સિલ્વર જ્યુબિલી ઍનિવર્સરીમાં કચ્છી કપલને ગિફ્ટમાં મળ્યું સિદ્ધચક્ર મહાપૂજન

26 May, 2026 07:29 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઘાટકોપરનાં દીપ્તિ કેતન શાહનાં લગ્નની પચીસમી વર્ષગાંઠને યાદગાર બનાવવા તેમના મિત્રો નીલેશ મહેતા અને મૅક્સ જોશીએ સિદ્ધચક્ર મહાપૂજન ગિફ્ટમાં આપીને નવો ચીલો પાડ્યો છે.

(ડાબેથી) મૅક્સ જોશી, નીલેશ મહેતા, કેતન શાહ, દીપ્તિ શાહ, આરતી મહેતા, રચના જોશી.

ઘાટકોપરનાં દીપ્તિ કેતન શાહનાં લગ્નની પચીસમી વર્ષગાંઠને યાદગાર બનાવવા તેમના મિત્રો નીલેશ મહેતા અને મૅક્સ જોશીએ સિદ્ધચક્ર મહાપૂજન ગિફ્ટમાં આપીને નવો ચીલો પાડ્યો છે. આજના સમયમાં મટીરિયલિસ્ટિક વસ્તુનું મહત્ત્વ વધી ગયું છે ત્યારે ફ્રેન્ડ્સ દ્વારા ધાર્મિક વિધિ ભેટમાં આપવાનો વિચાર અનોખો અને અર્થપૂર્ણ છે. તેમની આ ભાવનાને કારણે સવાસો જેટલા પરિજનોને પૂજનનો લાભ મળ્યો

ગઈ કાલે ઘાટકોપરના કચ્છી વીસા ઓસવાળ જૈન સમાજનાં દીપ્તિ કેતન શાહનાં લગ્નની પચીસમી વર્ષગાંઠ નિમિત્તે શ્રી જીરાવલ્લા પાર્શ્વનાથ જૈન દેરાસરમાં સિદ્ધચક્ર મહાપૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સવાસો જેટલા પરિજનોએ સાધર્મિક ભક્તિમાં ભાગ લીધો હતો. દંપતી અને તેમના કુટુંબીજનોને નવપદજીની આરાધનાનો લાભ મળ્યો એની પાછળ એક અર્થપૂર્ણ વિચાર હતો જેની સૌએ સરાહના કરી હતી. શાહ દંપતીના મિત્રો નીલેશ મહેતા અને મૅક્સ જોશીએ તેમને સિદ્ધચક્ર મહાપૂજન ગિફ્ટમાં આપ્યું હતું.

આ અનોખી ઉજવણી વિશે ‘મિડ-ડે’ સાથે વાત કરતાં મૅક્સ જોશીએ કહ્યું હતું કે ‘અમે ત્રણેય કપલ વચ્ચે ગાઢ મિત્રતા છે. લગભગ દરરોજ ભેગાં થઈએ. હરવા-ફરવાનો પ્રોગ્રામ પણ સાથે જ બને. દીપ્તિ અને કેતનનાં લગ્નની સિલ્વર જ્યુબિલી નજીક હતી ત્યારે હું અને નીલેશ વિચારતા હતા કે આ માઇલસ્ટોન યર છે તો હોટેલમાં ખાણી-પીણીની ઉજવણી કરવી, ફરવા જવું જેવી મટીરિયલિસ્ટક વસ્તુને બાજુ પર મૂકીને કંઈક નવી ગિફ્ટ આપીએ, એવી ભેટ જે આજ સુધી કોઈએ ન આપી હોય. નીલેશે સુઝાવ આપ્યો કે જૈન ધર્મમાં સિદ્ધચક્ર મહાપૂજનનું વિશેષ મહત્ત્વ છે. સિદ્ધચક્ર જૈન ધર્મનું અત્યંત પવિત્ર અને પ્રભાવશાળી યંત્ર છે જેમાં અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, દર્શન, જ્ઞાન, ચરિતા અને તપ એમ નવપદની આરાધના કરવામાં આવે છે. મને પણ વિચાર ગમી ગયો. ભક્તિ ભગવાનના આંગણે થાય એનો મહિમા અલગ હોય. આથી શ્રી જીરાવલ્લા પાર્શ્વનાથ જૈન દેરાસરમાં વાત કરી. દીપ્તિ અને કેતનનાં સગાંસંબંધીઓને આમં​ત્રિત કર્યાં. આ વિધિમાં કોરાં વસ્ત્રો પહેરવાનાં હોય અને વસ્ત્રો ધારણ કર્યા પછી પાણી પણ ન પીવાય. હાલ મુંબઈમાં ગરમી ખૂબ છે એ બાબતને ધ્યાનમાં રાખીને મહેમાનો માટે પહેલાં નવકારશી અને ત્યાર બાદ વસ્ત્રો બદલવા માટે ક.વી.ઓ. સમાજના સૅનેટોરિયમમાં રૂમ અને વૅનિટી વૅનની વ્યવસ્થા કરી. વિધિકાર ચિરાગ ખુશાલ સંગોઈ દ્વારા કરાવવામાં આવેલી વિધિમાં સવાસો જેટલા કુટુંબીજનોએ સાધર્મિક ભક્તિનો લાભ લીધો.’

આ અનોખી ભેટ વિશે વાત કરતાં શાહ દંપતીએ કહ્યું હતું કે ‘જોશી અને મહેતા પરિવારે પાર્ટી અથવા હૉલિડે ટ્રિપ આપવાને બદલે સિદ્ધચક્ર મહાપૂજન ગિફ્ટ કર્યું એ જીવનભરનું સંભારણું બની રહેશે. આવા કલ્યાણકારી મિત્રો જીવનમાં હોય તો બીજું કંઈ ન જોઈએ. પૂજનનો અનુભવ અમારા માટે ન ભૂતો ન ભવિષ્ય જેવો છે. આજ સુધી કોઈએ આવી ભેટ આપી નથી અને કદાચ મળશે પણ નહીં. અમે ક્યારેય જોયું કે સાંભળ્યું નથી કે કોઈ ફ્રેન્ડ‍્સે આવી અમૂલ્ય ભેટ આપી હોય. પૈસા ખર્ચતાં પણ ઘણી વાર આવી વિધિ કરાવી શકતા નથી. તેમણે અમારા સમસ્ત પરિવાર માટે પુણ્યના રસ્તા ખોલી નાખ્યા. તેમણે સમાજને સંદેશ આપ્યો છે અને નવી શરૂઆત કરી છે. આવી ભેટ સૌને મળે અને અમે પણ કોઈકને આપી શકીએ એવી પ્રાર્થના કરી છે.’

મૅક્સ જોશી ઇવેન્ટ-પ્લાનર છે અને નીલેશ મહેતા ફાઇનૅન્શિયલ ઍડ્વાઇઝર છે. દીપ્તિબહેન સિંગર છે. નવકારશી પછી સવારે ૮ વાગ્યે શરૂ થયેલી વિધિ પાંચ કલાક ચાલી હતી. શાહપરિવારે સંઘપૂજન કર્યું હતું. પૂજનની સમાપ્તિ બાદ લંચનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. સિદ્ધચક્ર મહાપૂજનનો લાભ લેવા મુંબઈ, વસઈ, વિરાર અને વાપીથી મહેમાનો આવ્યા હતા. સાહિત્ય દિવાકર અચલગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ. શ્રી કલાપ્રભસાગરસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં ઉજવણી થઈ હતી. 

mumbai news mumbai gujarati community news gujaratis of mumbai ghatkopar jain community kutchi community culture news