BMC કૉન્ટ્રૅક્ટરની બેદરકારીથી મુલુંડનાં ૭૫ વર્ષનાં કચ્છી મહિલા ICUમાં

17 March, 2026 03:42 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પડી ગયાં એને પગલે કમરની સર્જરી કરાવવી પડી, ૪ લાખ રૂપિયાનો ફટકો

એન. એસ. રોડ પર મયૂરપંખ બિલ્ડિંગનો રસ્તો છે જ્યાં હેમલતાબહેન પડી ગયાં હતાં. હેમલતાબહેન હાલમાં મુખી હૉસ્પિટલના ICUમાં સારવાર હેઠળ છે.

મુલુંડ-વેસ્ટના એન. એસ. રોડ પર નવભારત સ્કૂલ નજીક આવેલા મયૂરપંખ બિલ્ડિંગમાં રહેતાં ૭૫ વર્ષનાં હેમલતા ગડા ૭ માર્ચે રાતે થયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં હતાં. BMCના કૉન્ટ્રૅક્ટરે રસ્તા પાસે બેદરકારીપૂર્વક મૂકેલા સિમેન્ટના બ્લૉક અને અસમથળ ગટરના લોખંડના ઢાંકણને લીધે તેઓ પડી ગયાં હતાં. એ વખતે આ વિસ્તારમાં રસ્તાની સપાટી સમથળ ન હોવાથી અને અંધારાને કારણે તેમને અવરોધ સ્પષ્ટ રીતે દેખાયો નહોતો. અકસ્માત બાદ તેમને તાત્કાલિક હૉસ્પિટલમાં લઈ જવાયાં હતાં. છેલ્લા ૧૦ દિવસથી હેમલતાબહેન ઇન્ટેન્સિવ કૅર યુનિટ (ICU)માં છે. BMCના અધિકારીઓની બેદરકારીને કારણે કચ્છી પરિવારને સારવારનો ચાર લાખ રૂપિયાનો ખર્ચ આવ્યો છે જે હજી વધવાની શક્યતા છે.

હેમલતાબહેનના પતિ મનસુખ ગડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૭ માર્ચ રાતે બારેક વાગ્યે એક પ્રોગ્રામમાં જઈને હું અને હેમલતા આવતાં હતાં. હું રિક્ષાવાળાને પૈસા આપી રહ્યો હતો એ વખતે હેમલતા બિલ્ડિંગમાં પ્રવેશવા આગળ વધી એ દરમ્યાન અમારા બિલ્ડિંગની બહાર જ સિમેન્ટના બ્લૉક અને અસમથળ ગટર પરના લોખંડના ઢાંકણને લીધે તેનું બૅલૅન્સ જતાં તે પડી ગઈ હતી. એ વખતે તેને એટલો જોરદાર દુખાવો થયો કે રસ્તા પરથી જતા લોકોની મદદથી તેને અમે ખુરસી પર બેસાડી. એ પછી તેને હૉસ્પિટલમાં ઍડ્‍‍મિટ કરવામાં આવી જ્યાં તેના કમરના ભાગમાં ગંભીર ઈજા થઈ હોવાનું જણાયું. તેની કમરના હાડકામાં ફ્રૅક્ચર આવ્યું હોવાથી ૯ માર્ચે ‍ઑર્થોપેડિક ડૉક્ટરની ટીમે તેની કમરની સર્જરી કરી હતી. સર્જરી બાદ પણ તેની તબિયતમાં ખાસ સુધારો જોવા મળતો નથી એટલે તેને ICUમાં રાખવામાં આવી છે. વધુ ઉંમર અને ગંભીર ઈજાને કારણે તેને સંપૂર્ણપણે સાજા થવામાં વધુ સમય લાગી શકે છે એવું ડૉક્ટરોએ જણાવ્યું છે. આ અકસ્માત માટે મુખ્ય કારણ BMCના કૉન્ટ્રૅક્ટર દ્વારા બેદરકારીપૂર્વક મુકાયેલા સિમેન્ટ બ્લૉક અને ગટર પરનું લોખંડનું ઢાંકણ છે. ત્રણ મહિના પહેલાં કામ પૂર્ણ થયા બાદ પણ આ બ્લૉક રસ્તા પરથી હટાવવામાં આવ્યા નહોતા એને લીધે અમારા વિસ્તારના રહેવાસીઓ માટે જોખમ છે. આ અકસ્માત બાદ અમને અત્યાર સુધી સારવાર પાછળ ૪ લાખ રૂપિયાનો ખર્ચ કરવો પડ્યો છે.’ 

mumbai news mumbai mulund brihanmumbai municipal corporation gujarati community news gujaratis of mumbai kutchi community