હૈદરાબાદનો હેન્રિક ક્લાસેન ૨૩ કરોડ રૂપિયા સાથે ટુર્નામેન્ટના ઇતિહાસનો સૌથી મોંઘો રીટેન પ્લેયર બન્યો

01 November, 2024 08:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રિષભ પંત, શ્રેયસ ઐયર અને કે. એલ. રાહુલ જેવા સ્ટાર આૅક્શનમાં ઊતરશે, કલકત્તા અને રાજસ્થાને ૬-૬ પ્લેયર્સને જ્યારે પંજાબે બે જ પ્લેયર્સને કર્યા રીટેન

હેન્રિક ક્લાસેન

ગઈ કાલે IPL 2025 માટે દરેક ટીમે પોતે રીટેન કરેલા પ્લેયર્સની જાહેરાત કરી હતી. ૧૦ ટીમનાં લિસ્ટ જાહેર થતાં જ ક્રિકેટજગતમાં ખલબલી મચી ગઈ હતી. દરેક ફ્રૅન્ચાઇઝી પાસે રીટેન્શન અને ઑક્શન માટે ૧૨૦ કરોડ રૂપિયાનું પર્સ છે. ટીમ છ ખેલાડીઓને જાળવી શકે છે. ટીમ પાસે તમામ ખેલાડીઓને રિલીઝ કરવાનો અને રાઇટ-ટુ-મૅચ (RTM) કાર્ડ સાથે ઑક્શનમાં ખરીદવાનો વિકલ્પ પણ છે. ચાલો જાણીએ કે રીટેન્શનની સૌથી મોટી હાઇલાઇટ્સ કઈ રહી.

ડિફેન્ડિંગ ચૅમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સ અને રાજસ્થાન રૉયલ્સે જ પોતાના છ-છ રીટેન્શન-સ્લૉટ માટે પ્લેયર્સને રીટેન કર્યા હતા. પંજાબ કિંગ્સે સૌથી ઓછા માત્ર બે પ્લેયર્સને રીટેન કર્યા હતા.

રનર-અપ ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદે હેન્રિક ક્લાસેનને સૌથી વધુ ૨૩ કરોડ રૂપિયાની રકમ આપીને રીટેન કર્યો હતો, જ્યારે બૅન્ગલોરે વિરાટ કોહલીને ૨૧ કરોડ રૂપિયામાં રીટેન કર્યો હતો. ક્લાસેન ટુર્નામેન્ટના ઇતિહાસનો સૌથી મોંઘો રીટેન પ્લેયર બન્યો છે. આ પહેલાં કોહલીને બૅન્ગલોર દ્વારા ૨૦૧૭માં ૧૭ કરોડ રૂપિયામાં રીટેન કરવામાં આવ્યો હતો. લખનઉએ નિકોલસ પૂરનને પણ ૨૧ કરોડ રૂપિયામાં રીટેન કર્યો છે.

ગઈ સીઝનના સૌથી મોંઘા પ્લેયર મિચલ સ્ટાર્ક (૨૪.૭૫ કરોડ)ને કલક્તાએ રિલીઝ કર્યો છે, જ્યારે પૅટ કમિન્સ (૨૦.૫૦ કરોડ)ને હૈદરાબાદની ટીમે ૧૮ કરોડ રૂપિયામાં રીટેન કર્યો છે.

ચેન્નઈ સુપર કિંગ્સના પાંચ વારના ચૅમ્પિયન કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને અનકૅપ્ડ પ્લેયર તરીકે ચાર કરોડ રૂપિયામાં રીટેન કરવામાં આવ્યો છે.

દિલ્હી, કલકત્તા, બૅન્ગલોર, લખનઉ અને પંજાબ ફ્રૅન્ચાઇઝીએ ગઈ સીઝનના કૅપ્ટન્સને રીટેન કર્યા નથી.

રિષભ પંત, શ્રેયસ ઐયર, કે. એલ. રાહુલ, રવિચન્દ્રન અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, વૉશિંગ્ટન સુંદર જેવા સ્ટાર પ્લેયર્સ રીટેન ન થયા હોવાથી ઑક્શનમાં જોવા મળશે.

કઈ ટીમના કેટલા રીટેન સ્લૉટ ખાલી?
મુંબઈ–૧, હૈદરાબાદ-૧, ચેન્નઈ-૧, બૅન્ગલોર-૩, દિલ્હી-૨, કલક્તા-ઝીરો, રાજસ્થાન-ઝીરો, ગુજરાત-૧, લખનઉ-૧, પંજાબ-૪.

આૅક્શન માટે કેટલું પર્સ બાકી?
મુંબઈ - ૪૫ કરોડ, હૈદરાબાદ - ૪૫ કરોડ, ચેન્નઈ - ૫૫ કરોડ, બૅન્ગલોર - ૮૩ કરોડ, દિલ્હી - ૭૩ કરોડ, કલક્તા - ૫૧ કરોડ, રાજસ્થાન - ૪૧ કરોડ, ગુજરાત - ૬૯ કરોડ, લખનઉ - ૬૯ કરોડ, પંજાબ - ૧૧૦.૫ કરોડ.

IPL 2025 ipl sunrisers hyderabad kolkata knight riders rajasthan royals ms dhoni virat kohli punjab kings Rishabh Pant kl rahul mohammed siraj mohammed shami ravichandran ashwin chennai super kings mumbai indians cricket news sports news sports indian premier league