01 August, 2025 07:10 AM IST | Mumbai | Kajal Rampariya
કુટ્ટીના દારાને અંગ્રેજીમાં બકવીટ કહેવાય.
શ્રાવણના પવિત્ર માસના ઉપવાસમાં ઘણા લોકો ડાયટમાંથી ઘણી ચીજોની બાદબાકી કરી નાખે છે જેને લીધે શરીરને પૂરતું પોષણ મળતું નથી. ઉપવાસમાં સાબુદાણા અને સામો સૌથી વધુ ખવાય છે, પણ એમાંથી જરૂરી ન્યુટ્રિઅન્ટ્સ પૂરતા પ્રમાણમાં મળતાં નથી. જોકે કુટ્ટુી દારાને ઉપવાસ દરમિયાન કમ્પ્લીટ ફૂડ કહેવાયું છે. શા માટે એનો સમાવેશ ઉપવાસી ડાયટમાં થયો છે, એનાથી શરીરને શું મળે અને એને આરોગવાની યોગ્ય રીત કઈ એ વિશે અનુભવી ડાયટિશ્યન વિધિ શાહ પાસેથી જાણીએ અને સમજીએ તેમના જ શબ્દોમાં...
કુટ્ટીનો દારો એટલે?
કુટ્ટીના દારાને અંગ્રેજીમાં બકવીટ કહેવાય. એના શબ્દમાં ભલે વીટ લાગેલું છે પણ એને અનાજ સાથે કંઈ લેવાદેવા નથી. એ ઘઉં, ચોખા કે જવ જેવું અનાજ નથી. એ એક ફૂલના છોડનું બીજ છે જેનો ઉપયોગ અનાજની જેમ થાય છે પણ એ ફળની કૅટેગરીમાં આવે છે. હિન્દી ભાષામાં બકવીટને કુટ્ટુ કહેવાય અને ગુજરાતીમાં એને કુટ્ટી કહેવાય. ઘણા લોકો એના લોટને કુટ્ટીનો દારો કહે છે. ધાર્મિક તહેવારો દરમિયાન રખાતા ઉપવાસમાં અનાજનું સેવન ન કરી શકાય એમ હોય ત્યારે બકવીટ અનાજના રિપ્લેસમેન્ટનું કામ કરે છે. એમાંથી અઢળક પોષક તત્ત્વો મળી રહેતાં હોવાથી એને સુપરફૂડ કહેવું પણ ખોટું નથી. એની ખેતી મુખ્યત્વે પહાડી વિસ્તારોમાં થાય છે. ઠંડા તાપમાનમાં અને જમીનની ફળદ્રુપતા ઓછી હોવા છતાં એનો પાક સારો થાય છે અને માર્કેટમાં પણ એ દાણા, લોટ અને અધકચરા લોટના ફૉર્મમાં પરવડે એવા બજેટમાં મળી રહે છે.
પ્રોટીનનો ખજાનો
બકવીટમાં નવ પ્રકારનાં આવશ્યક અમીનો ઍસિડ હાજર હોય છે જે સંપૂર્ણ પ્રોટીન સ્રોત છે. ઘણા શાકાહારી ખોરાકમાંથી આટલું પ્રોટીન મળવું દુર્લભ છે. એમાંથી વધુ એક સારો પ્લસ પૉઇન્ટ એ છે કે એમાંથી મળતું પ્રોટીન સરળતાથી પચી જાય છે. તમે ૧૦૦ ગ્રામ જેટલા બકવીટ દાણાના ફૉર્મમાં એટલે કે એની ખીચડી બનાવીને ખાઓ તો એમાંથી અંદાજે ૧૩થી ૧૪ ગ્રામ જેટલું પ્રોટીન મળી જાય છે જે દિવસની જરૂરિયાત માટે પૂરતું છે.
