પ્રતિ વર્ષ આતી હૈ નવમી રામ કી, રામ કા સુમિરન કરા જાતી હૈ નવમી રામ કી

03 April, 2025 02:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નિત્ય ભક્તિનો અર્થ છે જેમ શ્વાસ નિત્ય લઈએ છીએ એમ નિત્ય પરમાત્માના સંપર્કમાં રહેવું, ભગવાનની સાથે રહેવું, તેના સાંનિધ્યમાં રહેવું, તેમને પ્રેમ કરવો એ નિત્ય ભક્તિ છે.

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

આપણા સનાતન ધર્મમાં પ્રત્યેક દિવસ ઉત્સવ છે અને એ ઉત્સવનો અર્થ છે હૃદયનો ઉત્સાહ.  પરંતુ અમુક નિમિત્ત એવાં છે જે આપણને વિશિષ્ટ અને વિશેષ યાદ રહ્યાં હોય. એવું જ એક પર્વ જેને આપણે રામનવમી તરીકે ઓળખીએ છીએ, જે દિવસે પરાત્પર બ્રહ્મ ભગવાન શ્રી રામ આ ધરા પર અવતર્યા અને પોતાનાં બળ, શીલ અને રૂપ દ્વારા આ જગતને જીવવાની એક વિશિષ્ટ પ્રેરણા આપી. રામનવમી નજીકમાં છે ત્યારે એ નિમિત્તે આવો, આપણે એક વિચાર કરીએ.

આપણા સનાતન ધર્મમાં ભક્તિના બે પ્રકારની ચર્ચા છે નિમિત્ત ભક્તિ અને નિત્ય ભક્તિ.

નિત્ય ભક્તિનો અર્થ છે જેમ શ્વાસ નિત્ય લઈએ છીએ એમ નિત્ય પરમાત્માના સંપર્કમાં રહેવું, ભગવાનની સાથે રહેવું, તેના સાંનિધ્યમાં રહેવું, તેમને પ્રેમ કરવો એ નિત્ય ભક્તિ છે. ઘણા લોકો એમ કહે છે કે ભક્તિ ઔષધી છે. ઘણા લોકો કહે છે ભક્તિ અન્ન જેવી છે. ઘણા લોકો કહે છે ભક્તિ પાણી જેવી છે, પરંતુ આ કોઈ પણ તર્ક સુસંગત નથી કારણ કે ઔષધી તો એ જ લે જે બીમાર હોય, અનાજ તો એ જ લે જે ભૂખ્યો હોય, પાણી તો એ જ પીવે જે તરસ્યો હોય. બીજી રીતે જોઈએ તો પાણી વગર પાંચ-સાત દિવસ નીકળી શકે, અનાજ વગર દસ-બાર દિવસ નીકળી શકે, ઔષધી વગર કદાચ બે-ચાર મહિના નીકળી શકે; પરંતુ શ્વાસ વગર એક ક્ષણ પણ ન નીકળી શકે. એટલા માટે આપણા મનિષીઓ ભક્તિને શ્વાસ કહે છે. જેમ શ્વાસ વગર ન ચાલે એમ ઈશ્વરની સાથેના અનુસંધાન વગર ન ચાલે. ઈશ્વર વગર ન ચાલે એનું નામ ભક્તિ. એ નિત્ય ભક્તિ છે.

એક વિશિષ્ટ સુવિધા આપણા સનાતન ધર્મ અને આપણા ઋષિઓએ આપણને પ્રદાન કરી છે, જેનું નામ છે નિમિત્ત ભક્તિ. નિમિત્ત ભક્તિનો અર્થ છે નિમિત્ત પકડીને જે ઈશ્વરની સાથે પ્રેમ કરવામાં આવે. જન્માષ્ટમી આવે ત્યારે હરિભક્તો ભગવાન કૃષ્ણના મંદિરે નંદ ઘેર આનંદ ભયો કરે એ નિમિત્ત છે. શિવરાત્ર‌િ આવે ત્યારે ભગવાન શંકરના મંદિરે જઈ આપણે હર હર મહાદેવ કહીએ, ઉત્સવ મનાવીએ એ નિમિત્ત. રામનવમીના દિવસે આપણે બધા શ્રી રામના મંદિરે જઈ રામલલ્લાનાં દર્શન કરીએ એ નિમિત્ત છે. જે સત્ય છે, જે ભક્તિનું જ એક અંગ છે અને જે આપણા સનાતન ધર્મની એક ઉદાર સુવિધા છે, જેને આપણે પ્રણામ કરવા જોઈએ. પરંતુ ભક્તિ તો એને કહેવાય જે શ્વાસની સાથે ચાલે. રામનવમીના દિવસે આપણે નિમિત્ત પકડી અને ભક્તિ કરીએ એના કરતાં રામભક્તો માટે તો નિત્ય રામનવમી હોય એવો ઉત્સાહ હૃદયમાં ધારણ કરી અને પ્રતીબળ ભગવાન રામની સેવાપૂજા અને તેને પ્રેમ કરીએ એ વિશિષ્ટ છે. 

-આશિષ વ્યાસ

ram navami culture news religion religious places hinduism indian mythology life and style columnists gujarati mid-day mumbai