11 July, 2023 01:05 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઈલ તસવીર
આજે 11 જુલાઈએ મુંબઈ ટ્રેન વિસ્ફોટની 17મી વર્ષગાંઠ છે. ખરેખર આ એ જ દુર્ઘટના છે જેણે 2006માં મુંબઈ શહેરને હચમચાવી નાખ્યું હતું. સાત બોમ્બ વિસ્ફોટ લગાતાર થયા હતા. મુંબઈમાં ઉપનગરીય રેલ્વેની વેસ્ટર્ન લાઇન પર ચાલતી ટ્રેનોમાં આગ ફાટી નીકળી હતી. આ ગોઝારો દિવસ 7/11 તરીકે પણ ઓળખાય છે. આ દિવસે થયેલા સાત વિસ્ફોટોએ આર્થિક રાજધાનીને સ્થગિત કરી દીધી હતી.
આજથી બરાબર ૧૭ વર્ષ પહેલાં આ દિવસે એટલે કે 11 જુલાઈ 2006ના રોજ મુંબઈગરાઓ તેમની ઓફિસેથી ઘરે પાછા ફરવા માટે લોકલ ટ્રેનમાં ચડ્યા હતા. ત્યારે અચાનક એક પછી એક 7 બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા. આ વિસ્ફોટોએ આખા શહેરને હચમચાવી નાખ્યું હતું.
આ ગોઝારી ઘટનામાં 200 લોકોએ જીવ ગુમાવ્યા હતા. જ્યારે 700થી વધુ લોકો ઘાયલ ગંભીર રીતે થયા હતા. આ વિસ્ફોટો બાદ સર્વત્ર મોતનો માતમ છવાયેલો જોવા મળ્યો હતો. કોઈએ પોતાનો મિત્ર ગુમાવ્યો તો કોઈએ ભાઈ તો કોઈએ પુત્ર, પતિ ગુમાવ્યો હતો. આજે ઘણા વર્ષો પછી પણ આ ઘટનાની તસવીરો લોકોની આંખો ભીની કરી દે છે.
આ કેસના મામલામાં સપ્ટેમ્બર 2015માં 12 લોકોને દોષી ઠેરવવામાં આવ્યા હતા. વધુમાં ઓક્ટોબર 2015માં આ 12 દોષિતોમાંથી 5, કમાલ અહમદ અંસારી, મોહમ્મદ ફૈઝલ શેખ, એહતેશામ સિદ્દીકી, નાવેદ હુસૈન ખાન અને આસિફ ખાનને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે આ સાત બ્લાસ્ટ માત્ર 11 મિનિટમાં થયા હતા. તમામ વિસ્ફોટો માટે પ્રેશર કૂકરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમને વેસ્ટર્ન લાઇન પર દોડતી ટ્રેનોમાં રાખવામાં આવ્યા હતા. પ્રેશર કૂકરમાંથી થયેલા આ બ્લાસ્ટ અન્ય બોમ્બ બ્લાસ્ટ કરતાં વધુ જોરદાર હતા. પહેલો બ્લાસ્ટ સાંજે 6.24 કલાકે થયો હતો. જ્યારે છેલ્લો બ્લાસ્ટ 6:35 વાગ્યે થયો હતો. આ વિસ્ફોટોથી મુંબઈની લાઈફલાઈન પર પૂર્ણ રીતે બ્રેક લાગી ગઈ હતી. સર્વત્ર અરાજકતાનો માહોલ સર્જાયો હતો. ઉલ્લેખનીય છે કે આ તમામ બ્લાસ્ટ લોકલ ટ્રેનના ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં કરવામાં આવ્યા હતા. આ માટે આતંકવાદીઓએ ચર્ચગેટથી જતી ટ્રેનોને નિશાન બનાવી હતી. જે લોકોની અવરજવરનું મુખ્ય કેન્દ્ર હતું.
માહિમ જંક્શન ખાતે ચર્ચગેટ બોરીવલી વચ્ચે ચાલતી લોકલમાં થયેલા તે વિસ્ફોટોમાં મોટાભાગના લોકોના જીવ ગયા હતા. જેમાં 43 લોકોના મોત થયા હતા. આ પછી મીરા રોડ-ભાઈંદર લોકલમાં 31, માટુંગા રોડ-માહિમ જંક્શન વચ્ચે ચાલતી ચર્ચગેટ-વિરાર લોકલમાં 28, ચર્ચગેટ-બોરીવલી લોકલમાં 28, ચર્ચગેટ-વિરાર (બોરીવલી) લોકલમાં 26, ચર્ચગેટ-બોરીવલી લોકલમાં 22 લોકો (બાંદ્રા-ખાર રોડ) લોકલમાં અને ચર્ચગેટ લોકલમાં 9 લોકોએ જીવ ગુમાવ્યા હતા.