કમ્પ્લીટ ફૂડ
કુટ્ટીના સેવનથી ફક્ત પ્રોટીન જ નહીં પણ પૂરતા પ્રમાણમાં કાર્બોહાઇડ્રેટ્સ પણ મળી રહે છે જે શરીરમાં ઊર્જાનો સંચાર કરવામાં મદદરૂપ બને છે. ફાઇબરનું પ્રમાણ પણ વધુ હોવાથી પાચન માટે લાભદાયી છે. એ પાણી શોષી લઈને આંતરડાનાં કાર્યોને સરળ બનાવે છે, જેને લીધે કબજિયાત જેવી તકલીફો દૂર થાય છે એટલું જ નહીં, એ ડાઇજેશન-ફ્રેન્ડ્લી હોવાથી પાચન સંબંધિત તમામ સમસ્યાઓને દૂર કરવામાં સહાય કરે છે. કુટ્ટીમાં વિટામિન B પણ મળી રહે છે જે મગજનાં કાર્યો, નર્વસ સિસ્ટમ અને ચયાપચય માટે જરૂરી માનવામાં આવે છે. આ ઉપરાંત એમાંથી હૃદય અને સ્નાયુઓના કાર્ય માટે જરૂરી મૅગ્નેશિયમ, લોહી બનાવવા માટે જરૂરી આયર્ન અને ઇમ્યુનિટીને સ્ટ્રૉન્ગ બનાવવા માટે ઝિન્ક જેવાં ખનિજ તત્ત્વો પણ મળી રહે છે. એ હાડકાંના સ્વાસ્થ્ય માટે સારું છે. જે મહિલાઓ PCOSની સમસ્યાથી પીડાય છે તેમના માટે પણ કુટ્ટુ દવાની જેમ કામ કરે છે. શરીરમાં બીમારીનું ઘર બનાવતા બૅક્ટેરિયા અને ઇન્ફેક્શન સામે લડવા માટે સહાયક ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ પણ એમાંથી મળી રહે છે. અત્યારે ઘણા લોકો ગ્લુટન-ફ્રી આહારનું સેવન કરતા હોય છે તો તેમના માટે કુટ્ટી બેસ્ટ ઑપ્શન છે. કુટ્ટીમાં ગ્લુટન હોતું નથી અને સાથે એમાં શર્કરાનું પ્રમાણ પણ ઓછું હોવાથી ડાયાબિટીઝના દરદીઓ પણ એ ખાઈ શકે છે. ટૂંકમાં કહું તો કુટ્ટી એટલે કે બકવીટ પોષણનું એક કમ્પ્લીટ પૅકેજ છે. આ એક ફૂડમાંથી શરીરની તમામ જરૂરિયાતો પૂરી થઈ જાય છે. હું છ મહિનાના બાળકને બકવીટ ખાવાની સલાહ આપું છું, કારણ કે એનાથી શરીરને ફક્ત ફાયદા જ ફાયદા છે.
કઈ રીતે ખાવું બેસ્ટ?
માર્કેટમાં બકવીટ દાણા, લોટ અને ગ્રોટ્સ એટલે કે અધકચરા ફૉર્મમાં મળી રહે છે. લોટને ડાયરેક્ટ યુઝમાં લઈને એમાંથી રોટલી, રોટલા, પૅનકેક, પરાઠા, લાડુ, પૂરી, શીરો, હલવો, ઢોસા અને પૂડલા બનાવી શકાય. દાણા કે ગ્રોટ્સને યુઝમાં લેવા માટે એને આખી રાત પલાળવા બહુ જરૂરી છે, નહીં તો રંધાશે નહીં. દાણાને બાફીને સૅલડ બનાવી શકાય. એમાં શાકભાજી મિક્સ કરીને ફરાળી ખીચડી બનાવી શકાય. બકવીટ ફક્ત ફરાળ સુધી સીમિત નથી, એમાંથી મળતા પોષણને જોઈને હવે ઘણા લોકોએ પોતાના રૂટીનમાં એનો સમાવેશ કરી દીધો છે. એ ગ્લુટન-ફ્રી હોવાથી ઘઉંના વિકલ્પ તરીકે કુટ્ટીનો યુઝ થઈ રહ્યો છે. નાસ્તામાં ખાવાની ઇચ્છા હોય તો એને દૂધમાં બાફીને ઓટ્સના વિકલ્પ તરીકે પણ ખાઈ શકાય.
ધ્યાનમાં રાખો આ બાબતો
બકવીટ ખાવા પહેલાં એને આખી રાત ભીંજવ્યા બાદ જ એનો રાંધવામાં ઉપયોગ કરવો જરૂરી છે. કાચા ખાશો તો એ સરળતાથી પચશે નહીં, પણ ચારથી છ કલાક ભીંજવીને ખાશો તો એ પાચન સુધારે છે અને એમાંથી મળતાં ન્યુટ્રિઅન્ટ્સ પણ સારી રીતે શરીરમાં ઍબ્સૉર્બ થાય છે.
એમાં ફાઇબરનું પ્રમાણ વધુ હોવાથી મર્યાદિત માત્રામાં ખાવું હિતાવહ રહેશે. જો પ્રમાણ કરતાં વધુ ખાવામાં આવે તો બ્લોટિંગ, ગૅસ અથવા અપચો થઈ શકે છે. જો તમે પહેલાં ક્યારેય તે ન ખાધું હોય તો થોડી માત્રાથી શરૂ કરીને ધીમે-ધીમે એનું પ્રમાણ વધારી શકાય.
કુટ્ટીનો દારો એકલું ખાવાથી પાચનમાં તકલીફ થઈ શકે છે. એને દહીં અથવા શાક સાથે ખાવું યોગ્ય છે.
શક્ય હોય ત્યાં સુધી બકવીટને તળવાનું ઓછું કરો. તળેલું બકવીટ શરીરમાં ગરમી વધારવાનું કામ કરે છે અને ઉપવાસ દરમિયાન તકલીફ આપી શકે છે. થેપલાં, રોટલા અને રોટલીરૂપે ખાઓ તો ચાલે.
બકવીટ ખાધા પછી એ બરાબર પચે એ માટે પૂરતા પ્રમાણમાં પાણી પીવું જરૂરી છે.