામ કરે છે એવું પ્રમાણિત થઈ ચૂક્યું છે. કુષ્માંડ એટલે કે પેઠા જેમાંથી બને છે એ કોળું પણ મેન્ટલ હેલ્થને બહેતર બનાવનારું છે. અફકોર્સ, એનું સેવન કોઈ ક્વૉલિફાઇડ આયુર્વેદ વૈદ્યના માર્ગદર્શન હેઠળ જ કરવું જોઈએ. જોકે એવી જ એક બહેતરીન સાઇકોથેરપી છે જે આયુર્વેદમાં હજારો વર્ષ પહેલાં લખાયેલા ગ્રંથોમાં છે. એ છે સત્ત્વાજય. આ એક સાઇકો સ્પિરિચ્યુઅલ અપ્રોચ સાથેની કાઉન્સેલિંગ પદ્ધતિ છે. એમાં તમે સત્ત્વ એટલે કે હકારાત્મકતા વધારવાની દિશામાં કાઉન્સેલિંગ દ્વારા દરદીને લઈ જાઓ છો. વ્યક્તિની માનસિક ક્ષમતા વધે, તેનો જાત પરનો અને પ્રકૃતિના ચક્ર પ્રત્યેનો સિદ્ધાંત વધે એ માટે દરદી જેમાં માનતો હોય એ દર્શનશાસ્ત્રનો ઉપયોગ કરવામાં આવે છે. માઇન્ડને કન્ટ્રોલ કરવાની એવી પદ્ધતિ જેમાં સહજતા સાથે માઇન્ડને એને પજવતી બાબતોથી પાછું ખેંચીને જરૂરી બાબતો પર સ્થિર કરાવવું. માઇન્ડના સ્ટ્રેસ અથવા ટ્રિગર પૉઇન્ટને શાસ્ત્રીય અને આધ્યાત્મિક રેફરન્સ સાથે સમજીને ત્યાંથી હટવું અને સાચી સમજણ સાથે સાચી દિશામાં વળવું. મેન્ટલ ઇલનેસ જ વ્યક્તિને સુસાઇડ તરફ લઈ જાય છે જ્યારે તે ખોટા-સાચાનું ભાન ભૂલી જાય છે. એવા સમયે સત્ત્વાજય નામની આયુર્વેદબેઝ્ડ સાઇકોથેરપી સાચી સમજણ વધારીને, સાચા-ખોટાની સમજણ આપીને, તર્કને વિકસાવીને, પૉઝિટિવ મેમરીઝ વધારીને અને ધીમે-ધીમે એકાગ્રતા, માનસિક શાંતિ અને માઇન્ડ કન્ટ્રોલને ડેવલપ કરીને મનોરોગીનિષ્ણાત આયુર્વેદ ચિકિત્સક ટ્રીટમેન્ટ કરે છે. ઍન્ગ્ઝાયટી, ડિપ્રેશન, સાઇકોસોમેટિક બીમારીઓમાં આ પદ્ધતિનાં ખૂબ સારાં પરિણામ મળ્યાં છે.’

આપણું મન સત્ત્વ, રજસ અને તમસ એ ત્રણ પ્રકારના ગુણોથી બનેલું છે. આ ત્રણનું સંતુલન ખોરવાય ત્યારે માનસિક રોગોની શરૂઆત થાય છે. સત્ત્વ એટલે હકારાત્મક દૃષ્ટિકોણ, રજસ એટલે રેસ્ટલેસ અથવા તો મનની અધીરતા અને તમસ એટલે અંધકાર અથવા તો આળસ. આ ત્રણ ગુણો પર જ દરેક વ્યક્તિનું મેન્ટલ સ્ટેટ નિર્ભર રહે છે. - ડૉ. સી. અશ્વિન ચંદ્ર, આયુર્વેદ નિષ્ણાત

health tips mental health suicide life and style columnists gujarati mid day mumbai ruchita shah ayurveda yoga